અમરેલી: પ્રેમસંબંધની અદાવતમાં છરીના ઘા ઝીંકી 73 વર્ષીય વૃદ્ધની હત્યા, પોલીસે તપાસ આદરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News: અમરેલીના રાજુલા તાલુકાના મોરંગી ગામે પ્રેમસંબંધની અદાવતમાં 73 વર્ષીય વૃદ્ધની હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રેમસંબંધના મામલે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં એક શખસે વૃદ્ધના જમણા પગના સાથળના ભાગે છરીનો ઘા ઝીંક્યો હતો. ગંભીર ઇજાઓને કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડુંગર પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમસંબંધની અદાવતમાં છરીના ઘા ઝીંકી 73 વર્ષીય વૃદ્ધની હત્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલા તાલુકાના મોરંગી ગામે રહેતા રમજાન સમાના પરિવારની યુવતીને આરોપી રૂસ્તમ રાજેભાઈ બેલીમના પરિણીત ભાઈ શબ્બીર સાથે પ્રેમસંબંધ હોવાનું જણાય છે આ સંબંધ આરોપી રૂસ્તમને પસંદ ન હોવાથી તે અદાવત રાખતો હતો.
આ અદાવતના કારણે આરોપી રૂસ્તમ બેલીમ અને રમજાનના પિતા ભીખુભાઈ નનુભાઈ સમા(ઉં.વ.73) વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે ભીખુભાઈના જમણા પગના સાથળના ભાગે ઘા ઝીંક્યો હતો.
સારવાર મળે તે પહેલાં વૃદ્ધનું મોત
છરીનો ઘા વાગતાં ભીખુભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે રાજુલાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ડુંગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બનાવ અંગે ડુંગર પોલીસ મથકે આરોપી રૂસ્તમ બેલીમ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત હથિયારબંધીના જાહેરનામાના ભંગ અંગે પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પ્રેમસંબંધની અદાવતમાં બનેલી આ હત્યાની ઘટનાને પગલે મોરંગી ગામ સહિત રાજુલા પંથકમાં ચકચાર મચી ગઈ છે.




