ભાદરવા માસના પિતૃપૂજનનો મહિમા: જાણો પિતૃઓને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો
Pitru Paksha Pooja: ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની શરૂઆત થઈ ચૂકી છે, જેને પિતૃપક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર સમયગાળા દરમિયાન પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો વિશેષ મહિમા છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ પી. લાઠિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, પિતૃપૂજન ફક્ત પોતાના કુટુંબીજનો પૂરતું સીમિત નથી, પરંતુ મોસાળ, મિત્રો અને હિતેચ્છુઓને પણ આદરપૂર્વક પિતૃદેવ ગણી શ્રદ્ધા અર્પણ કરવી જોઈએ.
આ પણ વાંચો : ગણપતિ વિસર્જન ક્યારે? જાણી લો શુભ મુહૂર્ત, મહત્ત્વ અને તમામ સંબંધિત પરંપરાઓ
પિતૃઓને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો
ડૉ. લાઠિયાએ જણાવ્યું કે, પિતૃઓને પ્રસન્ન કરવા માટે કેટલીક સરળ વિધિઓ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેમના જણાવ્યા અનુસાર, પિતૃપક્ષ દરમિયાન ઘરમાં ગુગળનું ધૂપ કરવો અને તેમાં જવ, તલ અને પતાસાંના ટુકડા નાખવા જોઈએ. આ ધૂપ કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને ઘરમાં શાંતિ તથા પ્રગતિ થાય છે.
પિતૃદોષ દૂર કરવાના ઉપાયો
પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પણ કેટલાક વિશેષ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. પિતૃસૂક્ત અને ગજેન્દ્રમોક્ષના પાઠ વાંચવાથી કે સાંભળવાથી પિતૃઓને સદ્દગતિ મળે છે અને દોષ દૂર થાય છે. આ ઉપરાંત, ઘરે પિતૃઓ સમક્ષ ખીર ધરીને પ્રાર્થના કરવાથી તેઓ ખીરની સુગંધથી તૃપ્ત થાય છે.
પશુ-પક્ષીઓ અને વૃક્ષનું મહત્ત્વ
પિતૃપક્ષમાં ગાય અને કૂતરાને અન્ન આપવું અને કાગવાસ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ ક્રિયાઓથી પિતૃઓ પ્રસન્ન રહે છે. વધુમાં, શિવ મંદિરમાં શિવલિંગ અને નાગ પર જળ અભિષેક કરવાથી અને પીપળાના વૃક્ષને જળ સિંચન કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તેઓ આશીર્વાદ આપે છે.
આ પણ વાંચો : ચંદ્રગ્રહણના દિવસે મંગળ-શનિ બનાવશે સમસપ્તક યોગ, 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
પિતૃઓના આશીર્વાદથી જીવન સુખમય બને છે
જ્યોતિષાચાર્ય ડૉ. લાઠિયાએ અંતમાં જણાવ્યું કે, પિતૃદેવને શ્રદ્ધા અને ભાવ મુજબ ભક્તિ કરવાથી તેમના આશીર્વાદ દ્વારા ઘરમાં શાંતિ, ઉન્નતિ અને શુભ પ્રસંગોનું આગમન થાય છે. આ આશીર્વાદથી દરેક કામકાજમાં પ્રગતિ થાય છે, જેનાથી જીવન સુખમય બને છે. આમ, આ પિતૃપક્ષ દરમિયાન શ્રદ્ધાપૂર્વક પિતૃપૂજન કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.