Get The App

શ્રી વલ્લભાચાર્ય પ્રાગટ્ય મહોત્સવ: જાણો કાશીથી વૃંદાવન સુધીની મહાપ્રભુજીની દિવ્ય જીવનયાત્રા

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
શ્રી વલ્લભાચાર્ય પ્રાગટ્ય મહોત્સવ: જાણો કાશીથી વૃંદાવન સુધીની મહાપ્રભુજીની દિવ્ય જીવનયાત્રા 1 - image

Vallabhacharya Life And Teachings Thought: વેદ, ઉપનિષદ, ગીતા ને અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રસ્થાનત્રયીનું બિરૂદ અપાયું છે. આ ત્રણનો આધાર લઈ કોઈ ધર્મ સિદ્ધાંત ગણિતના પ્રમેયની જેમ સિદ્ધ કરે તેને 'આચાર્ય'ની પદવી એનાયત થાય છે. છેલ્લાં પાંચ હજાર વર્ષમાં આપણે ત્યાં આ ન્યાયે પાંચ આચાર્ય થયા છે.

જગદગુરુ શંકરાચાર્યએ અદ્વૌતવાદ, રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્યૈત, નિબંકાચાર્યએ દ્વૈતાદ્વૈત, મધ્વાચાર્યએ દ્વૈતવાદ અને શ્રી વલ્લભાચાર્યએ શુદ્ધાદ્વૈતવાદ-ને પ્રસ્થાનત્રયી દ્વારા સિદ્ધ કરી બતાવ્યા. વલ્લભાચાર્ય જયંતીના ઉપલક્ષમાં આજે પુષ્ટિ પંથ-પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક વિશે વિગતે વાત કરવી છે.

શ્રી વલ્લભાચાર્યનો જન્મ વિક્રમ સંવત 1535 એટલે કે ઈ.સ. 1479માં આજથી 547 વર્ષ પહેલા ચંપારણ્ય, તૈલંગ પ્રદેશના આમ્બલિ-અરૈલ ગામે ચૈત્ર વદ અગિયારસના રોજ થયો હતો, જેમનાં માતાનું નામ ઇલમ્માગારુ (અલ્મગિર) અને પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ હતું. ગોત્ર ભારદ્વાજ અને આપસ્તંબ સૂત્ર હતું.

વલ્લભાચાર્યની સાતમી પેઢીથી સોમયજ્ઞ થતો હતો. એ જન્મ્યા ત્યારે 100 સોમયજ્ઞ પૂરા થયા હતા. 11 વર્ષના થયા ત્યારે જ પિતાનું અવસાન થયું. તે જ ક્ષણે વૈરાગ્ય જાગતાં માધવેન્દ્રપુરી પાસે કાશીમાં જઈ સર્વ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરી કાશીથી વૃંદાવન ગયા જ્યાં શ્રી કૃષ્ણની ભક્તિમાં રસતરબોળ થતાં બાળ સ્વરૂપ શ્રીકૃષ્ણનાં દર્શન સાક્ષાત્કાર કરી એક નવા જ સંપ્રદાયની સ્થાપના કરી. શ્રીમદ્ ભાગવત ઉપર સુબોધિની ટીકા, વ્યાસ સૂત્ર ભાષ્ય, ભગવદ્ગીતા વિશદ્ ટીકા, શ્રીકૃષ્ણ જીવન ઉપર વિવિધ ગ્રંથોની રચના કરી ખૂબ જ પ્રસિદ્ધ થયા. સ્થાપેલ નવા સંપ્રદાયને આ બધાથી ખૂબ પુષ્ટ કર્યો. પુષ્ટ એટલે પોષણ. પુષ્ટ એટલે પ્રભુકૃપાના સંદર્ભે આ સંપ્રદાય પછી પુષ્ટિપંથ-પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાય તરીકે અતિ પ્રસિદ્ધ થયો.

વિજયનગરના રાજા કૃષ્ણદેવની સભામાં ગૂઢ શાસ્ત્રાર્થમાં વલ્લભાચાર્ય સામેલ થયા. આત્મા અને પરમાત્મા અલગ નથી, પણ એક જ છે પરંતુ આ બે વચ્ચે માયાનું તત્ત્વ જીવને મલિન કરે છે. મયાની આ મલિનતા દૂર થતાં જ શિવ-જીવ તત્ત્વ શુદ્ધ બને છે, આ શુદ્ધ થયેલ આત્મા પરમાત્મામાં ભળી જાય છે તેવું પ્રસ્થાનત્રયીથી પ્રસ્થાપિત કરતાં રાજાએ ભરી સભામાં ઊભા થઈ રાજસિંહાસન ઉપર બેસાડી આચાર્યની પદવી આપી અપાર ધન ભેટ કર્યું જે તમામ ધન સભામાં જ અને બ્રાહ્મણોને વહેંચી દઈ ઉત્તમ અપરિગ્રહનો દાખલો પણ બેસાડ્યો. એમની વાત એક ઉદાહરણથી સમજીએ. સમુદ્રમાંથી એક ખોબો પાણી લઈએ તો બંનેના ગુણધર્મો એક જ છે પણ સ્થાન અલગ છે. 

આ પણ વાંચો: 2 દિવસ બાદ કેતુના નક્ષત્રમાં સૂર્ય ગોચર, 4 રાશિના જાતકોને થવાનો છે જબરદસ્ત લાભ

સમુદ્રમાં હોડી, વહાણ, સ્ટીમર તરી શકે, ખોબાના પાણીમાં નહીં. સમુદ્રનું પાણી ખારું છે. સમુદ્રએ પરમાત્મા છે, ખોબાનું પાણી આત્મા છે અને ખારાશ એ માયા છે. ખારાશ રૂપી માયા દૂર થતાં જ તે શુદ્ધ પીવા જેવું શુદ્ધ થઈ જાય છે. આમ આત્મા-પરમાત્મા એક છે માટે વલ્લભાચાર્યના આ મતને શુદ્ધ અદ્વૈતવાદ કહે છે. શુદ્ધાદ્વૈત માર્ગમાં ગીતાની શરણાગતિ છે, ભાગવત્નો રાધાગોપીનો સેવાભાવ છે, વેદનું જ્ઞાન છે. આ સિદ્ધાંત પ્રસ્થાપિત કરી આચાર્યશ્રી ઉજ્જૈન ગયા. ક્ષિપ્રા નદીના કિનારે પીપળાના વૃક્ષ નીચે વાસ કર્યો જે સ્થળને આચાર્યજીની બેઠક કહેવાય છે, જે આજે પણ ત્યાં હાજર છે. બેઠકને મહાપ્રભુજીની બેઠક કહે છે જે આજે તીર્થધામ બની ગયેલ છે. આ બેઠક એવી છે જ્યાં બેઠા પછી માણસનું બેસણું આવતું જ નથી. જન્મજન્મની મુક્તિ મળી જાય છે. શાસ્ત્રોમાં 84 લાખ યોનિઓમાં જન્મ લેવાની વાત આવે છે જે સંદર્ભે મહાપ્રભુજીની કુલ 84 મહાબેઠકો પ્રસ્થાપિત થઈ છે.

વલ્લભાચાર્ય કાશીમાં સ્થિર થયા પછી એક દિવસ હનુમાનઘાટ ઉપર સ્નાન કરવા ગયા કહેવાય છે કે ત્યાં નદી ઉપર ઊભા ઊભા જ ઉજ્જવલ જ્યોતિમાં સમાઈ ગયા. હનુમાનઘાટ ઉપરનું તેઓશ્રીનું ભવ્ય મંદિર આજે પણ આ વાતની સાક્ષી પૂરે છે. શુદ્ધ સોના જેવો શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાય ભક્તિનો પ્રાણ છે. પ્રભુજીનો અંશ છે. 

આ પણ વાંચો: પંચાંગ મુજબ: એપ્રિલથી જુલાઈ દરમિયાન લગ્નના આટલા જ શુભ મુહૂર્ત, જાણી લો તમામ તારીખો

ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે મમૈવાંશો જીવલો કે જીવભૂત સનાતન આ જીવલોકમાં તમામ જીવોમાં મારો જ અંસ છે(અધ્યાય: 15, શ્લોક 7) અને આપણો નરસૈંયો પણ આનું આ રીતે સમર્થન કરે છે. "વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મતિ શાખ દે, કનકકુંડલ વિશે ભેદ ન હોચે. ઘાટ ઘડિયા પછી, નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે."

આચાર્યશ્રી સંવત 1587 ઈ.સ. 1531માં પર (બાવન) વર્ષનું આયુષ્ય ભોગવી, આત્મા સ્વરૂપે પરમાત્મામાં લીન થઈ મોક્ષને પ્રાપ્ત થયા. સૌ ભક્તોને શરણ, સમપર્ણ અને સેવાભાવનો બોધ પણ આપી ગયા.