અમરેલી પોલીસની મોટી સફળતા: ઇન્સ્ટાગ્રામના 1800 ID ફેંદ્યા અને 'હેપ્પી બર્થ ડે' પોસ્ટથી 12 વર્ષ જૂનો અપહરણનો કેસ ઉકેલાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News: અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014માં નોંધાયેલા 13 વર્ષની સગીરાના ગુમ થવા, અપહરણ અને POCSO એક્ટના ગંભીર ગુનામાં પોલીસે 12 વર્ષ બાદ મોટી સફળતા મેળવી છે. છેલ્લા ઘણાં વર્ષો દરમિયાન આ કેસમાં અંદાજે 16 પોલીસ ઈન્સ્પેક્ટર બદલાયા હતા, પરંતુ કેસનો ઉકેલ આવ્યો નહોતો. તાજેતરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે જૂના દસ્તાવેજો અને ટેક્નિકલ સોર્સના આધારે ઝીણવટભરી તપાસ શરૂ કરીને આ વર્ષો જૂનો કોયડો ઉકેલી નાખ્યો છે.
ગુસ્સામાં ઘર છોડનાર 13 વર્ષીય સગીરા 12 વર્ષે મળી
પોલીસ પાસે તપાસની શરૂઆતમાં માત્ર ગુમ થયેલી બાળકીનો જૂનો ફોટો, જન્મ તારીખ અને પરિવારની વિગતો જ હતી. મહિલા કર્મચારીઓની ખાસ ટીમ બનાવીને સોશિયલ મીડિયા પર તપાસ શરૂ કરવામાં આવી હતી. સગીરાની જન્મ તારીખના આધારે મહિલા કર્મચારીઓએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આશરે 1800 આઈડી તપાસ્યા હતા. તપાસ દરમિયાન એક શંકાસ્પદ આઈડી પર ભોગ બનનારની જન્મ તારીખના દિવસે જ 'હેપ્પી બર્થ ડે' વિશ કરતી પોસ્ટ મળી આવી હતી. આ પ્રોફાઈલની વધુ તપાસ કરતાં તેમાં એક રિક્ષાનો ફોટો જોવા મળ્યો હતો. પોલીસે RTOની મદદથી ગાડીના નંબરના આધારે તેના માલિકનો મોબાઈલ નંબર મેળવ્યો હતો.
મોબાઈલ નંબરની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ નંબર પરથી 'ગુજરાત ગ્રામીણ બેંક'માં ખાતું ખોલાવવામાં આવ્યું છે. બેંકમાં એકાઉન્ટ ખોલાવતી વખતે ભોગ બનનાર યુવતીનો ગુમ થયા સમયનો જ જૂનો ફોટો આપવામાં આવ્યો હતો. બેંકમાંથી મળેલો ફોટો અને જૂનો ફોટો પરફેક્ટ મેચ થતાં પોલીસની શંકા વધુ મજબૂત બની હતી.
પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે જૂના દસ્તાવેજો અને ટેક્નિકલ સોર્સના આધારે તપાસ આદરી હતી
બેંકમાંથી મળેલી વિગતોના આધારે પોલીસ ટીમ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામ સુધી પહોંચી હતી. સ્થાનિક સ્તરે ઓળખ છતી ન થાય તે માટે પોલીસ કર્મચારીઓએ 'વસ્તી ગણતરીના શિક્ષક સ્ટાફ' તરીકે શેરીઓમાં જઈને પૂછપરછ શરૂ કરી હતી.
5 થી 7 ઘરની તપાસ કર્યા બાદ શંકાસ્પદ ઘર મળી આવ્યું હતું. જ્યાં યુવતી હાજર હતી પરંતુ તેણે પોતાનું નામ અલગ જણાવ્યું હતું. પોલીસે ચતુરાઈ વાપરીને કહ્યું કે, "તમારા પિયરમાં નોંધણી થઈ ગઈ હશે તો અહીં સરકારી લાભો નહીં મળે, માટે પિયરના પિતાનું નામ આપો." યુવતીએ તરત જ તેના પિતાનું સાચું નામ આપતા જ ફરિયાદી સાથે નામ બિલકુલ મેચ થઈ ગયું અને ઓળખ પાકી થઈ ગઈ હતી.
ગુસ્સામાં ઘર છોડ્યા બાદ શું થયું હતું?
પોલીસ પૂછપરછમાં યુવતીએ જણાવ્યું કે, તે બાળપણમાં ગુસ્સામાં ઘરેથી નીકળી ગઈ હતી અને રાજકોટ બસ સ્ટેન્ડ પર 2-3 દિવસ રહી હતી. જ્યાં એક સજ્જન વ્યક્તિએ તેનો ઉછેર કર્યો હતો. ત્યારબાદ તે આરોપીના સંપર્કમાં આવી અને પેલા સજ્જન વ્યક્તિએ જ બંનેના સામાજિક રીતે રાજીખુશીથી લગ્ન કરાવી દીધા હતા. હાલ આ યુવતી પોતાના પરિવાર સાથે જીવન જીવી રહી છે અને 4 બાળકોની માતા બની ચૂકી છે. પોલીસે સગીરાના હાલના પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને જેલહવાલે કર્યો છે.
અમરેલી પોલીસે વર્ષ 2025 અને 2026 દરમિયાન કુલ 111 ગુમ અથવા અપહરણ થયેલા બાળકો અને 342થી વધુ પ્રૌઢ વ્યક્તિઓને શોધીને તેમના પરિવારજનો સાથે પુનઃ મિલન કરાવ્યું છે. અમરેલી પોલીસની આ સરાહનીય કામગીરીથી સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે.









