Navratri 2025: પવિત્ર શારદીય નવરાત્રિનો 22 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રારંભ થઈ રહ્યો છે. પ્રતિપદા તિથિએ ઘટસ્થાપનથી નવરાત્રી શરૂ થાય છે. આ દિવસે ઘટસ્થાપન માટે બે શુભ સમય છે. પહેલું સવારે 6:09 થી 8:06 સુધીનું છે. બીજો અભિજિત મુહૂર્ત છે, જે 11:49 થી 12:38 વાગ્યા સુધીનો છે. આ બંને સમય દરમિયાન ઘટસ્થાપન કરી શકાય છે. જોકે, ઘટસ્થાપન દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જરુરી છે.
આ પણ વાંચો: આજે આંશિક સૂર્યગ્રહણ: 122 વર્ષ બાદ દુર્લભ સંયોગ, ભારતમાં સૂતક નહીં પરંતુ આ ઉપાય ખાસ કરવો
ઘટસ્થાપન દરમિયાન ન કરશો આ ભૂલો
1. ઘટસ્થાપન પહેલાં પૂજા સ્થળ સ્વચ્છ હોવું જરુરી. ત્યાર બાદ કળશ સ્થાપિત કરતા પહેલા એ ખાતરી કરી લો કે, તે અંદરથી બરોબર સ્વચ્છ છે, એટલે કે ત્યાં કોઈ ગંદકી કે અન્ય કોઈ પ્રકારનો કચરો હોય તો સાફ કરી દેશો. કળશની આસપાસ સ્વચ્છતા પર ખાસ ધ્યાન રાખવું. રસોડા કે શૌચાલયની નજીક ઘટસ્થાપન કરવાનું ટાળવું જોઈએ.
2. પૂજા માટે ક્યારેય તૂટેલા કળશનો ઉપયોગ ન કરવો. પૂજા-પાઠ દરમિયાન ક્યારેય તૂટેલા કળશને સ્થાપિત ન કરો. એકવાર કળશ સ્થાપિત થઈ ગયા પછી નવરાત્રિ દરમ્યાન તેને દેવીના મંદિરની નજીકથી ખસેડશો નહીં. આ કળશને અશુદ્ધ હાથે ક્યારેય સ્પર્શ ન કરશો.
3. જો તમે ઘરમાં ઘટસ્થાપન કર્યું હોય તો નવરાત્રિ દરમ્યાન તે સ્થાન ખાલી ન રાખો. એવી ધાર્મિક માન્યતા છે કે, ઘર ખાલી રાખવાથી દેવી અપ્રસન્ન થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન દેવી દુર્ગાની પૂજાની સાથે કળશની નિયમિત પૂજા પણ જરૂરી છે.
4. જો તમારા ઘરમાં લસણ, ડુંગળી અથવા અન્ય કોઈ તામસિક વસ્તુઓ સંગ્રહિત હોય તો કળશ સ્થાપન પહેલાં તેને ઘરમાંથી કાઢી નાખો.
નવરાત્રિ દરમિયાન કેમ કરવામાં આવે છે ઘટસ્થાપન
હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલાં કળશ સ્થાપિત કરવામાં આવે છે અને દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે. તેથી, ઘટસ્થાપન પછી જ નવરાત્રિ દરમિયાન ઉપવાસનું વ્રત લેવામાં આવે છે. ઘટસ્થાપન સાથે દેવી દુર્ગાનું આહ્વાન કરવામાં આવે છે. કળશ સ્થાપિત થયા પછી જ નવરાત્રિ દરમિયાન દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, સ્થાપિત કળશ આખા ઘરમાં સકારાત્મક ઉર્જા અને પવિત્રતાનો સંચાર કરે છે.
ઘટસ્થાપન માટેની સામગ્રી
ઘટસ્થાપન માટે આંબાના પાન, જવારા માટે સ્વચ્છ માટી, જવ, હળદર, ગુલાલ, કપૂર, પૂજા માટે પાન (સોપારી), પંચામૃત, સિક્કા, નારિયેળ, અક્ષત, ફૂલો, ગંગાજળ, પંચામૃત, મધ અને ધૂપ આવશ્યક સામગ્રી છે.


