આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ, આવતીકાલથી પર્વમય ભાદરવાનો પ્રારંભ થશે
Shravan Month 2025: આજે શનિવારે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે, અને રવિવારથી ભક્તિસભર ભાદરવા માસનો પ્રારંભ થશે. આ દિવસોમાં અનેક મુખ્ય તહેવારોની ઉજવણી થશે, જેમાં 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ચાલનારો ગણેશોત્સવ અને 20 થી 28 ઓગસ્ટ સુધી ચાલનારો પર્યુષણ પર્વ મુખ્ય છે. આ પર્વ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો સમન્વય રજૂ કરે છે.
આ પણ વાંચો: 30 ઓગસ્ટે 3 ગ્રહોનો મહાસંયોગ, કર્ક-વૃશ્ચિક સહિત 3 રાશિના જાતકોને બેઠા બેઠા થશે ધનલાભ
શ્રાવણ માસમાં શિવભક્તિ અને ઉપવાસનું વિશેષ મહત્ત્વ હોય છે. લાખો શિવભક્તોએ આ આખો મહિનો ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરીને પુણ્ય કમાવ્યું છે. શ્રાવણ માસની વિદાય સાથે, હવે તહેવારોની નવી શૃંખલાનો પ્રારંભ થશે.
ભાદરવો: તહેવારો અને આધ્યાત્મિકતાનો મહિનો
ભાદરવો મહિનો ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ તહેવારોનો મહિનો ગણાય છે. આ સમયગાળામાં એકસાથે અનેક મુખ્ય પર્વોની ઉજવણી થતી હોય છે, જે શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય રજૂ કરે છે.
ગણેશોત્સવ: ભાદરવા સુદ ચોથથી એટલે કે 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. આ 10 દિવસના પર્વ દરમિયાન ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ તહેવાર એકતા અને ઉત્સાહનું પ્રતીક છે.
પર્યુષણ પર્વ: જૈન સમાજ માટે પર્યુષણ પર્વ અત્યંત મહત્ત્વનો છે. આ પર્વ 20 થી 28 ઓગસ્ટ દરમિયાન ઉજવવામાં આવે છે. આ 8 દિવસો દરમિયાન જૈન શ્રાવકો ઉપવાસ, ધ્યાન અને આત્મશુદ્ધિ દ્વારા મોક્ષના માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરે છે. આ પર્વ ક્ષમા, ત્યાગ અને સંયમનું શિક્ષણ આપે છે.
આ પણ વાંચો: અસુરોના ગ્રહ 'રાહુ'નો દોષ તમારા ઘરમાં નથી ને? જાણો લક્ષણ અને તેના ઉપાય
અંબાજીનો મેળો: બનાસકાંઠા જિલ્લાની અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ મા અંબાજીનું શક્તિપીઠ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે. પાલનપુરથી 50 કિલોમીટર દુર અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે, જેમાં ભારતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી મા અંબાના દર્શન માટે આવે છે. અંબાજીમાં આગામી 1થી 7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો યોજાશે. અરવલ્લીની ગીરીમાળાઓમાં બોલ મારી અંબે જય જય અંબેનો નાદ ગૂંજી ઉઠશે.