રશિયામાં સત્ય બોલવું કેટલું મોંઘું પડે, જાણો છો?


- અરાઉન્ડ ધ વર્લ્ડ-  કુલદીપ કારિયા

- ટેકનિકલ રીતે જોઈએ તો રશિયન ક્રાંતિ પછી પણ સ્થિતિ તો એની એ જ છે. રશિયનો ઝારમાંથી મુક્ત થયા તો લેનિનમાં ફસાયા, તેમાંથી છૂટયા તો સ્ટાલિનમાં ફસાયા અને આજે પુતિનના શોષણનો માર વેઠી રહ્યા છે

ઈતિહાસ નદી જેવો હોય છે. જેમ-જેમ તે આગળ વધે તેમ તેમ તેનો પ્રવાહ બદલાતો રહે છે, પલ્ટાતો રહે છે. નદીની જેમ ઈતિહાસ પણ વળાંક લેતો હોય છે. તેની ગતિ મંદ અને ત્વરિત બનતી રહે છે, તેના રંગ, તરંગ અને રંગત બદલાતાં રહે છે. આ બધું સહજ છે, સ્વાભાવિક છે. સમસ્યા ત્યારે પેદા થાય છે જ્યારે નદીને ઊલટી વહેવડાવામાં આવે. એવું કરનારને તેની વિનાશકતાનો અંદાજ હોતો નથી. રશિયામાં છેલ્લા કેટલાક વર્ષોથી આવું જ થઈ રહ્યું છે.  કલંકિત ભૂતકાળને ભવ્ય અને ઉજ્જવળ દર્શાવવાના પ્રયત્નો ચાલીરહ્યા છે. જોસેફ સ્ટાલિનના દમનને ઉજાગર કરતી સંસ્થા મેમોરિયલને તાળાબંધી આ દિશામાં જ એક વિધ્વંશકારી પગલું છે. 

સામ્યવાદ જગતનું એક ઉત્તમ સ્વપ્ન હતું જે રશિયાની ધરતી પર અવતરતા સૌથી બિહામણી હકિકત પુરવાર થયું. હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં જે અત્યાચારો થયા તે બીજા વિશ્વ યુદ્ધ પછી સ્ટાલિનના ગુલગમાં થયા. લેનિન અને સ્ટાલિનના શાસનમાં થયેલા જનસંહારે સાબિત કરી દીધું કે રશિયન ક્રાંતિ કેટલી નિરર્થક હતી. ક્રાંતિકારીઓને ભાગ્યે જ અંદાજ હશે કે એક ઝારશાહીના દમનમાંથી મુક્ત થયા પછી તેમને બીજી ઝારશાહીની ચક્કીમાં પીસાવાનું છે. ટેકનિકલ રીતે જોઈએ તો રશિયન ક્રાંતિ પછી પણ રશિયામાં સ્થિતિ તો એની એ જ છે. રશિયનો ઝારમાંથી મુક્ત થયા તો લેનિનમાં ફસાયા, તેમાંથી છૂટયા તો સ્ટાલિનમાં ફસાયા અને આજે પુતિનના શોષણનો માર વેઠી રહ્યા છે.

રશિયાના વિઘટન વખતે  મિખાઈલ ગોર્બાચેવે ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રોઈકા એવા બે શબ્દ પ્રયોજેલા. ગ્લાસનોસ્ત એટલે મુક્તતા. આ શબ્દ આર્થિક ખુલ્લાપણા સાથે અભિપ્રેત હતો મતલબ રશિયન અર્થતંત્રને ખોલવામાં આવશે. પેરેસ્ત્રોઈકાનો અર્થ થાય છે, રિકન્સ્ટ્રકશન મતલબ પુનઃનિર્માણ. વિઘટન પછી રશિયા આર્થિક શક્તિશાળી જરૂર બન્યું છે પરંતુ સામાજિક અને રાજકીય દૃષ્ટિએ આજની તારીખે પણ બંધિયાર છે, દિવસે ને દિવસે વધુ ને વધુ બંધિયાર બનતું જાય છે. તેના માટે એક માત્ર માણસ જવાબદાર છે તે છે વ્લાદિમિર પુતિન. 

જો આગળ આવવું હોય તો સુુવર્ણની સાથોસાથ કાળા ઈતિહાસને પણ યાદ રાખવો પડે. શું કરવું છે એની સાથોસાથ શું નથી કરવાનું એની પણ ખબર હોવી જરૂરી છે. રશિયન જનતાને તેનું ભાન કરાવવા ઈતિહાસકાર યુરી દિમિત્રિએવે એક સંસ્થા શરૂ કરેલી. તેનું નામ મેમોરિયલ. મેમોરિયલ અંતર્ગત તેમણે સ્ટાલિનના શાસનમાં થયેલા અત્યાચારો સંબંધિત દસ્તાવેજો અને સામગ્રી  એકત્રિત કરવાનું શરૂ કરેલું. સ્ટાલિન દ્વારા રચવામાં આવેલી ગુલગ (શ્રમિક શિબિર)માં  લાખો કેદીઓની હત્યા ઉપરાંત રાજકીય હત્યાઓની હકીકતને રશિયન જનતા સુધી પહોંચાડવાનું બીડું ઉપાડયું. સમય જતા આ સંસ્થા રશિયાના માનવ અધિકારવાદોનું મુખ્ય કેન્દ્ર  બની ગઈ.

મેમોરિયલની સ્થાપના ૧૯૮૦માં થયેલી. પુતિન સત્તામાં આવ્યા ત્યારથી તેમને  આ સંસ્થા આંખમાં કણાંની જેમ ખૂંચતી હતી. પુતિન સ્ટાલિનને હીરો માને છે અને જ્યારે પણ મોકો મળે ત્યારે તેની પ્રશસ્તિ કરવાનું ચૂકતા નથી. તેઓ સ્ટાલિનના ઈતિહાસને ભવ્ય માને છે અને ઈચ્છે છે કે તેમના શાસનમાં થયેલા દમનને યાદ કરવામાં ન આવે. આ પ્રમાણે તેમના હિતો મેમોરિયલ સાથે સીધા ટકરાતા રહેતા હતા. છેલ્લા કેટલાક વર્ષથી પુતિન અને તેના મીડિયાએ મેમોરિયલને દેશદ્રોહી અને વિદેશી એજન્ટ તરીકે બદનામ કરવાનું શરૂ કર્યું. ચાહે તે કોઈ પણ વ્યક્તિ હોય કે સંસ્થા તેને ખતમ કરવા માટે  પહેલા તેને બદનામ કરવી જરૂરી બની જાય છે.  પહેલા કેરેકટર એસેસિનેશન કરવું પડે છે. આથી પુતિને એવું કહેવાનો આરંભ કર્યો કે મેમોરિયલ વિદેશમાં રશિયાની ખરાબ છબિ રજૂ કરે છે. 

રશિયાની અદાલતે અનેક વખત આર્થિક દંડ ફટકાર્યો. પુતિન સમર્થકોએ સંસ્થાના સ્ટાફ પર હુમલા કર્યા. તેની ઈમારત સળગાવી.  ૨૦૧૬માં દિમિત્રીએવના ઘર પર દરોડા પાડી  તેનું લેપટોપ જપ્ત કર્યું. તેમાંથી એક તરુણીની ન્યૂડ તસ્વીર મળી આવી હોવાનું કહી તેને બાળકોનું યૌન શોષણ તરીકે ચીતરવાની કોશિશ કરી. અદાલતમાં  આવો કોઈ અપરાધ સાબિત ન થઈ શક્યો. દિમિત્રીએવે એવું ઉજાગર કરેલું કે સ્ટાલિને એક છોકરીને દત્તક લીધેલી અને બાદમાં તેનું યૌન શોષણ કરેલું. સ્ટાલિનને એક્સપોઝ કરવાની આ રીતે સજા મળી રહી હતી. નીચલી અદાલતમાં તે નિર્દોષ પૂરવાર થયા પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવ્યો. ક્રિમલિનની સર્વોચ્ચ કઠપૂતળીએ દિમિત્રીએવને અપરાધી ઘોષિત કરી પંદર વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ માનવ અધિકાર સમૂહ મેમોરિયલને પણ વિદેશી ફંડ થકી ચાલતી રશિયા વિરોધી સંસ્થા ગણાવી તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનો ક્લિયરકટ મેસેજ આ પ્રમાણે છે. 

પુતિન ઈચ્છતા નથી કે રશિયામાં ભૂતકાળના શાસકોને વખોડવા જેવા લોકતાંત્રિક મૂલ્યોની સ્થાપના થાય. તેઓ સ્ટાલિનને ગ્લોરીફાઈ કરી પોતાની પકડ પણ  તેના જેટલી જ મજબૂત બનાવવા માગે છે. તે ઘૃણાસ્પદ ઈતિહાસને ભૂંસી નાખવા માગે છે.  તેનું ખોટું નિરૂપણ કરીને તેને ભવ્ય દર્શાવી રહ્યા છે. જેમ તુર્કીના તાનાશાહ રજબ તૈયબ અર્દોઆન પ્રથમ વિશ્વ યુદ્ધના અંત સાથે નષ્ટ થઈ ગયેલું ઓટોમાન સામ્રાજ્ય ફરીથી ઊભું કરવા માગે છે તેમ પુતિન વિઘટિત સોવિયેત યુનિયનને ફરીથી સંગઠિત કરવા માગે છે. તેમના આ લક્ષ્યમાં જે પણ કોઈ વચ્ચે આવે તેને  તે ઠેકાણે પાડી રહ્યા છે પછી તે ઈતિહાસકાર યુરી દિમિત્રીએવ હોય તો પણ ભલે અને વિપક્ષી નેતા એલેક્સી નવાલ્ની હોય તો પણ ભલે. 

મેમોરિયલ બંધ કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય મીડિયામાં ટીકાનું વરસાદ થઈ રહ્યો છે. પુતિનને તેનાથી કોઈ ફરક પડતો નથી. એ ઝારનું શાસન હોય કે પુતિનનું રશિયન જનતાના લલાટે બંધ ડબ્બામાં જીવવાનું લખાયેલું છે. તે પોતાની ભાગ્યરેખાને ભૂંસવા  ઉભી થશે નહીં ત્યાં સુધી કશું જ બદલાવાનું નથી. 

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- પાકિસ્તાનમાં મોંઘવારી ફાટીને ધુમાડે જતા  ખાદ્યતેલ પણ મોંઘું બન્યું છે. આવામાં  અનેક પરિવારો ઈરાનથી દાણચોરી કરીને મગાવવામાં આવેલા તેલ પર ગુજરાન ચલાવી રહ્યા છે. 

- બીજું શીત યુદ્ધ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહ્યું હોવાનું માનવામાં આવે છે. અમેરિકા  હોંગકોંગને આઝાદી માટે સમર્થન કરી રહ્યું છે ત્યારે અમેરિકા સ્થિત ચીની રાજદૂત કીન ગાંગે  એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો નવું શીત યુદ્ધ ચાલી રહ્યું હોય તો અમેરિકાએ એ સમજી લેવું જોઈએ કે ચીન સોવિયેત યુનિયન નથી કે હારી જાય. આવું કહીને અજાણતામાં કે જાણીજોઈને  તેમણે પોતાના મિત્ર રશિયાનું પણ અપમાન કરી નાખ્યું હતું. 

- લાંબા સંઘર્ષ પછી ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના ટોચના નેતાઓ વચ્ચે મંત્રણા યોજાઈ હતી. ઈઝરાયલે ૯૫૦૦ પેલેસ્ટિનિયનોને  ઓળખપત્ર આપવાની ઘોષણા કરી છે. ૫૦૦ પેલેસ્ટેનિયનોને ઈઝરાયલમાં આવવા માટે કાર પરમીટ પણ આપવામાં આવશે. 

- અફઘાનિસ્તાન સીમા પાસેના પાકિસ્તાની વિસ્તારોમાં ત્રાસવાદી હુમલામાં વધારો થયો છે. નિષ્ણાતો આ માટે તાલિબાને અફઘાનિસ્તાન પર કરેલા કબજાને જવાબદાર ઠરાવી રહ્યા છે. ૨૦૨૦ની તુલનીએ ૨૦૨૧માં  પાક-અફઘાન સીમા પર આતંકી હુમલામાં ૯૦ ટકાની વૃદ્ધિ થઈ છે. ૨૦૨૧માં ૧૩૭ હુમલામાં  ૧૩૦થી વધુના મોત થયાં છે અને બીજા અનેક ઘાયલ થયા છે.

City News

Sports

RECENT NEWS