આણંદના સામરખા પાસે રિવોલ્વરની અણીએ લૂંટારૂઓ 8.71 લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર


- કપાસ વેચી રોકડ સાથે પરત ફરતા આઇશરના ચાલક-ક્લિનરને લૂંટી લેવાયા

- શનિવારે મોડી સાંજનો બનાવ, નંબર પ્લેટ વગરની કારમાં લૂંટારૂ આવ્યા હતા, લૂંટના બનાવથી ચકચાર

આણંદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલ આણંદ પાસેના સામરખા નજીક એક્ઝીટ રોડ ઉપર ગઈકાલ સમીસાંજના સુમારે એક ફોર વ્હીલરમાં આવી ચડેલ કેટલાક શખ્સો પૈકી બે જણે અન્ય એક ગાડીના ચાલક તથા ક્લીનરને રીવોલ્વર બતાવી કપાસ વેચાણના આવેલ રૂા.૮.૬૧ લાખ ઉપરાંતની રકમની લૂંટ કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નસવાડીના રહેવાસી આકબાની અમીનઅહેમદ હનીફ કરીયાણાનો સ્ટોર ધરાવે છે અને ખેડૂતો પાસેથી કાચું અનાજ તથા કપાસ ખરીદી વેચાણનો ધંધો કરે છે. શનિવાર રાત્રિના સુમારે ખેડૂતો તરફથી મળેલ કપાસ તેઓ પોતાની અશોક લેલેન્ડ ગાડીમાં ભરાવી ચાલક રાજુભાઈ ઉર્ફે ભીમો ઉકેલભાઈ તડવી તથા ક્લીનર સંજયને મહેસાણા જિલ્લાના હારીજ ગામે આવેલ અંબિકા કોટન ખાતે વેચવા માટે મોકલ્યા હતા. 

સવારના ૧૧-૦૦ વાગ્યાના સુમારે ગાડીના ચાલક તથા ક્લીનર કપાસ વેચીને તેના આવેલ રોકડા રૂા.૮,૬૧,૧૩૨ લઈ કેબીનમાં મુકી પરત નસવાડી જવા નીકળ્યા હતા. 

દરમ્યાન સાંજના ચારેક વાગ્યાના સુમારે તેઓ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલ સામરખા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક્ઝીટ માર્ગ નજીક પાછળથી એક નંબર પ્લેટ વગરની ફોરવ્હીલ કાર આવી ચડી હતી અને તેઓની ગાડીને આંતરી હતી જેથી ચાલકે પોતાની ગાડી ઉભી રાખી હતી. 

ગાડી ઉભી રાખતા જ ફોરવ્હીલ કારમાંથી બે શખ્સો રીવોલ્વર લઈને તેઓની પાસે આવી પહોંચ્યા હતા અને ચાલક રાજુભાઈ તથા ક્લીનર સંજયને રીવોલ્વર બતાવી તમારી પાસે જે કંઈ નાણા હોય તે અમોને આપી દો તેમ કહ્યું હતું. 

જેથી ચાલક તથા ક્લીનર ગભરાઈ ગયા હતા.

 દરમ્યાન બંને શખ્સોએ કેબીનના બોક્સમાં મુકેલ કપાસ વેચાણના રોકડા રૂા.૮.૬૧ લાખ કાઢી લઈ લૂંટ ચલાવી કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે રાજુભાઈએ તુરત જ માલિક આકબાનીને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ આણંદ ગ્રામ્ય પોલીસે આકબાની હનીફની ફરીયાદને આધારે અજાણ્યા શખ્સો વિરુધ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

લૂંટમાં જાણ ભેદુ હોવાની શક્યતા, પોલીસે તમામ દિશામાં તપાસ આરંભી

અમદાવાદ-વડોદાર એક્સપ્રેસ હાઈવે પર આવેલ સામરખા નજીક ગઈકાલ સાંજના સુમારે અજાણ્યા શખ્સો દ્વારા રીવોલ્વરના નાળચે થયેલ રૂા.૮.૬૧ લાખ ઉપરાંતની રોકડની લૂંટને પગલે પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને વિવિધ થિયરી ઉપર પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે એક્સપ્રેસ હાઈવે પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી કાર અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ લૂંટારુ શખ્સો અગાઉથી જ રાજુભાઈ તડવીની ગાડીનો પીછો કરતા હોવાની શક્યતા છે તો બીજી તરફ આ લૂંટની ઘટનામાં કોઈ અંદરના જ જાણભેદુની સંડોવણી હોવાની શક્યતાને પગલે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

City News

Sports

RECENT NEWS