ગુજરાતમાં ક્યારથી શરૂ થશે શ્રાવણ મહિનો? ચાર સોમવાર આવશે, જાણો ઉપવાસનું મહત્ત્વ
Shravan Month 2025 Start Date in Gujarat: સનાતન ધર્મમાં શ્રાવણ મહિનો ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન દેશભરમાં શિવજીનું ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવે છે. તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે શિવજીનું શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં શ્રદ્ધાપૂર્વક શિવલિંગ પર જળનો અભિષેક કરવામાં આવે તો દરેક પ્રકારની મુશ્કેલી દૂર થાય છે અને જીવનમાં સુખ- શાંતિ આવે છે. તેમાં પણ જો શ્રાવણ સોમવારે જળાભિષેક કરવું વધુ પુણ્યદાયી માનવામાં આવે છે.
આ પણ વાંચો: Pitru Paksha 2025: પિતૃ પક્ષ ક્યારથી શરૂ થશે? જાણો તારીખ અને શ્રાદ્ધ-તર્પણનું મહત્ત્વ
ઉત્તર ભારતમાં 11 જુલાઈએ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ હવે ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરુઆત ક્યારે થશે તે પ્રશ્ન શિવ ભક્તોમાં થઈ રહ્યો છે. તેમજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ક્યારે આવશે? આ સાથે શ્રાવણ સોમવારના વ્રતનો સમય, મહત્ત્વ વિશે જાણીએ..
શ્રાવણ મહિનાની શરુઆત ક્યારે
આ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઈના રોજ થઈ રહ્યો છે. તેમજ 23 ઓગસ્ટના રોજ સમાપ્તિ થશે. આ દરમિયાન કુલ 4 શ્રાવણ સોમવાર આવશે.
સોમવારના વ્રતની તારીખ
પવિત્ર શ્રાવણ માસમાં કુલ 4 શ્રાવણ સોમવાર આવશે. જે ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારનું વ્રત શરૂ કરવા માંગતા હોય, તેઓએ શ્રાવણના પહેલા સોમવારથી વ્રત - ઉપવાસ શરૂ કરી શકે છે.
આ પણ વાંચો: નોકરીઓ પર સંકટ, દુર્ઘટનાઓ થવાની આશંકા! 28 જુલાઈ સુધીનો સમય ભારે, બચવા માટે કરો આ ઉપાય
વર્ષ 2025માં પવિત્ર શ્રાવણ મહિનામાં 4 સોમવારે ઉપવાસ કરવા જોઈએ. જે ભક્તો 5 સોમવારનો ઉપવાસ પૂર્ણ કરવા ઈચ્છે છે, તેઓ આ 4 શ્રાવણ સોમવાર પછી એક વધારાનો સોમવારનો ઉપવાસ પણ રાખી શકે છે. આ સાથે ધાર્મિક રીતે 16 સોમવારનો ઉપવાસ કરવાનો વિશેષ મહિમા રહેલો છે, જે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અતિ પુણ્યદાયક કહેવાય છે.
- શ્રાવણ મહિનાનો પહેલા સોમવારનો ઉપવાસ: 28 જુલાઈ, 2025
- શ્રાવણ મહિનાના બીજા સોમવારનો ઉપવાસ: 4 ઓગસ્ટ, 2025
- શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારનો ઉપવાસ: 11 ઓગસ્ટ, 2025
- શ્રાવણ મહિનાના ચોથા સોમવારનો ઉપવાસ: 18 ઓગસ્ટ, 2025
શિવજીને જળાભિષેક કરવાનો સમય
પવિત્ર શ્રાવણ માસના સોમવારે ભક્તો વહેલી સવારથી શિવ મંદિરોમાં એકત્ર થાય છે. આ પવિત્ર દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરી અભિષેક માટે પહેલાથી જ સ્વચ્છ ધાતુના વાસણમાં ગંગાજળ અથવા શુદ્ધ જળ ઘરેથી જ ભરી લઈ જાઓ અને તેમાં ગાયનું દૂધ ઉમેરી દો. ત્યાર બાદ પવિત્ર જળથી શિવલિંગ પર અભિષેક કરો. સાથે થોડા ફૂલ અને બીલીપત્ર લઈ જઈને ભગવાન શિવને મંત્રોચ્ચાર સાથે અર્પણ કરો.
સોમવારના ઉપવાસનું મહત્વ
- પવિત્ર શ્રાવણ સોમવારનું વ્રત કરવાથી અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન અને શિવ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી.
- કિશોરીઓએ ઇચ્છિત વર મેળવવા માટે પણ શ્રાવણ સોમવારનું વ્રત ખૂબ ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શિવજીના આશીર્વાદથી તેમને યોગ્ય જીવનસાથી મળે છે.
- શ્રાવણ મહિનામાં શિવજીનું આ વ્રત વિવાહિત જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. આ ઉપરાંત, રોગ, પીડા, દુઃખ અને દોષોમાંથી મુક્તિ મેળવવા માટે પણ શ્રાવણ સોમવારનું વ્રત કરવામાં આવે છે.
- આ ઉપરાંત સંતાન સુખ માટે તેમજ ધન, સુખ, સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ માટે પણ શ્રાવણ સોમવારનું વ્રત ખૂબ ફળદાયી માનવામાં આવે છે.