આણંદ સબ જેલામાંથી પોક્સોનો આરોપી દિવાલ કૂદી ફરાર થઇ ગયો

- વહેલી સવારે બનેલા બનાવથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ
- કુદરતી હાજતના બહાને છાજલી ઉપર ચઢી પોલીસ લાઇન વિસ્તારમાંથી જ ફરાર થઇ ગયો
ઠાસરા તાલુકાના ધરખુણીયા વિસ્તારમાં રહેતો લાલજી સોમાભાઈ રાઠોડ ગત ડિસેમ્બર માસમાં સુરેલી તાબાના મેડીપુરા ગામની એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ ગયો હતો. જે અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ગત તા.૨૬મી જાન્યુઆરીના રોજ લાલજી રાઠોડને ઝડપી પાડી તપાસ પૂર્ણ કર્યા બાદ આણંદની સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. દરમ્યાન આજે સવારના સુમારે કાચા કામના કેદીઓને કુદરતી હાજત માટે બેરેકની બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં બેરેક નં.૭માં રખાયેલ લાલજી રાઠોડને પણ બેરેકની બહાર કાઢવામાં આવ્યો હતો. દરમ્યાન પોલીસની નજર ચુકવી તે બાથરૂમના દરવાજાનો સહારો લઈ છાજલી ઉપર ચઢી પાછળના ભાગે આવેલ પોલીસ લાઈન વિસ્તારમાં કુદીને ફરાર થઈ ગયો હતો.
અચાનક જ આરોપી ફરાર થતાં ફરજ પરના પોલીસકર્મીઓમાં નાસભાગ મચી હતી અને પોલીસે તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે નાસી છુટવામાં સફળ થયો હતો. આ ઘટનાની જાણ આણંદ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોર્ડને કરવામાં આવતા પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આરોપીના રહેણાંક સહિત અન્ય કેટલાંક સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે નમતી બપોર સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.




