Antarnetni Kavita

આ વખત તો વેશમાંથી નીકળી ગયો છું હું

By GS Team
28 Nov 20264 mins read
આ વખત તો વેશમાંથી નીકળી ગયો છું હું
  • અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
  • સૃષ્ટિનું વિરાટ વાદ્ય વાગી રહ્યું છે. ઋતુઓ બદલાય છે, ગ્રહો પરિભ્રમણ કરે છે, સમુદ્રમાં ભરતી-ઓટ આવે છે, જન્મ-મૃત્યુની ઘટમાળ ચાલ્યા કરે છે

લોગઈન :
આ વખત તો વેશમાંથી નીકળી ગયો છું હું,
શબ્દના પ્રદેશમાંથી નીકળી ગયો છું હું.
માત્ર મૌન છે સરળ, ન શબ્દની અલંકૃતિ,
એ બધા ય એશમાંથી નીકળી ગયો છું હું.
સાન ભાન ઓગળી જે લેશ કૈં રહ્યું હતું,
લો, હવે એ લેશમાંથી નીકળી ગયો છું હું.
દ્રષ્ટિ નિષ્પલક અને હો આંખ આ નિરંજના,
અંજનોની મેશમાંથી નીકળી ગયો છું હું.
વાદ્ય આ વિરાટતાલ વાજતું, ભલે બજે,
એ ઠમક, એ ઠેશમાંથી નીકળી ગયો છું હું.

  • રાજેન્દ્ર શુક્લ

૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ગુજરાતના ગિરનારી કવિ રાજેન્દ્ર શુક્લએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા, પણ જે કવિએ જીવનભર શબ્દમાં શાશ્વતની શોધ કરી હોય, તેને મૃત્યુ ક્યાંથી મિટાવી શકે? ભગવાં વસ્ત્રો, લાંબી દાઢી અને કવિતાનો આધ્યમરંગ જોઈને ભાવકો, વિવેચકો તેમને ઋષિકવિ તરીકે ઓળખતા. કવિ દેહના વેશમાં તો આપણી વચ્ચેથી નીકળી ગયા, પણ શબ્દના વેશમાં હરહંમેશ રહેશે. માણસ ડગલે-પગલે વિવિધ વેશ ધારણ કરે છે. શિશુવસ્થામાં વિસ્મયવેશ, પછી વિદ્યાર્થીવેશ, મિત્રવેશ, પુત્રવેશ, પુત્રીવેશ વગેરે. સંસારીમાંથી સંન્યાસીવેશ ધારણ કર્યો હોય કે અજ્ઞાનીમાંથી જ્ઞાનીનો, પણ વેશ તો વેશ જ રહે છે. સોનાની બેડી પહેરવાથી પગનું ગૌરવ વધે, સ્વતંત્રતા નહીં. કવિ એમ નથી કહેતા, મેં વેશ બદલી નાખ્યો. કહે છે, વેશમાંથી નીકળી ગયો છું. બદલાવ અને મુક્તિ વચ્ચેનો આ ભેદ સમજવા જેવો છે. સાપ કાંચળી ઉતારે ત્યારે સાપ મટી જતો નથી, ઊલટું પોતાના અસલ સ્વરૂપમાં વધારે તાજગીથી પ્રગટ થાય છે. કવિ શબ્દના પ્રદેશમાંથી નીકળી જવાની વાત કરે છે! જીવનભર શબ્દની સાધના કરનાર શબ્દસીમા વટાવવાનું કહે, તેમાં શબ્દનો અસ્વીકાર નહીં, સાર્થકતા હોય છે. નદી પાર કરાવી આપનાર નાવનો ઉપકાર ભૂલવાનો ન હોય, પરંતુ એ ઉપકારના ભારથી નાવને માથે ઊંચકીને બાકીની જિંદગી ફરવાનું પણ ન હોય.
ભાષાના સર્વોચ્ચ શિખરે પહોંચીને ભાષાની જરૂર રહેતી નથી. કવિતાની સર્વોત્તમ પંક્તિ લખાયેલી પંક્તિઓની વચ્ચે અલિખિત પડી હોય છે. શબ્દની અલંકૃતિને કવિ અહીં 'એશ' કહે છે. ક્યારેક કવિ પોતાના શબ્દોના સૌંદર્યમાં એટલો બધો મગ્ન થઈ જાય છે કે જે અનુભૂતિને વ્યક્ત કરવા શબ્દો પ્રયોજ્યા હતા એ અનુભૂતિ જ ગૌણ બની જાય છે. અરીસાની ચોકઠાને સોનાથી મઢવાની વ્યસ્તતામાં માણસ અરીસામાં પોતાનો ચહેરો જોવાનું ભૂલી જાય છે. જોકે રાજેન્દ્ર શુક્લની આ પંક્તિમાં કાવ્યાત્મક વિરોધાભાસ છે. મૌનનો મહિમા કરવા માટે શબ્દનો આશ્રય લેવાયો છે. મીઠાની એક પૂતળી સમુદ્રની ઊંડાઈ માપવા નીકળી. સમુદ્રમાં ઊતરતી ગઈ તેમ-તેમ ઓગળતી ગઈ. સમુદ્ર કેટલો ઊંડો છે એની અનુભૂતિ થઈ, પરંતુ એ ઊંડાઈની જાણકારી આપવા માટે પાછી ફરી શકે તેમ નહોતી. આ પ્રાચીન દ્રષ્ટાંત ઉપરોક્ત ગઝલના ત્રીજા શેરની નજીક લઈ જાય છે. માણસની સૌથી સૂક્ષ્મ આસક્તિ પોતાના અસ્તિત્વ પ્રત્યેની હોય છે. ધનનો ત્યાગ કર્યા પછી ધનના ત્યાગનો અહંકાર હોઈ શકે. અહંકાર એટલો ચતુર છે કે એ નિરહંકારી હોવાનો વેશ પહેરીને આપણી અંદર રહેતો હોય છે.
માણસ આંખોથી નહીં, માન્યતાઓથી દુનિયાને જોતો હોય છે. આંખ સામે હોય તે અને આંખની પાછળ હોય તે, બંને મળીને દ્રશ્ય રચે છે. આપણી દ્રષ્ટિ ઉપર અનુભવો, પૂર્વગ્રહો, અપેક્ષાઓ અને ઇચ્છાઓનાં પડ ચડેલાં હોય છે. એક જ વરસાદને ખેડૂત, કવિ, કુંભાર અને ભીખારી જુદી જુદી રીતે જોતા હોય છે. કવિને દ્રશ્યને સુંદર બનાવવાની નહીં, દ્રશ્યને જેવું છે તેવું જોવાની અભિલાષા છે. સત્યને જોવા માટે આંખ કરતાં આંખની નિર્મળતા વધારે જરૂરી છે. ક્યારેક અજવાળું વધારવાની નહીં, ફાનસના કાચ ઉપર બાઝેલી મેશ સાફ કરવાની જરૂર હોય છે.
સૃષ્ટિનું વિરાટ વાદ્ય વાગી રહ્યું છે. ઋતુઓ બદલાય છે, ગ્રહો પરિભ્રમણ કરે છે, સમુદ્રમાં ભરતી-ઓટ આવે છે, જન્મ-મૃત્યુની ઘટમાળ ચાલ્યા કરે છે. મનુષ્ય પણ આ વિરાટ સંગીતનો નાનકડો સ્વર છે. પરંતુ માણસ સંગીતને પોતાના તાલ પ્રમાણે ચલાવવા માગે છે. પોતાની ઇચ્છા પ્રમાણે તાલ પડે તો આનંદ અને તાલભંગ થાય તો ઠેશ! 'ઠમક' અને 'ઠેશ' આ બે શબ્દોમાં મનુષ્યજીવનની સુખદુઃખાત્મક ગતિને અદ્ભુત રીતે સમાવી લેવામાં આવી છે!. આખી ગઝલમાં કવિ ક્યાં ક્યાંથી નીકળી ગયા એની વાત કરે છે, પરંતુ ક્યાં પહોંચ્યા છે એની વાત ક્યાંય કરતા નથી. આ જ આ ગઝલની સિદ્ધિ છે. પહોંચવાનું સ્થળ બતાવવામાં આવે તો એ સ્થળની આસપાસ ફરી નવો પ્રદેશ ઊભો થાય. એ પ્રદેશનું નામ પડે, ઓળખ ઊભી થાય અને માણસ ફરી એક નવો વેશ ધારણ કરી લે.
લોગઆઉટઃ
હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

  • રાજેન્દ્ર શુક્લ