For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોરસદના પીપળી ગામે અપશબ્દો બોલવાના મામલે ધિંગાણું, સામસામે પથ્થરમારો

Updated: Sep 6th, 2023

બોરસદના પીપળી ગામે અપશબ્દો બોલવાના મામલે ધિંગાણું, સામસામે પથ્થરમારો

- બે જૂથો સામસામે આવી ગયા, એક વ્યક્તિને ઇજા

- દુકાનના ઓટલા પર બેસી ગાળો બોલતા યુવકોને ઠપકો આપતા મામલો બિચક્યો

આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના પીપળી ગામે ગઈકાલ રાત્રીના સુમારે અપશબ્દો બોલવા બાબતે બે કોમના જુથો વચ્ચે થયેલ તકરારમાં બંને જૂથોએ સામસામે પથ્થરમારો કરતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાને લઈ પોલીસની અલગ અલગ ટીમો તુરત જ પીપળી ગામે પહોંચી ગઈ હતી અને ટોળાંને વિખેરી ચુસ્ત બંદોબસ્ત તૈનાત કર્યો હતો. આ બનાવ અંગે ભાદરણ પોલીસે બંને પક્ષોની સામસામે ફરીયાદ નોંધી કુલ-૨૬ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 બોરસદ તાલુકાના પીપળી ગામે ગઈકાલ રાત્રીના સુમારે મુસ્લિમ કોમના કેટલાક યુવકો એક દુકાનના ઓટલા ઉપર બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યાં હતાં. દરમ્યાન મોટે મોટેથી અપશબ્દો બોલતા હોઈ નજીકમાં જ રહેતા રમેશભાઈ પઢીયારના પરિવારની મહિલાઓએ આ યુવકોને અપશબ્દો બોલવાની ના પાડતા મામલો ગરમાયો હતો. ત્યારબાદ તકરાર વધતા બંને કોમના ટોળાં સામસામે આવી ગયા હતા અને કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં રમેશભાઈ પઢીયારને પથ્થર વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ ભાદરણ પોલીસ સહિત જિલ્લા પોલીસને થતા પેટલાદના ડીવાયએસપી સહિત ભાદરણ તેમજ એલસીબી, એસઓજીની પોલીસની ટીમો પીપળી ગામે દોડી ગઈ હતી અને બંને કોમના ટોળાંને વિખેરી નાખી ગામમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. 

સમગ્ર ઘટનામાં પોલીસે સ્થળ પરથી છ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા. બીજી તરફ આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા સામસામી ફરીયાદ નોંધાવવામાં આવતા ભાદરણ પોલીસે કુલ-૨૬ વ્યક્તિઓ વિરુધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat