અમરેલી: 3 વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ, પોલીસે 100 CCTV ખંગોળી માસૂમને બચાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Lathi Girl Kidnapping Accused Arrested: અમરેલીના લાઠી તાલુકાના અડતાલા ગામે મજૂરી કામ કરતા પરપ્રાંતિય ખેતમજૂર પરિવારની માત્ર 3 વર્ષ અને 2 માસની માસૂમ બાળકીનું અજાણ્યા શખસ દ્વારા અપહરણ કરવામાં આવ્યુ હતુ. નવા વર્ષના દિવસે જ બનેલી આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ મામલે લાઠી પોલીસ, LCB, SOG સહિતની પોલીસની ટીમે યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી લીલીયાના જાતૃડા ગામેથી અપહરણ કરનાર આરોપીને બાળકી સાથે ઝડપી પાડ્યો હતો.
લાઠીના અડતાલા ગામે બાળકીના અપહરણ મામલે પોલીસે વિવિધ ટીમો બનાવીને ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના 25 કિલોમીટરના ત્રિજ્યાના વિસ્તારમાં આવેલા અંદાજે 100 જેટલાં સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. આ દરમિયાન પોલીસને આરોપીનું પગેરું જણાતા લીલિયા તાલુકાના જાતૃડા ગામેથી અપહરણકાર આરોપીને માસૂમ બાળકી સાથે ઝડપી લેવામાં મોટી સફળતા મળી હતી.
3 વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ
ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતાં તેને પોતાનુ નામ સોહન અમૃરૂ વસુનિયા હોવાનું જણાવ્યુ હતુ. આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે માસૂમ બાળકીને સહીસલામત પરિવારને સોંપી હતી.
અપહરણ પાછળનો હેતુ શોધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી
લાઠી પોલીસે ઝડપાયેલા આરોપી સોહન અમૃરૂ વસુનિયા વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. નવા વર્ષના દિવસે જ આ પ્રકારે માસૂમ બાળકીનું અપહરણ શા માટે કરવામાં આવ્યું હતું? આરોપીનો ઈરાદો શું હતો? તેમજ આ ગુનામાં અન્ય કોઈ શખસ સંડોવાયેલા છે કે કેમ? તે સહિતના વિવિધ પાસાઓ પર હાલ લાઠી પોલીસે તપાસ શરૂ કરી છે.




