જાણો તમારો ચંદ્ર કેવો છે? તમારી કુંડળીમાં ચંદ્ર બળવાન છે કે કમજોર? પોઝિટિવ છે કે નેગેટિવ? તેના પ્રભાવો...
- જો તમારો ચંદ્ર બળવાન છે તો તમને પૈતૃક સંપત્તિ, વારસો મેળવવામાં તકલીફ પડતી હોય છે
અમદાવાદ, તા. 24 જુલાઈ 2022, રવિવાર
સૌથી પહેલા તો તમારી કુંડળીમાં ચંદ્રમા પોઝિટિવ, બળવાન, લાભદાયી, મજબૂત હોય તો શું થાય તે જાણીએ...
ચંદ્રમા એ આપણું મન છે અને જ્યારે મન સારૂં હોય, મજબૂત હોય તો આપણાં ચહેરા પર સ્મિત રહે તે એક સામાન્ય વાત છે. જ્યારે આપણું મ
ન ખુશ હોય છે ત્યારે સૌથી પહેલા તો આપણાં ચહેરા પર સ્મિત, મુસ્કાન આવે છે. જો તમારો ચહેરો સુંદર હોય તો તમે એક ખૂબ જ ધ્યાનાકર્ષક અને સુંદર સ્મિત ધરાવો છો. તેના કારણે લોકો પણ બહુ જલ્દી તમારાથી આકર્ષિત થઈ જાય છે.
ઉપરાંત તમે લોકો સાથે ખૂબ સારી રીતે વાત કરવાની આવડત ધરાવો છો અને અસ્ખલિત વાતો કરી શકો છો. ચંદ્ર મજબૂત હોવાથી તમે દરેક ઉંમરના વ્યક્તિ સાથે તેમને સુસંગત વાતો કરી શકો છો અને ખૂબ જ સરળતાથી હળી-મળી જાઓ છો. તમે ક્યાંય પણ જાઓ, થોડા જ સમયમાં તમારે 2-4 નવા મિત્રો બની જાય છે.
આ પણ વાંચોઃ જાણો તમારો સૂર્ય પોઝિટિવ છે કે નેગેટિવ? તમારો સૂર્ય બળવાન છે કે કમજોર?
કલામાં રૂચિ
જો તમને સૌંદર્ય, ડિઝાઈનીંગ, પેઈન્ટિંગ, રાઈટિંગ, કૂકીંગ જેવા વિષયોમાં કોઈ પુસ્તક લખવાની ઈચ્છા થઈ રહી છે અને તમને એમ લાગે છે કે, આ કામ માટે તમારી અંદર ખૂબ સારી ક્ષમતા રહેલી છે તો તેનો અર્થ એમ થાય કે, તમારો ચંદ્ર પોઝિટિવ છે. તમારે એ માટે પ્રયત્નો પણ કરવા જોઈએ અને તમે તે વિષયો પર ખૂબ સારા પુસ્તકો લખી પણ શકશો.
લોકોના રહસ્યો જાણવાની કળા....
તમે ખૂબ સારી રીતે ટોક-શો હોસ્ટ કરવાની ક્ષમતા ધરાવો છો. તમે એક ખૂબ જ સારા એન્કર બની શકો છો કારણ કે, તમને લોકો પાસેથી વાત કઢાવવી ખૂબ જ સારી રીતે આવડશે. તમારી કોમ્યુનિકેશન સ્કીલ શાનદાર હોવાના કારણે તમે લોકોના સિક્રેટ્સ, તેમની ખાનગી વાતો પણ ખૂબ સરળતાથી જાણી શકો તેમ છો. જોકે, અહીં એક ખામી એ પણ છે કે તમે લોકોના રહસ્યોને જાણીને પછી તેને ગોસિપમાં ફેરવીને બીજા લોકો સુધી વહેતા કરી દેવાની આદત ધરાવતા હશો. આ આદત પોઝિટિવ ચંદ્રની નિશાની છે પરંતુ તે સારી આદત નથી જ.
લોકો કહેતા હશે કે તમે ખૂબ આકર્ષક છો
તમે એક વાત કદી નોંધમાં લીધી છે કે, જ્યારે પણ તમે કોઈને મળો છો ત્યારે દરેક વ્યક્તિ તમારી પ્રશંસામાં એક વાત ચોક્કસથી કહેતી હશે કે, તમે ખૂબ જ આકર્ષક છો. અથવા તો તે મારી આંખોના વખાણ કરતી હશે. આ બાબત પણ તમારમા પોઝિટિવ ચંદ્ર સાથે જ સંકળાયેલી છે.
ચંદ્રમા અને મા વચ્ચેનું કનેક્શન
જો તમારે તમારી માતા સાથે ખૂબ જ સારા સંબંધો છે અને મોસાળ સાથે, નાનાજીના પરિવાર સાથે પણ સુમધુર સંબંધો છે, તમારી અંદર તમારી માતાના અનેક ગુણો છે અને ઘણી વસ્તુઓ તમે તમારી માતા પાસેથી બિલકુલ એ જ રીતે આત્મસાત કરી છે, વારસામાં મેળવી છે, જેમ કે સૌંદર્ય, ગૃહ વ્યવસ્થાના ગુણો વગેરે તો તે પોઝિટિવ ચંદ્રની નિશાની છે.
ગોળમટોળ ચહેરો...
ગોળમટોળ અને સુંદર ચહેરો પણ સારા ચંદ્રમાની નિશઆની છે. જો તમે પૂર્ણમાસી-પૂનમના રોજ જન્મ્યા છો જ્યારે ચંદ્ર આખો હોય, શક્તિશાળી હોય તો નિશ્ચિતરૂપે તમારો ચહેરો ગોળ, આંખો સુંદર જ હશે. ઉપરાંત તમારી પર માતાનો પ્રભાવ વધારે હશે. ખાસ કરીને જ્યારે તમારો જન્મ રાતના સમયે થયો હશે તો નિશ્ચિતરૂપે આ પ્રકારના ગુણો જોવા મળશે.
સ્ત્રીત્વ સાથેનું જોડાણ...
જો મોસાળની સરખામણીએ તમારે પિતાની બાજુના પરિવાર સાથે સારા સંબંધો ન હોય, તમારા પિતા સાથે પણ એક પ્રકારે અંતર રહેતું હોય, ઘણી વખત વિવાદ થતા હોય, તમે તમારા પિતાની વિચારસરણી સાથે સહમત ન હોવ, તમારા મતે તમારા પિતાનો વ્યવહાર યોગ્ય નથી તો આ બધાનું કારણ એ છે કે, ક્યાંકને ક્યાંક તમારી અંદર સ્ત્રીત્વ રહેલું છે.
જો તમે પુરૂષ છો તો તમે મહિલાઓમાં સૌથી પહેલા તો થોડી નારીત્વની લાગણી, એનું પોતાનું સ્ત્રીત્વ શોધશો. જે મહિલાઓ મૃદુભાષી હોય, સૌંદર્યમાં વિશેષ રૂચિ રાખતી હોય, થોડી નાજુક હોય તેને તમે પ્રાધાન્ય આપશો. જ્યારે તમે સ્ત્રી હોવ અને તમારો ચંદ્ર પ્રભાવશાળી હોય તો તમે પુરૂષોમાં પણ આવી જ વસ્તુઓ શોધશો. જેમ કે તે થોડો નાજુક, કાળજી રાખનારો, રમૂજી કે રસોઈકળાનો જાણકાર હોય. આમ જો ક્યાંકને ક્યાંક તમે નાજુકતા, સૌંદર્ય, મૃદુતા વગેરે બાબતોને પ્રાધાન્ય આપતા હશો તો તે સારા ચંદ્રની નિશાની છે.
આ પણ વાંચોઃ જાણો તમારો રાહુ પોઝિટિવ છે કે નેગેટિવ? તમારો રાહુ બળવાન છે કે કમજોર?
બળવાન ચંદ્ર પૈતૃક સંપત્તિ માટે અડચણરૂપ
ઘણી વખત એવી સમસ્યા જોવા મળતી હોય છે કે, જો તમારો ચંદ્ર બળવાન છે તો તમને પૈતૃક સંપત્તિ, વારસો મેળવવામાં તકલીફ પડતી હોય છે. જોકે તમને મોસાળ પક્ષેથી, નાના-નાનીની સંપત્તિ-વારસો ખૂબ મળે છે.
હવે વાત કરીએ નબળા, નેગેટિવ, પ્રતિકૂળ કે પછી નીચના ચંદ્ર વિશે, તેનાથી શું થાય તે વિશે....
સૌથી પહેલા તો તમે ખૂબ જ મૂંઝવણભર્યું, અનિર્ણાયક વ્યક્તિત્વ ધરાવતા હશો. ઘણી વખત તમે સમજી જ નહીં શકો કે, શું કરવું અને શું ન કરવું. તમારા ચહેરા પર રહેલા સ્મિત પાછળ પણ વ્યંગ કે રહસ્ય છુપાયેલું હશે, તમે દરેક વ્યક્તિને એવી નજરે જોવો છો કે, તેની ખામી ક્યાંથી શોધી શકાય, તમે લોકોની ખામી પહેલા જુઓ છો. તમને સૌંદર્યકલામાં સારી રૂચિ હશે પરંતુ તમે બીજાની આ કલાની હંમેશા ટીકા કરતા હશો, અથવા કદી કોઈની સૌંદર્યકલાના વખાણ નહીં કરી શકતા હોવ, તમને ખૂબ ઓછા લોકોમાં સુંદરતા દેખાતી હશે... આવા કોઈ પણ ગુણ નબળા કે પ્રતિકૂળ ચંદ્રની નિશાની છે.
જો તમે પાણી સાથે સંકળાયેલા કોઈ વ્યવસાયમાં જોડાયેલા છો, ડેરી ફાર્મ કે ઠંડા પીણા વગેરેનું કામ કરો છો અને સફળતા નથી મળી રહી તો સમજી લો કે તમારો ચંદ્ર ખરાબ છે. તમારે તે કામ ન કરવા જોઈએ પરંતુ જો તમારો ચંદ્ર સારો હોય તો એ કામોમાં તમારે આગળ વધવું જોઈએ.
એ જ રીતે જો ચંદ્રમા નબળો હોય તો તમારે વારંવાર તમારા કામને બદલવાનો પ્રયત્ન કરવો પડે છે. તમને સતત એમ લાગે છે કે, હવે આ સરખું નથી ચાલી રહ્યું, હવે હું આ કામ કરૂં, આજે આ કર્યું તો કાલે પેલું કરૂં... તમે કોઈ નિર્ણય જ ન લઈ શકો અને સતત મૂંઝવણમાં રહો તે પણ નબળા ચંદ્રની નિશાની છે. તમારૂં કોઈ કામ ઘણાં લાંબા સમય સુધી પાર ન પડે તે નબળા ચંદ્રની નિશાની છે.
જો તમે હંમેશા લોકોની ભૂલ શોધો, લોકોની દરેક વાતની ટીકા કરો તો એ તમારી ખૂબ જ ખરાબ આદત છે અને સમજી લો કે તમારો ચંદ્ર નબળો છે અને પાપ પ્રભાવમાં છે.
- મૃત્યુંજય શર્મા