Amreli

VIDEO: દિવાળીની રાત્રે સાવરકુંડલામાં જામતા ઈંગોરિયા યુદ્ધમાં હવે કોકડાનો ઉપયોગ, કારીગરોએ જણાવી બનાવટની સમગ્ર પ્રક્રિયા

By GS Team
29 Oct 20263 mins read
TukuTouch Logo
અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે 70-80 વર્ષ જૂની 'ઈંગોરિયા યુદ્ધ'ની અનોખી પરંપરા જોવા મળે છે. અહીં બે જૂથો સામસામે સળગતા ઈંગોરિયા (હવે કોકડા) ફેંકીને દિવાળીની ઉજવણી કરે છે. આ દેખીતી રીતે જોખમી રમતમાં આજ સુધી કોઈને ઈજા થઈ નથી. આ યુદ્ધ જોવા ગુજરાત બહારથી પણ લોકો આવે છે, જે સાવરકુંડલાની ઓળખ બની ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: દિવાળીની રાત્રે સાવરકુંડલામાં જામતા ઈંગોરિયા યુદ્ધમાં હવે કોકડાનો ઉપયોગ, કારીગરોએ જણાવી બનાવટની સમગ્ર પ્રક્રિયા

Amreli Savarkundla Ingoriya Tradition: દેશભરમાં દિવાળીના દિવસે લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે, પરંતુ અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે કંઈક અલગ જ નજારો જોવા મળે છે. અહીં લોકો 'ઈંગોરિયા યુદ્ધ' કરીને ઉજવણી કરતા હોય છે. દિવાળીની રાત પડતા જ સાવરકુંડલાની બજારમાં લોકો સામસામે બે જૂથોમાં વહેંચાઈ જાય છે અને ત્યારબાદ એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકીને ઉજવણી કરે છે. દેખીતી રીતે જોખમી લાગતી આ રમતમાં સાવરકુંડલામાં કોઈ વ્યક્તિ દાઝતી ન હોવાનો દાવો કરવામાં આવે છે. દિવાળીની રાત્રે રમાનારા ઈંગોરિયા યુદ્ધ માટે કારીગરો મહિનાઓ અગાઉથી ઈંગોરિયા (કોકડા) તૈયાર કરવામાં લાગી જાય છે.

લોકો નિર્દોષ ભાવ સાથે ખેલે છે ઈંગોરિયા યુદ્ધ

'ઈંગોરિયા યુદ્ધ' સાવરકુંડલાની ઓળખ બની ગઈ છે અને ઈંગોરિયા યુદ્ધની વાત આવે એટલે તુરંત જ સાવરકુંડલાનું નામ આવે છે. સામાન્ય રીતે યુદ્ધ ગુસ્સાના ભાવ સાથે ખેલાતા હોય છે, પરંતુ દિવાળીની રાત્રે સાવરકુંડલા શહેરમાં ખેલાતું ઈંગોરિયા યુદ્ધ હસતા મોઢે રમાય છે. લોકો નિર્દોષ ભાવ સાથે સામસામે એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકીને ઉજવણી કરતા હોય છે.

છેલ્લા 70-80 વર્ષથી ચાલતી આવે છે પરંપરા

દિવાળીની રાત્રે આ યુદ્ધ રાત્રિના 10 વાગ્યાથી વહેલી સવાર સુધી ચાલતું હોય છે. આમ, સાવરકુંડલામાં લોકો છેલ્લા 70-80 વર્ષથી દિવાળીની રાત્રે ઈંગોરિયાથી યુદ્ધ કરતા આવ્યા છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી ઈંગોરિયાના વૃક્ષો ઘટી જવાથી ઈંગોરિયા મળવા મુશ્કેલ બન્યા છે. ત્યારે અહીંના લોકોએ ઈંગોરિયાના વિકલ્પમાં દોરીના કોકડામાં આવતી પુઠ્ઠાની ભૂંગળીનો ઉપયોગ શરૂ કર્યો છે.

કેવી રીતે બને છે ઈગોરિયું?

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના કારીગર તુષાર મકવાણાએ કહ્યું કે-

દિવાળીના દિવસે જ્યારે રાત્રે સાવરકુંડલામાં ઈંગોરિયાનું યુદ્ધ જામે છે તે પહેલા અમે તૈયારી કરી લીધી હોય છે. ઈગોરિયામાં સુરોખાર, ગંધક અને કોલસાની ભૂકી વાપરીએ છીએ જેનાથી એક દારૂખાનું બનીને તિખારા રૂપી કામ કરે છે. આ ઈંગોરિયું અત્યારે નથી મળતું જેના કારણે અમે કોકડાનો વપરાશ કરીએ છીએ, જેમાં અમે એ જ રીતે બધું નાખીને ઈંગોરિયાની રમત રમીએ છીએ. હાલ અમને દિવસભરની 500 રૂપિયા રોજગારી મળી રહે છે. અહીં સુરત અને અમદાવાદથી પણ લોકો યુદ્ધ રમવા આવે છે.

કારીગરો ઈંગોરિયા તૈયાર કરવામાં વ્યસ્ત

ચીકુ જેવા ફળના આકારનું વૃક્ષ પર ઈંગોરિયું નામનું ફળ થતું હતું. ઈંગોરિયા યુદ્ધમાં જે ઈંગોરિયા કે કોકડાનો ઉપયોગ થાય છે તેમાં ઠાંસીઠાંસીને કોલસાની ભૂકી ભરવામાં આવે છે. કોલસાની ભૂકી બાદ પથ્થર નાખવામાં આવે છે અને ત્યારબાદ ડ્રીલની મદદથી એક છિદ્ર કરવામાં આવે છે. દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સાવરકુંડલામાં લોકો અને કારીગરો ઈંગોરિયા (કોકડા) તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે અને એક કોકડાની પાછળ 10થી 15 રૂપિયા જેટલી મહેનતનું વળતર મળે છે.

આખા ભારતમાં માત્ર સાવરકુંડલામાં જ ઈંગોરિયા યુદ્ધની રમત રમાય છે. પહેલાં ઈંગોરિયાથી આ રમત રમાતી હતી, જોકે ઈંગોરિયાના વૃક્ષો લુપ્ત થવાના આરે હોવાથી હવે કોકડાથી રમત રમવામાં આવે છે. આ રમત એટલી લોકપ્રિય છે કે તેને જોવા માટે ગુજરાત બહારના લોકો પણ અહીં આવે છે. આ પરંપરા ખૂબ જૂની છે, જેમાં એકબીજાની ઉપર કોકડા ફેંકીને બધા લોકો મનોરંજન માણતા હોય છે. આજ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. ઈંગોરિયા બનાવવા કારીગરો ત્રણ-ચાર મહિના અગાઉથી તૈયારી કરતા હોય છે.