આસો નવરાત્રિનો 11 ઓક્ટોબરથી પ્રારંભ; જાણો ઘટસ્થાપન, હોમાષ્ટમી અને દશેરાના પૂજન-ખરીદીના મુહૂર્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aso Navratri Ghatsthapana Muhurat: આદ્યશક્તિ જગદંબાની આરાધનાના મહા પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વર્ષ 2026ની આસો નવરાત્રિના ઘટસ્થાપન, પૂજન અને વિજયાદશમી (દશેરા)ના શાસ્ત્રોક્ત મુહૂર્તોનું વિશેષ મહત્ત્વ છે. પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાએ આપેલી વિગતો અનુસાર, આ વર્ષે નવરાત્રિ મહા પર્વની શરૂઆત 11 ઓક્ટોબર, રવિવારના રોજ (આસો સુદ એકમ) થશે, જ્યારે તેની સમાપ્તિ 19 ઓક્ટોબર, સોમવારના રોજ (આસો સુદ નોમ) થશે.
ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગ વચ્ચે ઘટસ્થાપન મુહૂર્ત
11 ઓક્ટોબર 2026 (આસો સુદ 1)ના રોજ ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગ છે. તંત્ર ગ્રંથો જેવાં કે ચંડી રહસ્ય, ચંડી તંત્ર, રુદ્ર યામલ તંત્ર, ભવાની તંત્ર અને દુર્ગા કલ્પતરુ અનુસાર આ સમયગાળામાં સ્થાપન વર્જ્ય ગણાય છે. જો કે, ‘નિર્ણયસિંધુ’ ગ્રંથના વિધાન મુજબ પ્રથમ પ્રહર છોડીને ઘટ સ્થાપન કરી શકાય છે.
- સવારનું ઘટસ્થાપન મુહૂર્ત: રવિવાર, 11 ઓક્ટોબર 2026ના રોજ સવારે 09:40 થી 12:25 વાગ્યા સુધી.
- સંધ્યા સમયનું મુહૂર્ત: ચંડી તંત્ર, ચંડી રહસ્ય અને ભવાની તંત્ર મુજબ સાંજે 06:20 થી 07:40 વાગ્યા સુધી.
- નોંધ: મત્સ્ય પુરાણના નિયમ અનુસાર રાત્રિના સમયે ઘટસ્થાપન કરવું નહીં.
હોમાષ્ટમી, ઉપવાસ અને મહાનવમીની તિથિઓ
નવરાત્રિ દરમિયાન અષ્ટમી અને નવમી તિથિના પૂજન-ઉપવાસ અંગે નીચે મુજબની વિગતો દર્શાવાઈ છે:
- હોમાષ્ટમી: 18 ઓક્ટોબર 2026, રવિવારના રોજ સવારે 08:30 વાગ્યાથી.
- મહાષ્ટમી/મહાનવમી ઉપવાસ: 19 ઓક્ટોબર 2026, સોમવારના રોજ સવારે 10:53 વાગ્યાથી.
ઘટ ઉત્થાપન મુહૂર્ત
દેવી તંત્ર અને કાલી વિલાસ તંત્ર ગ્રંથ મુજબ શ્રવણ નક્ષત્રમાં ઘટ ઉત્થાપન કરવાનું વિધાન છે.
- તારીખ અને સમય: 19 ઓક્ટોબર 2026, સોમવાર (આસો સુદ 9, શ્રવણ નક્ષત્ર) ના રોજ બપોરે 03:40 થી 05:30 વાગ્યા સુધી.
દશેરા / વિજયાદશમી પૂજન અને ખરીદીના મુહૂર્તદશેરા / વિજયાદશમી પૂજન અને ખરીદીના મુહૂર્ત
આસો સુદ 10, મંગળવાર 20 ઓક્ટોબર 2026ના રોજ વિજયાદશમી (દશેરા)ની ઉજવણી કરાશે. આ દિવસે વાહન, સોના-ચાંદી, ચોપડા પૂજન કે નવી વસ્તુઓની ખરીદી માટે નીચે મુજબના શુભ મુહૂર્ત રહેશે:
- બપોરનું મુહૂર્ત: 12:55 થી 01:10 વાગ્યા સુધી.
- બપોર પછીનું શુભ મુહૂર્ત: 03:20 થી સાંજે 06:05 વાગ્યા સુધી.
(નોંધ: નવરાત્રિ તેમજ ઘટસ્થાપનની વિધિ અંગે સ્થાનિક પરંપરા કે કુળરીતિ મુજબના માર્ગદર્શનને અનુસરવું હિતાવહ છે.)




