For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

132 થર્ડ જેન્ડર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

Updated: Apr 28th, 2024

132 થર્ડ જેન્ડર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

- આણંદના સાંસદને ચૂંટવા માટે

- 111 થર્ડ જેન્ડર મતદારોએ મશાલ રેલી યોજી મતદાન કરવા લોકોને પ્રેરિત કર્યાં

આણંદ : આણંદ લોકસભા બેઠક માટે જિલ્લામાં આવેલા સાત વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા ૧૩૨ થર્ડ જેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આણંદ સંસદીય મત વિસ્તારની લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૭,૬૮,૮૫૧ મતદારોમાં ૯,૦૩,૪૦૨ પુરુષ, ૮,૬૫,૩૧૭ સ્ત્રી અને ૧૩૨ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ત્યારે મહતમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 

તાજેતરમાં પેટલાદ ખાતે પ્રાંત અધિકારી અને ૧૧૩-વિધાનસભા મત વિસ્તારના મતદાર નોંધણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ત્રીજી જાતિના મતદારોના સહયોગથી મતદાર જાગૃતિ અંગે મશાલ રેલી યોજાઈ હતી. આ રેલી પેટલાદ રણછોડજી મંદિર ચાર રસ્તાથી શરૂ થઈને શહેરના વિવિધ વિસ્તારમાં ફરી કોલેજ ચોકડીએ પૂર્ણ થઈ હતી.  આ મશાલ રેલી બાદ પ્રાંત અધિકારીના હસ્તે દાદા ગંગારામજી કિન્નર અખાડો પેટલાદના રહેવાસી ત્રીજી જાતિના મતદાર આરતીકુંવર મધુકુંવર કિન્નર તથા ઝારાકુંવર પૂજાકુંવર કિન્નરનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. 

જિલ્લામાં નોંધાયેલા ત્રીજી જાતિના કુલ ૧૩૨ મતદારો પૈકી પેટલાદ વિધાનસભા મત વિસ્તારમાં નોંધાયેલા ૧૧૧ મતદારોએ મશાલ રેલીમાં જોડાઈ મતદાર જાગૃતિના કાર્યમાં સહભાગી બન્યા હતા. રેલીના સમાપન સમયે પ્રત્યેક વ્યક્તિ મતદાન જરૂર કરીશું તેવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

આ અંગે દાદા ગંગારામજી કિન્નર અખાડો, પેટલાદના ગાદીપતિ આરતીકુંવર મધુકુંવરે જણાવ્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષથી તેઓ પેટલાદ ખાતે રહે છે અને દરેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરે છે. પેટલાદ ખાતે રણછોડજી પોલીસ ચોકી પાસેના વિસ્તારમાં ૬૦ થી ૭૦ ઘરોમાં ૧૩૦ ઉપરાંત કિન્નર મતદારો રહે છે. 

આગામી તા.૭મી મેના રોજ તમામ મતદારો પેટલાદના ચતુર બાપુજી પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદાન કરવા જનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

Gujarat