સાવરકુંડલામાં રોડ-રસ્તાની કામગીરીમાં આયોજનના અભાવે ટ્રાફિકની સમસ્યા, વિકાસની આડમાં ધંધા-રોજગાર પર માઠી અસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Savarkundla Traffic Issue, Amreli News: અમરેલી જિલ્લાના મહત્ત્વના ગણાતા સાવરકુંડલા શહેરમાં ટ્રાફિકની સમસ્યાએ અત્યંત ગંભીર અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. શહેરમાં ચાલતી રોડ-રસ્તાઓની ધીમી ગતિની કામગીરી અને પોલીસ તંત્રના યોગ્ય આયોજનના અભાવે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. જેના કારણે સ્થાનિકો, વાહનચાલકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
મુખ્ય મહુવા રોડ પર વાહનોના પૈડાં થંભી ગયા
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સાવરકુંડલાના સૌથી વ્યસ્ત ગણાતા મુખ્ય મહુવા રોડ પર છેલ્લાં કેટલાક સમયથી રોડ-રસ્તાના કામો ચાલી રહ્યા છે. યોગ્ય ટ્રાફિક નિયમનના અભાવે માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા રહે છે. ઉલ્લેખનીય છે કે, શહેરની સરકારી કચેરીઓ તેમજ નાના-મોટા ખાનગી હોસ્પિટલો આવેલી છે. જેમાં અવારનવાર સર્જાતા ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ સહિતના ઈમરજન્સી વાહનો પણ ફસાઈ જતાં દર્દીઓના જીવ તાળવે ચોંટી જાય છે.

વિકાસના નામે વેપારીઓ ધંધા-રોજગાર વગરના બન્યા
વેપારીઓએ જણાવ્યું કે, રોડનું ખોદકામ અને ટ્રાફિકની સમસ્યાના કારણે સાવરકુંડલાના વેપારીઓના ધંધા-રોજગારને માઠી અસર પડી છે. જેમાં ગ્રાહકોને દુકાનો સુધી પહોંચવામાં હાલાકી વેઠવી પડે છે. સ્થાનિકો અનુસાર, વિકાસના નામે યોગ્ય આયોજન વગર કામગીરી ચલાવાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.
સાવરકુંડલા સિટી પોલીસ તંત્ર નિષ્ફળ
શહેરમાં રોજબરોજ સર્જાતી ટ્રાફિક સમસ્યાને હલ કરવામાં સાવરકુંડલા સિટી પોલીસ તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. હાલાકી ભોગવતા સ્થાનિકો અને વાહનચાલકોમાં પોલીસ તથા નગરપાલિકા તંત્ર સામે ભારે નારાજગી વ્યાપી ગઈ છે. સ્થાનિક પ્રજાની ઉગ્ર માગ છે કે, તંત્ર ઊંઘમાંથી જાગીને ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક અને નક્કર પગલાં ભરે.












