ગણેશ ચતુર્થી 2025: નૃત્યથી લઈને સૂતેલા ગણપતિ સુધી, જાણો ભગવાન ગણેશની દરેક મુદ્રાનું મહાત્મ્ય
Ganesh Chaturthi 2025: ભારતમાં ગણેશ ચતુર્થી ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવથી મનાવવામાં આવે છે. ઘરમાં ગણપતિજીની મૂર્તિ લાવીને નક્કી કરેલા દિવસો સુધી તેમની પૂજા કરવાના વિચારથી વાતાવરણમાં સકારાત્મકતા આવે છે. આ વર્ષે ગણેશોત્સવ 27 ઑગસ્ટ એટલે કે આવતી કાલથી શરુ થઈ રહ્યો છે. તો ગણેશજીની મૂર્તિ ઘરમાં લાવતી વખતે તમે જોયું હશે કે, લોકો ગણેશોત્સવ દરમિયાન અલગ અલગ પ્રકારની મુદ્રાવાળા ગણેશજીની સ્થાપના કરે છે. તો આવો જાણીએ કે, દરેક ગણેશજીની મુદ્રાઓનું શું મહાત્મ્ય છે.
આ પણ વાંચો: બુધવારથી ગણેશોત્સવનો થશે પ્રારંભ, જાણો ગણપતિ સ્થાપન અને વિસર્જનનું શુભ મુહૂર્ત અને વિધિ
ડાબી સૂંઢવાળા ગણેશજી
ડાબી બાજુ સૂંઢવાળા ભગવાન ગણેશની મૂર્તિ કે, જેને આપણે વક્રતુંડ ગણેશ તરીકે ઓળખીએ છીએ. મોટાભાગના લોકો દ્વારા આ પ્રકારની મૂર્તિ પસંદ કરવામાં આવે છે. ગણેશજીનું આ સ્વરુપ સૌથી સામાન્ય અને લોકપ્રિય સ્વરૂપ માનવામાં આવે છે. આ દિશા ઉત્તર દિશા સાથે સંબંધિત છે અને ચંદ્રની વિશેષ ઊર્જા સાથે જોડાયેલી છે. ચંદ્રની આ ઊર્જા શાંતિ, સુખ અને ભૌતિક સમૃદ્ધિને દર્શાવે છે. તેથી, ડાબી બાજુ વળેલી સૂંઢવાળા ગણેશજીને લક્ષ્મીના આશીર્વાદ આપનાર માનવામાં આવે છે.
જમણી સૂંઢવાળા ગણેશજી
જમણી બાજુ સૂંઢવાળા ગણેશની મૂર્તિને સિદ્ધિવિનાયક અને દક્ષિણાભિમુખી કહેવામાં આવે છે. આ સ્વરૂપની વિશેષતા એ છે કે ભગવાન ગણેશની સૂંઢ જમણી તરફ વળેલી હોય છે. અહીં એવું માનવામાં આવે છે કે, જો જમણી બાજુ સૂંઢવાળા ગણપતિની મૂર્તિ અથવા ચિત્ર ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. એવું પણ માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ અને અવરોધો દૂર થાય છે.
સીધી સૂંઢવાળા ગણેશ
સીધી સૂંઢવાળા ગણેશનું સ્વરૂપ ખૂબ જ ખાસ અને દુર્લભ માનવામાં આવે છે. આ સ્વરૂપ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેમની સૂંઢ સીધી ઉપરની તરફ છે, જે સુષુમ્ણા નાડી ખુલવાનું પ્રતિક છે. સુષુમ્ણા નાડી આપણા શરીરની મુખ્ય ઊર્જા પહોંચાડી નાડી છે, જે મન અને આત્માને જોડે છે. જ્યારે આ નાડી ખુલે છે, ત્યારે વ્યક્તિ અને ભગવાન વચ્ચે ઊંડો સમન્વય રચાય છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે, આ સ્થિતિમાં, વ્યક્તિ સંપૂર્ણપણે આધ્યાત્મિક ઊર્જાથી ભરાઈ જાય છે અને જીવનમાં શાંતિ, સફળતા અને સંતુલન રહે છે.
બેઠેલા ગણેશજી
બેઠેલા ગણપતિની મૂર્તિ ઘરમાં બેસાડવા માટે રાખવી અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે એવી પણ માન્યતા છે કે, જ્યારે ઘરમાં બેઠેલા ગણેશજીને સ્થાપિત કરવામાં આવે છે અને તેની વિધિ વિધાન પૂર્વક પૂજા કરવામાં આવે છે, ત્યારે ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ બની રહે છે. ગણેશજીને બેસવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે અને પરિવારની દરેક ઇચ્છા પૂર્ણ કરવામાં મદદ મળે છે.
નૃત્ય મુદ્રામાં ગણપતિ
જો કોઈને કલા કે સંગીતમાં રસ હોય, તો નૃત્ય મુદ્રામાં બેઠેલા ગણપતિજીની સ્થાપના તેમના માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. નૃત્ય કરતી કે વાદ્ય વગાડતી ગણેશજીની મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં ખુશી અને કલાની દુનિયામાં સફળતા મળે છે. આ મૂર્તિ ઊર્જા અને આનંદનું પ્રતિક માનવામાં આવે છે.
સૂતેલા ગણેશજી
ગણપતિજીને સૂતેલા મુદ્રામાં પણ ખાસ માનવામાં આવે છે. ખાસ કરીને વ્યવસાયિક લોકો આ મૂર્તિની પૂજા કરે છે કારણ કે તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે અને સુખ અને સમૃદ્ધિ લાવે છે.