Astro

મિથુન (ક.છ.ઘ.)

By GS Team
9 Nov 20267 mins read
મિથુન (ક.છ.ઘ.)
  • પારિવારીક દ્રષ્ટિએ વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ-તેમ આપને કોઈ ને કોઈ ચિંતા રહ્યા કરે. કૌટુંબિક પ્રશ્નોમાં અટવાયા કરો…
  • ધંધાકીય દ્રષ્ટિએ વર્ષ દરમ્યાન સાનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પસાર થવાનું બને. જોકે એકંદરે આપના માટે વર્ષ સારું પસાર થાય…

વિક્રમ સંવત ૨૦૮૩નું આ વર્ષ આપના માટે મધ્યમ રહેશે. વર્ષ દરમ્યાન ગુરૂ ગ્રહનું પરિભ્રમણ આપના માટે સારું રહેશે. પરંતુ કારતક વદ બારસ તા. ૫ ડીસેમ્બરથી રાહુનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળ થઈ રહ્યું છે તેમજ તા. ૨ જૂનથી શનીનું પરિભ્રમણ પણ આપના માટે પ્રતિકૂળ થશે. આપને પનોતી નથી પરંતુ શનીની ચાલ આપના માટે યોગ્ય નથી તેથી આ વર્ષે સારા-ખરાબ અનુભવોનો સરવાળો બની રહેશે. ક્યારેક એકદમ સરળતા રહે તો ક્યારેક સમય બહુ જ કઠીન રહે. ક્યારે આ ખરાબ સમયમાંથી બહાર આવી જઈએ તેવું વિચાર્યા કરો.
આરોગ્ય સુખાકારી
આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ વર્ષ આપના માટે નબળું રહેશે. નવા વર્ષના પ્રારંભમાં કારતક વદ બારસ તા. ૫ ડીસે.થી રાહુનું અષ્ટમ સ્થાનમાં પરિભ્રમણ શરૂ થતાં ધીરે ધીરે આપને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો શરૂ થાય. આઠમાં સ્થાનમાંથી પસાર થઈ રહેલો રાહુ આપને બંધનયુક્ત પરિસ્થિતિમાં મૂકી દે.
જૂની બીમારી ફરી ઉથલો મારતાં નવી વારસાગત બીમારી લાગું પડતાં આપની મુશ્કેલીમાં વધારો થતો જાય. આપની આરોગ્ય વિષયક તકલીફો વધતી જાય. મૃત્યુ ન થાય પરંતુ મૃત્યુજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તેવું લાગ્યા કરે. આપે આરોગ્યની બાબતમાં ખૂબ જ સાવધાની રાખવી પડે.
વર્ષ દરમ્યાન પડવા-વાગવાથી, અકસ્માતથી આપે સંભાળવું પડે. આપની બેદરકારીના લીધે પથારીવશ થવાની પરિસ્થિતિ ના ઊભી થાય તેની આપે કાળજી રાખવી પડે. વજન ઉતરતું જાય.
તા. ૪ જૂનથી તા. ૨૪ ઓગસ્ટ દરમ્યાન સીઝનલ-વાયરલ બીમારીમાં સપડાઈ જાવ. રક્તચાપની બીમારી હોય તેમણે આ સમય દરમ્યાન સાવધાની રાખવી તે સિવાય મો, દાંત-જડબાની, ગળા-ગરદન - ખભાની તકલીફ આપને રહે.
તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર દરમ્યાન પણ ઉપરની તકલીફો ફરી જણાય. તે સિવાય છાતીમાં દર્દ-પીડાનો અનુભવ થાય. વર્ષ દરમ્યાન આપે આંખોની કાળજી રાખવી પડે. ઉંમરલાયકને મોતિયો આવે કે મોતિયો પાકી જતાં ઓપરેશન કરાવવું પડે.
આર્થિક સુખ-સંપત્તિ
આર્થિક સુખ-સંપત્તિની દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહેશે. વર્ષ દરમ્યાન આવક જણાય. આવકમાં વધારો પણ થાય પરંતુ રાહુનું પ્રતિકૂળ પરિભ્રમણ આપને કોઈ ને કોઈ આકસ્મિક ખર્ચાઓ અપાવ્યા કરે. જેના લીધે આપનું નાણાંકીય આયોજન ખોરવાઈ જાય. આપ ધાર્યા પ્રમાણે બચત કરી શકો નહીં.
ભાઈભાંડુ વર્ગ - સગા-સંબંધી વર્ગ - મિત્રવર્ગની સાથે નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે. નાણાંકીય બાબતોમાં જામીનદાર તરીકે કોઈ જગ્યાએ સહી કરવી નહીં. આર્થિક નુકસાનીની સાથે કાયદાકીય પ્રક્રિયામાં ફસાઈ જાવ તેવું બને. આપના સંબંધો બગડે નહીં તેની તકેદારી રાખવી પડે.
વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે એકંદરે સારું રહેતા નાણાંકીય લાભ કરાવડાવે. જૂની ઉઘરાણીના નાણાં કે ફસાઈ ગયેલા નાણાં છુટા થવાથી રાહત જણાય. પરંતુ નાણાનું વ્યવસ્થિત આયોજન - સમજી-વિચારીને રોકાણ આપે કરી રાખવું પડે.
રાહુનુ પ્રતિકૂળ પરિભ્રમણ આપને કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ખર્ચ રખાવે. ચિંતા રખાવડાવે. તે સિવાય આપના આરોગ્યની બાબતમાં પણ આપને વારંવાર કોઈ ને કોઈ ખર્ચ આવ્યા કરે. વર્ષની મધ્યથી શનિનું પ્રતિકૂળ પરિભ્રમણ સંતાન બાબતે આપને ખર્ચ રખાવે.
વર્ષ દરમ્યાન નવા નાણાંકીય રોકાણ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. સાઇબર ઠગીના ભોગ ના બનો તેની આપે તકેદારી રાખવી પડે.
પત્ની-સંતાન-પરિવાર
પારિવારીક દ્રષ્ટિએ વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ-તેમ આપને કોઈ ને કોઈ ચિંતા રહ્યા કરે. વર્ષ દરમ્યાન પારિવારીક - કૌટુંબિક પ્રશ્નોમાં અટવાયા કરો. આપની ચિંતા-દોડધામ-ખર્ચમાં વધારો જણાય. તા. ૨૪ જાન્યુ.થી તા. ૨૫ જૂન દરમ્યાન આપે સંયુક્ત માલ-મિલ્કત-ધંધાના પ્રશ્ને ધ્યાન રાખવું પડે. પત્નીના લીધે સંયુક્ત કુટુંબમાં તકલીફ ઉભી ના થાય તેની તકેદારી આપે રાખવી પડે.
તા. ૨ જૂનથી શનિનું પરિભ્રમણ આપને પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા રખાવડાવે. સંતાનના અભ્યાસ-આરોગ્યની ચિંતા આપને રહે. સંતાન સાથે વિચારોના મતભેદ ઉભા થાય. વાદ-વિવાદ-ગેરસમજ ઉભી થઈ જાય. ટૂંકમાં પારિવારીક દ્રષ્ટિએ વર્ષ ઠીક રહે.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
નોકરીમાં સંવત ૨૦૮૩નું વર્ષ આપના માટે મધ્યમ રહેશે. ગુરૂની સાનુકૂળતા વર્ષ દરમ્યાન કામમાં સરળતા રખાવડાવે તો રાહુનું પરિભ્રમણ આપના માટે પ્રતિકૂળતા ઉભી કરે.
વર્ષારંભે કૌટુંબિક-પારિવારીક પ્રશ્નોના લીધે નોકરીમાં વારંવાર રજાઓ લેવી પડે જેની અસર આપના કામ પર આપની પ્રતિષ્ઠા પર પડે. તેમ છતાં આપના કામ નીકળી જતાં આપને રાહત જણાય.
વર્ષારંભથી તા. ૨૪ જાન્યુ. અને તા. ૨૫ જૂનથી વર્ષાન્ત સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે વધુ સારું રહેશે. આ સમય દરમ્યાન આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવા કામ થવાથી આપને આનંદ રહે. આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ - નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે.
ભાઈભાંડુ - સગા-સંબંધીવર્ગને ત્યાં નોકરી કરતાં હોવ તો આપને થોડો લાભ-ફાયદો જણાય. નોકરીના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. કંપની તરફથી પરદેશગમન માટે આપને પસંદ કરવામાં આવતા આનંદ રહે.
પરંતુ રાહુનું પરિભ્રમણ વર્ષ દરમ્યાન આપના માટે થોડી અડચણો ઉભી કર્યા કરે. આપના જે કામ સરળતાથી પતે તેવા હોય તેમાં આપે ધક્કા ખાવા પડે. આપના પરિશ્રમ - દોડધામમાં વધારો કરાવડાવે. કૌટુંબિક-પારિવારીક કામમાં હોવ તો આપે ધ્યાન રાખવું પડે. તે સિવાય નાણાંકીય જવાબદારીવાળું કામ કે તેને લગતું કોઈ કામ આપ સંભાળતા હોવ તો આપે તકેદારી રાખવી પડે. કોઈના ભરોસે નાણાં મૂકીને જવું નહીં તે સિવાય આરોગ્યલક્ષી તકલીફના લીધે કામકાજમાં વિલંબ-રૂકાવટ અનુભવાય.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
ધંધાકીય દ્રષ્ટિએ વર્ષ દરમ્યાન સાનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પસાર થવાનું બને. જોકે એકંદરે આપના માટે વર્ષ સારું પસાર થાય.
વર્ષના પ્રારંભથી તા. ૨૪ જાન્યુઆરી સુધી અને તા. ૨૫ જૂનથી વર્ષના અંત સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહે છે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કાર્ય થઈ શકે. અન્ય લોકો દ્વારા આપના કામની કદર-પ્રશંસા થાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે નવો કોઈ ઓર્ડર મળી રહે. ધંધાકીય નવું કોઈ આયોજન વિચારતાં હોવ, નવો ધંધો કરવાનું વિચારતાં હોવ તો તેમાં પ્રગતિ જણાય. આપના સ્થાપિત ધંધાની નવી કોઈ શાખા કે દુકાન ખોલવાનું વિચારતાં હોવ તો તેમાં આપને સાનુકૂળતા મળી રહે.
પરંતુ વર્ષના પ્રારંભમાં કારતક વદ બારસ તા. ૫ ડીસેમ્બરથી રાહુ આપના માટે પ્રતિકૂળ થઈ રહ્યો છે તેથી તે આપને કામમાં રૂકાવટ રખાવે. સમયસર કામ ઓર્ડર પૂરું કરવામાં અડચણ રખાવે. ઉઘરાણીના નાણાં અટકી જવાને લીધે નવો માલ લેવામાં, નવા ધંધામાં, શાખા શરૂ કરવામાં આપને તકલીફ જણાય. કૌટુંબિક - પારિવારીક ધંધામાં, સંયુક્ત ધંધામાં વાદ-વિવાદ - ગેરસમજ - મનદુઃખથી આપે સંભાળવું પડે.તા. ૨ જૂનથી શનિનું પરિભ્રમણ આપને આયાત-નિકાસના કામમાં તકલીફ રખાવડાવે. લોખંડ-કેમીકલ, કમ્પ્યુટર, હાર્ડવેર-સોફટવેર - એસેસરીઝના ધંધામાં આપને અચાનક પ્રતિકૂળતા થતી જાય.આ સિવાય વર્ષ દરમ્યાન આરોગ્યની અસ્વસ્થતાની અસર આપના કામકાજ પર પડે. તેના લીધે કામમાં વિલંબ-રૂકાવટ રહ્યા કરે.
સ્ત્રીવર્ગ
સ્ત્રીવર્ગ માટે સંવત ૨૦૮૩નું વર્ષ એકંદરે સારું રહે. અવિવાહીત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થવાથી આનંદ રહે. ગુરૂના પરિભ્રમણના લીધે કામકાજમાં આપને સાનુકૂળતા રહે. નોકરી-વ્યવસાયમાં આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. બઢતી-બદલીના યોગ ઉભા થાય. પરંતુ રાહુનું પરિભ્રમણ આપને કૌટુંબિક - પારિવારીક પ્રશ્ને ચિંતા રખાવે. તે સિવાય આપે આપના આરોગ્યનું ધ્યાન રાખીને કામકાજ કરવું. સ્વાસ્થ્યની બાબતમાં આપે બેદરકારી રાખવી નહીં. તા. ૨ જૂનથી શનિનું પરિભ્રમણ આપને સંતાનની ચિંતા રખાવડાવે. ગર્ભાવસ્થા રહેવામાં મુશ્કેલી ઊભી થાય. જેમને ગર્ભાવસ્થા રહી છે. તેમણે કસુવાવડ ન થાય કે પ્રસૂતિ દરમ્યાન કોઈ અડચણો ઉભી ન થાય તેની તકેદારી રાખવી પડે.
ખેડૂતવર્ગ
ખેડૂતવર્ગ માટે સંવત ૨૦૮૩નું વર્ષ મધ્યમ રહે. ગુરૂની સાનુકૂળતા તેમજ રાહુ-શનિની પ્રતિકૂળતાની અસર વર્ષ દરમ્યાન રહ્યા કરે. ખેતરમાં કામ કરતાં પડવા-વાગવાથી, અકસ્માતથી સંભાળવું પડે. ઝેરી જીવજંતુ કરડી જતાં આપની તકલીફમાં વધારો થાય. ગરમીમાં કામ કરવાને લીધે આપની તબીયત બગડે. તા. ૪ જૂનથી તા. ૨૪ ઓગસ્ટ દરમ્યાન આગ, ઈલેક્ટ્રીક વીજળીથી દાઝવાથી કરંટ લાગવાથી આપે ધ્યાન રાખવું પડે. આમ છતાં વર્ષ દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ આપના માટે સારું રહેશે. તેના લીધે આપના કામ થાય. પાકમાં આપને રાહત જણાય. પાકની યોગ્ય કિંમત મળી રહેતાં આપને નાણાંકીય નુકસાની ના ભોગવવી પડે. નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. ભાઈભાંડુ આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે. પરંતુ યાત્રા-પ્રવાસ દરમ્યાન નાણાંકીય રીતે સાચવવું પડે.
ઉપસંહાર
આમ વિક્રમ સંવત ૨૦૮૩નું વર્ષ આપના માટે મધ્યમ રહે. ક્યારેક સમય સાનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ જણાય. આરોગ્યની બાબતમાં વર્ષ આપના માટે નબળું રહેશે. તેથી આપે બેદરકારી રાખવી નહીં. આપના કાર્યને વખાણવામાં આવે. આપના કાર્યની નોંધ લેવામાં આવે. પરંતુ નાણાંકીય આયોજનમાં આપે કોઈના દોરવાયા - દોરવાઈ જવું નહીં. નવા જમાના પ્રમાણેના નાણાંકીય ફ્રોડથી આપે સંભાળવું પડશે. વર્ષની મધ્યથી આપે વાણીની સંયમતા રાખીને કામ કરવું પડે. મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. તેમ છતાં કેટલાક અગત્યના કાર્યોનો ઉકેલ આવવાથી, આવક થવાથી આપને આનંદ અનુભવાય.

વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગ માટે વર્ષ એકંદરે સારું પસાર થાય. ગુરૂની સાનુકૂળતા વર્ષ દરમ્યાન આપને અભ્યાસમાં મદદરૂપ થાય. ધાર્યા પ્રમાણે મહેનત કરી શકો. ઉચ્ચ અભ્યાસાર્થે પરદેશ જવાનું આયોજન કરતાં હોવ તો તેમાં પ્રગતિ જણાય. સાનુકૂળતા મળી રહે. પરંતુ આપે વર્ષારંભથી જ સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી પડે, વધુ પડતાં તણાવ-ઉજાગરાની અસર આપના સ્વાસ્થ્ય પર પડે. પરીક્ષા સમયે બીમારી-અકસ્માતથી આપે સંભાળવું પડે. થોડાક ગુણ માટે આપે મનગમતી લાઈન છોડવી પડે તેવું બને. જૂન માસથી શનિની પ્રતિકૂળતા આપની અભ્યાસને લગતી મુશ્કેલીમાં વધારો કરશે. પરંતુ ગુરૂ સારો છે તેથી તેનો સહારો આપને મળી રહે.