જાણો તમારો રાહુ પોઝિટિવ છે કે નેગેટિવ? તમારો રાહુ બળવાન છે કે કમજોર?
- જો તમે શેખચિલ્લીની માફક સપનાઓ જુઓ છો, ખયાલી પુલાવ બનાવો છો, કલ્પનાઓમાં ડૂબ્યા રહો છો તો તમારો રાહુ નેગેટિવ છે, નબળો છે
અમદાવાદ, તા. 18 જુલાઈ 2022, સોમવાર
રાહુ આપણાં જીવનમાં ભારે મોટી ઉથલ-પાથલ લાવી શકે છે. તે આપણને જમીન પરથી સાતમા આસમાન સુધીની સફર કરાવી શકવા માટે શક્તિમાન છે. તમારી કુંડળીમાં રાહુ પોઝિટિવ કે પ્રબળ હોય તો તેના શું લક્ષણો હશે, શું ઉપાયો અપનાવી શકાય તે જાણીએ.
સૌથી પહેલી વાત, જો તમે બિનરૂઢિગત અને સ્વતંત્ર વિચારસરણીના માલિક છો, કોઈ પણ વાત માટે તમે પરંપરાથી આગળ વધીને વિચારો છો, એક નિશ્ચિત પ્રણાલીને તોડીને સમજવાનો પ્રયત્ન કરો છો તો તમારો રાહુ પોઝિટિવ/શક્તિશાળી છે.
સેટ પટર્ન એટલે કે પરંપરા, જે અનેક વર્ષોથી નિશ્ચિત બાબતો છે તેને નકારીને એક નવી વિચારસરણી (Unconventional) લાવવી/સમાજને કશુંક નવું આપવું, સારા અને પોઝિટિવ રાહુની નિશાની છે.
જો તમે હંમેશા પરંપરાનો ભંગ કરીને કશુંક નવું કરો છો/તમને સામા પ્રવાહે તરવામાં આનંદ મળે છે તો માની લો કે તમારો રાહુ ખૂબ જ શક્તિશાળી અને હકારાત્મક છે.
જો તમે અભિનય-એક્ટિંગ અને વેશભૂષા બદલવામાં માહિર છો તો તમારો રાહુ પોઝિટિવ છે.
જો તમે ટેક્નિકલ પર્સન છો, તમે ટેક્નોલોજીને સમજો છો, તમને નવી નવી વસ્તુઓ વાપરવી, ગેમ રમવી, ઓનલાઈન ગેમિંગનો શોખ થે, તેમાં પણ તમે તમારૂં મગજ વાપરીને કશુંક નવું કરો છો, વિચારો છો તો તમારો રાહુ સારો છે. તમે ગેમ રમતી વખતે એમ વિચારવા લાગો છો કે, શા માટે હું પણ એક નવી ગેમ ન બનાવું તો તમારો રાહુ સારો હોઈ શકે છે.
જો તમે એરોમેટિક/એસ્ટ્રોનોમી (Airomatic /Astronomy)માં રસ ધરાવો છો તો પણ તમારો રાહુ પોઝિટિવ છે.
જો તમને હવાઈ જહાજ ઉડાડવું/હવાઈ જહાજ કઈ રીતે ઉડે છે/તેની ટેક્નિક શું છે/ટેક્નોલોજી શું છે, આ બધું સમજવું પસંદ છે તો તમારો રાહુ સારો હોઈ શકે છે.
જો તમારી અંદર સફળ થવા માટેની એક તીવ્ર આગ સળગી રહી છે, તમે સરળતાથી તેનાથી દૂર નથી થઈ શકતા. સફળ થવા માટેની આકાંક્ષા સતત તમારી અંદર એક આગ લગાવી રહી છે તો તમારો રાહુ ખૂબ જ શક્તિશાળી છે.
જો તમારા સપના તમને ચેનથી બેસવા નથી દેતા, જો તમારા સપના તમારી રાતોની ઉંઘ છીનવી રહ્યા છે તો તમારો રાહુ ખૂબ જ સારો અને શક્તિશાળી છે. જરૂરી એ છે કે, જો તમારા સાથે પણ આવું બની રહ્યું છે તો You keep dreaming, તમે સપનાઓ જોવાનું ચાલુ રાખો. તમારો રાહુ પોઝિટિવ, શક્તિશાળી છે. આ સપનાઓ પૂરા કરવા માટે તમારે શું કરવાનું છે તે અંગે વિચાર કરશો એટલે તમારો રાહુ સંતુષ્ટ (Satisfied) થશે નહીં તો તમે ફક્ત ખયાલી પુલાવ બનાવતા રહી જશો.
જે લોકો સપનાઓ જોવે છે તે પોઝિટિવ રાહુના કારણે જ જુએ છે પરંતુ તેમનો રાહુ શક્તિશાળી નથી હોતો. પરંતુ જે લોકો પોતાના સપનાઓ પૂરા કરે છે, તેને હકીકતમાં ફેરવી દે છે તેમનો રાહુ પોઝિટિવ હોવાની સાથે જ શક્તિશાળી પણ હોય છે.
ક્યાંકને ક્યાંક રાહુ તમારા મગજની શક્તિને વધારે છે. જો તમે માનસિકરૂપે ખૂબ જ શક્તિશાળી છો તો તમે શક્તિશાળી રાહુના સ્વામી છો અને તમારા પ્લાનિંગને વાસ્તવમાં બદલી શકો છો.
જો તમે રાજકારણમાં કે ફિલ્મ જગતમાં કે પછી મીડિયામાં મોટું નામ કમાઈ રહ્યા છો. અથવા તો તમે તેમાં આગળ વધવાના છો કે તેમાં રસ ધરાવો છો તો તમારો રાહુ પોઝિટિવ છે, આ ક્ષેત્રો માટે રાહુ નિશ્ચિતરૂપે શક્તિશાળી જ જોઈએ.
જો તમે તમારા વડીલોનું ખૂબ જ સન્માન કરો છો, તમારી માતાને ખૂબ જ પ્રેમ કરો છો, તમે તમારા પરિવારના વારસાને આગળ વધારવા ઈચ્છો છો તો તમારો રાહુ પોઝિટિવ છે.
હવે નેગેટિવ રાહુ વિશે વાત કરીએ
જો તમે શેખચિલ્લીની માફક સપનાઓ જુઓ છો, ખયાલી પુલાવ બનાવો છો, કલ્પનાઓમાં ડૂબ્યા રહો છો તો તમારો રાહુ નેગેટિવ છે, નબળો છે. જ્યારે તમને એ વાતની બિલકુલ ખબર જ નથી હોતી કે, તમે જે વિચારી રહ્યા છો તેને કઈ રીતે કરવું? તેનું અમલીકરણ કઈ રીતે કરવું તો તમારો રાહુ કમજોર છે. રાહુ ફક્ત તમારા મગજ પર હાવી થઈ રહ્યો છે.
જો તમારી અંદર આગળ વધવાની ખાસ કોઈ ઈચ્છા નથી, તમે સ્પર્ધાત્મક વલણ નથી ધરાવતા તો તમારો રાહુ નબળો છે, નેગેટિવ છે.
ધારો કે, આજે તમે કોઈ વસ્તુ કરવાનો નિર્ણય લીધો અને કાલે તમારા કેટલાક મિત્રો મળે અને એમ કહી દે કે, યાર આમાં કશું નથી રાખ્યું. પછી અચાનક જ તમે તમારો નિર્ણય બદલી દો અને ઘરે કહો કે, હું હવે તે નહીં પણ બીજું કશુંક કરીશ તો તે કમજોર રાહુની નિશાની છે કારણ કે, તમને ખબર જ નથી કે તમારે શું કરવું છે. તમને ખબર જ નથી કે, જીવનમાં તમારા ધ્યેય શું છે? લક્ષ્ય શું છે?
ખૂબ જ નબળો રાહુ તમારા નેગેટિવ રાહુની નિશાની છે. જ્યારે તમે અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો, દરેક વાતમાં તમને ખૂબ જ સમય લાગી રહ્યો છે, સામાન્ય શર્ટ કે જીન્સ પસંદ કરવામાં પણ તમને ખૂબ જ ટાઈમ લાગે છે તો તમારો રાહુ નબળો છે.
જો તમને માઈગ્રેનની બીમારી છે, તમે ખૂબ જ વિચારો કરો છો, વારંવાર માથામાં દુઃખાવાની ફરિયાદ રહે છે તો તમારો રાહુ નબળો કે નેગેટિવ છે.
જો તમને અંધારા રૂમમાં રહેવાનું ગમે છે, જો તમે કાળા કે મિલિટ્રી કલરના કપડાં પસંદ કરો છો, તમને દરેક કામમાં આળસ આવે છે તો તમારો રાહુ નેગેટિવ પ્રભાવ આપી રહ્યો છે. જો તમને ગાંજા-સિગારેટની આદત છે તો પણ તમારો રાહુ નેગેટિવ પ્રભાવ આપી રહ્યો છે.
જો તમારા રૂમમાં વસ્તુઓ, સામાન જેમતેમ ફેલાયેલો રહે છે, વસ્તુઓ પર ધૂળ-માટી લાગેલા હોય છે, તમારા કપડા ઈસ્ત્રી કર્યા વગરના અને તમારા વાળ વિખરાયેલા રહે છે, તમે સ્વાસ્થ્ય-ફીટનેસ પર કોઈ ધ્યાન નથી આપતા તો તમારો રાહુ નબળો છે અને નેગેટિવ પ્રભાવ આપી રહ્યો છે.
- મૃત્યુંજય શર્મા