મતદાનના દિવસે ઇમરજન્સી સારવાર માટે 181 આરોગ્ય કર્મીઓ ખડેપગે રખાશે


- આણંદ જિલ્લાના તમામ 1,810 મતદાન મથકોએ આરોગ્ય સુવિધા મળશે

- તાવ સહિતની બીમારીઓ માટે મેડિકલ કીટ તૈયાર રખાશે, એમ્બ્યુલન્સો પણ સાધનસજ્જ રહેશે

આણંદ : આણંદ જિલ્લાના સાત વિધાનસભા બેઠક માટે બીજા તબક્કામાં આગામી તા.૫મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે ત્યારે જિલ્લાના કુલ ૧,૮૧૦ મતદાન મથકો ખાતે મતદાન માટે આવનાર મતદારોને તાવ જેવી બિમારીના સમયે ત્વરીત સારવાર મળી રહે તે માટે કુલ ૧,૮૧૦ મેડિકલ કીટ ફાળવવા સાથે આરોગ્ય વિભાગના ૧૮૧ કર્મચારીઓ મતદાન મથકોએ હાજર રહેનાર હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી વિભાગ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો ઉપર ખંભાતમાં ૨૪૦, બોરસદમાં ૨૬૪, આંકલાવ ૨૪૨, ઉમરેઠમાં ૨૮૯, આણંદમાં ૩૦૧, પેટલાદમાં ૨૩૯ અને સોજિત્રામાં ૨૩૫ મળી કુલ ૧,૮૧૦ મતદાન મથકો તૈયાર કરવામાં આવનાર છે.

 સાથે સાથે જિલ્લાની સાતેય વિધાનસભા બેઠક ઉપર મહિલા કર્મચારીઓ સંચાલિત સાત-સાત મળી કુલ ૪૯ સખી મતદાન મથકો અને એક-એક મળી કુલ સાત દિવ્યાંગ અને આદર્શ મતદાન મથકો તેમજ ૧ યુવા સંચાલિત મતદાન મથક પણ ઉભા કરવામાંં આવનાર છે.

 આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ સૂત્રોના જણાવ્યા મુજબ મતદાન કરતી વખતે મતદાર બીમાર પડે કે તાવ આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની મેડિકલ ટીમો સહિત ૧૮૧ જેટલા આરોગ્યકર્મીઓ તૈનાત કરવામાં આવનાર છે. સાથે સાથે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સવાન પણ હાજર રાખવામાં આવનાર છે.

 જેથી મત આપવા આવનાર કોઈ મતદારને જો તાત્કાલિક સારવારની જરૂર પડે તો તેને સારવાર મળી રહે તેવો એક્શન પ્લાન તૈયાર કરી દેવા સાથે દિવ્યાંગ મતદાન મથકો ઉપર દિવ્યાંગો માટે પુરતી તકેદારી રાખવા અંગે અને તેઓને કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવા માટે આયોજન કરી દેવાયું હોવાનું આરોગ્ય વિભાગ સૂત્રોએ જણાવ્યું હતું.

City News

Sports

RECENT NEWS