અમરેલીમાં સિંહણોનું અનોખું સ્મારક: 'સુંદરી' અને 'રૂપસુંદરી'ની યાદમાં બનાવ્યું છે મંદિર, વિશ્વ સિંહ દિવસ ઉમટે છે લોકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Rajula Lioness Memorial Temple Bherai: અમરેલીના રાજુલા પંથકના લોકોના સિંહ પ્રત્યેના અનોખા પ્રેમ, સંવેદના અને સમર્પણનું પ્રમાણ ભેરાઈ ગામે આવેલું વિશ્વનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક છે. રાજુલા વિસ્તારના શ્રદ્ધાળુઓમાં સિંહણ સ્મૃતિ સ્મારકનું અનેરું મહત્ત્વ છે. દિવંગત સિંહણોને માતાજીનું વાહન માની શ્રદ્ધાળુઓ પૂજે છે તથા વર્ષભર અહીં શ્રીફળ વધેરવા આવે છે. અને પૂજન કરી માનતા પણ માને છે. 'સુંદરી' અને 'રૂપસુંદરી'ની યાદમાં બનાવેલા મંદિર ખાતે વિશ્વ સિંહ દિવસ પર મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.
શું છે સિંહણોના અનોખા સ્મારક પાછળની કહાણી?
રાજુલાના ભેરાઈ ગામ પાસેથી પસાર થતી પીપાવાવ-સુરેન્દ્રનગર બ્રોડગેજ રેલવે લાઇન પર વર્ષ-2013માં માલગાડીની ટક્કરે આ વિસ્તારમાં વિચરણ કરતી લોકપ્રિય એવી ‘સુંદરી’ અને ‘રૂપસુંદરી’ નામની બે સિંહણોના અકાળે મોત થયા હતા. બંને સિંહણોના મૃતદેહને પી.એમ. માટે ખસેડાયા ત્યારે રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, ‘સુંદરી’ નામની સિંહણ ગર્ભવતી હતી, અને તેના પેટમાં 3 બચ્ચાં હતા. જન્મ લે તે પહેલાં જ માતાની સાથે બચ્ચાં પણ મૃત્યુ પામ્યા હતા. આમ, પાંચ વન્ય જીવોના મોતથી આ વિસ્તારમાં શોક અને ગમગીની વ્યાપી ગયા હતા.
રાજુલા નેચર ક્લબના પ્રમુખ અને પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરીએ જણાવ્યું કે, આ કરુણ ઘટના બાદ આ વિસ્તારના સિંહ પ્રેમીઓ, પર્યાવરણવિદો, ગામલોકોએ એકત્ર થઈ બંને સિંહણોની પ્રાર્થનાસભા રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારે એકત્ર થયેલા સિંહ પ્રેમીઓએ બંને સિંહણોનું સ્મરણ કાયમી અકબંધ રહે તે માટે તેમના માનમાં સ્મારક બનાવવાનું નક્કી કર્યું, અને ભેરાઈ ગામના ખેડૂત હરસુરભાઈએ સ્મારક બનાવવા માટે પોતાની જમીન આપી સિંહ પ્રત્યે પ્રેમ અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વર્ષભર સિંહણ સ્મૃતિ સ્મારકનો રખરખાવ પણ તેઓ તથા અન્ય સિંહપ્રેમી કાથડભાઈ રાખી રહ્યા છે.

અકસ્માત સ્થળેથી 150 ફૂટ દૂર સુંદરી અને રૂપસુંદરી સિંહણોના માનમાં લાયન નેચર ફાઉન્ડેશનના નેજા હેઠળ વર્ષ-2014માં વિશ્વનું પ્રથમ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું હતું. સિંહણો માટે વિશ્વમાં આવું સ્મારક કે મંદિર બન્યું હોય તેવો આ કદાચ પ્રથમ દાખલો છે. 2016થી અહીં દર વર્ષે 10મી ઑગસ્ટે વિશ્વ સિંહ દિવસની અનેરી ઉજવણી કરાય છે.









