Amreli

અમરેલી: કડિયાળી ગામે પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત ગ્રામજનો રેલવે ટ્રેક પર ઉતર્યા, ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
અમરેલીના રાજુલા તાલુકાના કડિયાળી ગામમાં ચોમાસાના પાણી ભરાવાની સમસ્યાને કારણે રોષે ભરાયેલા ગ્રામજનોએ AAP નેતા રાજુ સોલંકીની આગેવાની હેઠળ રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેન રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલવેનો પાળો હટાવતા પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટેન્ડર પ્રક્રિયા દ્વારા ઉકેલ લાવવાની ખાતરી આપતા હાલ પૂરતું આંદોલન સમેટાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: કડિયાળી ગામે પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત ગ્રામજનો રેલવે ટ્રેક પર ઉતર્યા, ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો

Amreli News: અમરેલીના રાજુલા તાલુકાના કડિયાળી ગામમાં ચોમાસાના પાણી ગામમાં તેમજ ખેતરોમાં ઘૂસી જવાની ગંભીર સમસ્યાને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ રેલવે ટ્રેક પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં ગ્રામજનોએ થોડી વાર માટે ગુડ્સ ટ્રેન રોકી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ અને રેલવે વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. અધિકારીઓ દ્વારા સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવતાં હાલ પૂરતુ આંદોલન સમેટવામાં આવ્યું હતું.

રેલવેનો પાળો હટાવાતાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોવાનો આક્ષેપ

કડિયાળી ગામના ગ્રામજનોના આક્ષેપ મુજબ, રેલવે વિભાગ દ્વારા સફાઈ કામગીરી માટે રેલવેનો પાળો હટાવવામાં આવ્યો હતો. જેના કારણે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતાં ગામની અંદર તેમજ આસપાસનાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. આ પરિસ્થિતિને કારણે ગ્રામજનો અને ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિકો દ્વારા અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. લાંબા સમયથી સમસ્યાનો ઉકેલ ન આવતાં આખરે ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.

આમ આદમી પાર્ટી(AAP)ના નેતા રાજુ સોલંકીની આગેવાની હેઠળ ગ્રામજનોએ રેલવે ટ્રેક પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો અને ગુડ્સ ટ્રેન રોકી હતી. ઘટનાની જાણ થતાં જ પીપાવાવ મરીન પોલીસ તથા રેલવે વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. અધિકારીઓએ ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમની સમસ્યા સાંભળી હતી.

ટેન્ડર પ્રક્રિયા દ્વારા ઉકેલ લાવવાની ખાતરી

રેલવે વિભાગના અધિકારીઓએ આ સમસ્યા અંગે ઉચ્ચ કક્ષાએ અહેવાલ રજૂ કરી ટેન્ડર પ્રક્રિયા મારફતે ઝડપથી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તંત્ર તરફથી ખાતરી મળ્યા બાદ ગ્રામજનોએ હાલ પૂરતું આંદોલન સમેટી લીધું હતું.

જો કે, ગ્રામજનો અને આંદોલનકારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં પાણી ભરાવાની આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો ફરીથી ઉગ્ર રેલ રોકો આંદોલન કરવામાં આવશે. હવે રેલવે વિભાગ દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે ક્યારે અને કેવાં પગલાં લેવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે.