For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

181 અભયમની ટીમ આણંદ તાલુકાની પરીણિતાના વ્હારે આવી

Updated: Apr 30th, 2024

181 અભયમની ટીમ આણંદ તાલુકાની પરીણિતાના વ્હારે આવી

- નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ

- પિયર અને સાસરી પક્ષ ત્રાસ ગુજારતા હોવાથી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરાયું

આણંદ : આણંદ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની પરીણિતા પર તેના પિયર અને સાસરી પક્ષના સભ્યો દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી તેણીએ ૧૮૧ અભયમની ટીમની મદદ માંગી હતી. જેથી અભયમની ટીમે પરીણિતાનું કાઉન્સેલીંગ કર્યા બાદ સુરક્ષા માટે નારીગૃહમાં મોકલી આપી છે.

૧૮૧ અભયમની ટીમને આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પરીણિતાએ ફોન કરી પિયર અને સાસરીની હેરાનગતિ બાબતે જણાવતા અભયમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરીણિતાને સરકારી નોકરી કરવાની ઈચ્છા હોવા છતાં પિયરના સભ્યોએ ૧૯ વર્ષની ઉંમરે તેણીના લગ્ન કરી દીધા હોવાનું જણાવ્યું હતું. 

લગ્ન બાદ તેણીએ ભણવાનું ચાલુ રાખ્યું હતું અને સરકારી નોકરી મેળવવા માટે બે માર્કસ માટે રહી જતા પતિ દ્વારા મ્હેણાં-ટોણાં મારી તુ કંઈ નહી કરી શકે તેમ જણાવ્યું હતું. લગ્ન જીવનના આઠ વર્ષ દરમિયાન પતિ દારૂ પીવાની ટેવવાળો હોવાથી પરીણિતાએ પિયરમાં અવાર-નવાર છુટાછેડા લેવાનું કહેવા છતાં પણ પિયરવાળા દ્વારા હૈયાધારણા આપી તેણીને પિયરમાં લઈ આવતા હતા. બાદમાં સમાજ શુ વિચારશે તેવો વિચાર કરી સમાધાન કર્યા બાદ પુનઃ સાસરીમાં મોકલી આપતા હતા.  હાલ પરીણિતા છેલ્લા આઠ માસથી પિયરમાં જ રહેતી હોવાથી પિયરના સભ્યો દ્વારા પુનઃ સાસરીમાં મોકલવાનું કહેતા તે પિયરમાંથી નીકળી ગઈ હતી અને એક બહેનપણીના ઘરે આશરો લીધો હતો. અભયમની ટીમ દ્વારા પિયર તેમજ સાસરી પક્ષના સભ્યોને સમજાવ્યા હતા. જો કે પરીણિતા ખૂબ જ ટેન્શનમાં હોય અને પિતા ઉપર પણ વિશ્વાસ ન હોવાથી પરીણિતાની સુરક્ષા માટે નારીગૃહમાં મોકલી આપી હતી.

Gujarat