Amreli

અમરેલીના સણોસરામાં દીપડાએ 8 વર્ષના બાળકને ફાડી ખાધો, અઠવાડિયામાં જ હુમલાની ત્રીજી ઘટના

By GS Team
7 Nov 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક યથાવત છે. સણોસરા ગામની સીમમાં કપાસના ખેતરમાં પરિવાર સાથે હાજર 8 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. આ હુમલામાં બાળકનું કરૂણ મોત નિપજતા ગામમાં શોક છવાયો છે. એક અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે. વન વિભાગે દીપડાને પકડવા 7 પાંજરા ગોઠવ્યા છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના સણોસરામાં દીપડાએ 8 વર્ષના બાળકને ફાડી ખાધો, અઠવાડિયામાં જ હુમલાની ત્રીજી ઘટના
FILE PHOTO

Amreli wildlife attack : ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં વન્યજીવો અને માનવ વસ્તી વચ્ચે સંઘર્ષ દિનપ્રતિદિન વધી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે. સણોસરા ગામની સીમમાં દીપડાના હુમલાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. કપાસના ખેતરમાં પરિવાર સાથે હાજર 8 વર્ષના બાળકને દીપડો અચાનક ઉઠાવી ગયો હતો. આ હુમલામાં બાળકનું મોત નીપજતા ગામમાં શોક અને ભયનો માહોલ છવાયો હતો. નોંધનીય છે કે એક અઠવાડિયામાં દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના છે.

દીપડાના હુમલામાં 8 વર્ષના બાળકનું મોત

મળતી માહિતી પ્રમાણે, અમરેલી તાલુકાના સણોસરા ગામે સીમમાં 8 વર્ષનો બાળક પરિવાર સાથે ખેતરમાં હતો. આ દરમિયાન અચાનક જ દીપડો ત્યાં આવી ચડ્યો અને પરિવારની નજર સામે જ બાળકને ઉઠાવીને નજીકના વિસ્તારમાં લઈ ગયો હતો. પરિવારજનો દ્વારા બાળકને બચાવવા પ્રયાસો કરાયા હતા, પરંતુ દીપડાના હુમલામાં બાળકનું મોત નિપજ્યું હતું.

દીપડાને પકડવા પાંજરા મુકાયા

ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, દીપડાના હુમલાની ગંભીરતના ધ્યાને રાખી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે આસપાસના વિસ્તારમાં 7 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

વન વિભાગ દ્વારા સુરક્ષાને લઈ સાવચેત રહેવા અપીલ કરાઈ

સણોસરા ગામની સીમમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના ખેતરોમાં કામ કરતા ખેતમજૂરો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. દીપડો પાંજરે પુરાય નહીં ત્યાં સુધી વન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બાળકોને એકલા ન મુકવા અપીલ કરવામાં આવી છે.