Get The App

આણંદ જિલ્લા પુરવઠા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું 48 એકમોમાં ઓચિંતું ચેકિંગ

- કોરોના વાઇરસથી તકેદારી રાખવા

- આણંદ જિલ્લાના મેડિકલ સ્ટોલ અને અન્ય ઉત્પાદકો સહિત 48 એકમો ચેક કરી 16 હજાર દંડ ફટકાર્યો

Updated: Mar 22nd, 2020

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લા પુરવઠા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું 48 એકમોમાં ઓચિંતું ચેકિંગ 1 - image


આણંદ,તા.21 માર્ચ 2020, શનિવાર

કોરોના વાયરસનું સંક્રમણ આણંદ જિલ્લામાં વધે નહીં તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી અને સાવચેતીના ભાગરૂપે કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાવાસીઓને સરળતાથી માસ્ક, સેનેટાઈઝર્સ અને ગ્લોવ્ઝ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા પુરવઠા વિભાગ તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લાના મેડિકલ સ્ટોર તેમજ ઉત્પાદકો સહિત કુલ ૪૮ એકમો ખાતે ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ન હોવાને લઈ કુલ્લે રૂા.૧૬ હજારનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રભાવ વધે નહીં તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં લોકોને સેનીટાઈઝર, માસ્ક અને ગ્લોવ્ઝ સરળતાથી મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લા પુરવઠા વિભાગ, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા કાનુની માપ વિજ્ઞાાન તેમજ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા જિલ્લામાં હેન્ડ સેનીટાઈઝર, માસ્ક અને ગ્લોવ્ઝ લોકોને સરળતાથી મળી રહે તેમજ તેનો કાળા બજાર ન થાય તે માટે સ્થળ તપાસણી હાથ ધરવામાં આવી રહી છે. ગત તા.૧૯મીના રોજ જિલ્લાની એક હેન્ડ સેનીટાઈઝર ઉત્પાદક કંપની તથા ૨૧ મેડિકલ સ્ટોર્સ મળી કુલ ૨૨ એકમોની સ્થળ તપાસણી કરાઈ હતી.

તા.૧૮ માર્ચના રોજ હેન્ડ સેનીટાઈઝર પેઢીમાં કોઈ હાજર સ્ટોક જણાઈ આવ્યો ન હતો. પરંતુ પેકેજીંગ અને કોમોડીટી એક્ટ  હેઠળ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ન હોવાથી તોલમાપ વિભાગ દ્વારા રૂા.૧૬ હજારનો દંડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં જિલ્લા કુલ ૪૦ મેડિકલ સ્ટોર્સ તથા ૮ ઉત્પાદક એકમો મળી કુલ ૪૮ એકમોની તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :