Get The App

બુધવારથી ગણેશોત્સવનો થશે પ્રારંભ, જાણો ગણપતિ સ્થાપન અને વિસર્જનનું શુભ મુહૂર્ત અને વિધિ

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
બુધવારથી ગણેશોત્સવનો થશે પ્રારંભ, જાણો ગણપતિ સ્થાપન અને વિસર્જનનું શુભ મુહૂર્ત અને વિધિ 1 - image


Ganesh Chaturthi 2025: શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ, હવે ભક્તિ અને ઉત્સાહના પર્વ ગણેશોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભાદરવા સુદ ચોથ એટલે કે 27 ઑગસ્ટ, બુધવારના રોજ ગણેશ ચતુર્થી છે. આ દિવસે ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરશે અને દસ દિવસ સુધી તેમની પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ, 6 સપ્ટેમ્બર, શનિવારના રોજ અનંત ચતુર્દશીએ ગણેશજીનું વિસર્જન થશે.

ગણેશ સ્થાપન અને પૂજનની વિધિ

જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરવા માટે નીચે મુજબની વિધિ કરી શકાય છે:

સ્વચ્છતા: પૂજાનું સ્થાન અને મૂર્તિ બંને સ્વચ્છ હોવા જોઈએ. પૂજા પહેલાં સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા.

સ્થાપના: શુભ મુહૂર્ત દરમિયાન ગણેશજીની મૂર્તિને પાટલા પર કે આસન પર સ્થાપિત કરવી. મૂર્તિની આસપાસ દીવો, ફૂલો અને અન્ય પૂજા સામગ્રી ગોઠવવી.

પ્રાણ પ્રતિષ્ઠા: મંત્રોચ્ચાર સાથે ગણેશજીની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી. ત્યારબાદ 'ઓમ ગં ગણપતયે નમઃ' મંત્રનો જાપ કરવો.

પૂજા: ગણપતિજીને પ્રિય એવા મોદકનો ભોગ ધરાવવો અને દુર્વા (લીલું ઘાસ) અર્પણ કરવું. આરતી ઉતારીને ગણેશજીની પૂજા કરવી.

ગણેશ પૂજનના શુભ મુહૂર્ત (27 ઑગસ્ટ):

બુધવારથી ગણેશોત્સવનો થશે પ્રારંભ, જાણો ગણપતિ સ્થાપન અને વિસર્જનનું શુભ મુહૂર્ત અને વિધિ 2 - image

સવારે 06:25થી 09:30

બપોરે 03:55થી 08:35

રાત્રે 10:15થી 11:45

ગણેશ વિસર્જનની વિધિ

અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ગણેશજી હવે પાછા તેમના ધામમાં જઈ રહ્યા છે.

પૂજા અને આરતી: વિસર્જન પહેલાં ફરી એકવાર ગણેશજીની આરતી કરવી અને તેમને મોદકનો ભોગ ધરાવવો.

પ્રાર્થના: મૂર્તિને સન્માનપૂર્વક ઉઠાવતા પહેલાં ગણેશજીની ક્ષમા માંગવી અને તેમને પ્રાર્થના કરવી કે તેઓ આગલા વર્ષે ફરી પધારે.

વિસર્જન: ગણેશજીની મૂર્તિને પવિત્ર નદી, તળાવ અથવા પાણીના સ્ત્રોતમાં વિસર્જિત કરવી. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત (6 સપ્ટેમ્બર):

સવારે 07:58થી 09:30

બપોરે 12:40થી 05:15

સાંજે 06:55થી 08:25

ગણેશોત્સવ એ ભક્તિ, આનંદ અને સકારાત્મકતાનો પર્વ છે, જે સમગ્ર સમાજમાં ઉત્સાહ ભરી દે છે.


Tags :