અમરેલી: જીરા રેલવે સ્ટેશનના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, લાત મારતા જ તૂટી જાય છે પ્લેટફોર્મનું પ્લાસ્ટર, સાંસદ પણ જોઈને ચોંક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jeera Railway Station Corruption Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા રેલ્વે સ્ટેશન પર લાખો રૂપિયાના ખર્ચે થયેલી પ્લેટફોર્મ રિનોવેશનની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર અને લોટ પાણી ને લાકડા જેવી નબળી ગુણવત્તા સામે આવી છે. થોડા મહિના પહેલાં જ કરાયેલું આ સમારકામ એટલું નબળું છે કે માત્ર એક લાત મારતાની સાથે જ પ્લાસ્ટર ઉખડી રહ્યું છે. આ મામલે સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલની લેખિત રજૂઆત બાદ અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ જાતે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી, જ્યાં કામગીરીની પોલ ખુલી જતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
સાસંદે એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની આપી સૂચના, અમલ થશે ખરો?
પૂર્વ મહામંત્રીની ફરિયાદના ચાર દિવસ બાદ સાંસદ ભરત સુતરીયા જીરા રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તપાસ દરમિયાન પ્લેટફોર્મની અત્યંત નબળી કામગીરી નજરે પડતા સાંસદ પણ ચોંકી ગયા હતા. તેમણે સંબંધિત અધિકારીઓને કડક કાર્યવાહી કરવા તેમજ જવાબદાર એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપી છે. આ સાથે જ જે નબળું કામ થયું છે તેને તોડી પાડીને નવેસરથી મજબૂત કામગીરી કરાવવાનો દાવો પણ સાંસદે કર્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, સાંસદની આ સૂચનાનું પાલન થશે ખરૂં?
પ્લેટફોર્મની સ્થિતિ: સિમેન્ટ ગાયબ, કપચીઓ બહાર દેખાઈ
જીરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર કોન્ટ્રાક્ટરે કરેલી બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પ્લેટફોર્મના ફ્લોરિંગ પર ઠેર-ઠેર મોટી તિરાડો પડી ગઈ છે. ફ્લોર પરથી મોટા મેટલ અને કપચીઓ બહાર નીકળી આવી છે. સિમેન્ટ-રેતીનું યોગ્ય પ્લાસ્ટર પણ કરવામાં આવ્યું ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય લાત મારતાની સાથે જ આખું પ્લાસ્ટર ઉખડીને હાથમાં આવી જાય છે કે ખરી પડે છે.
કરોડના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, પેમેન્ટ ચૂકવાઈ જતાં સવાલો
સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અંદાજે રૂ. 6 કરોડના વિવિધ વિકાસ કામો અંતર્ગત આ પ્લેટફોર્મનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. કામગીરી તદ્દન નબળી ગુણવત્તાની અને ટેન્ડરની શરતોથી વિપરીત થઈ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને નાણાંની ચૂકવણી કરી દેવામાં આવી છે. જવાબદાર રેલ્વે અધિકારીઓએ આવી હલકી કક્ષાની કામગીરી કેવી રીતે મંજૂર રાખી તે અંગે પણ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત: સાંસદ
આ મામલે અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું હતું કે, "સરકાર ગુજરાત અને દેશના રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત કે બેદરકારીને કારણે પ્રજાનો પૈસો વેડફાય તે ક્યારેય સ્વીકારી લેવામાં કે સહન કરવામાં નહીં આવે."
ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જનતામાં ઉઠ્યા તીખા સવાલો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિવિધ વિકાસ કામોમાં લોલમલોલ કામગીરી અને ભ્રષ્ટાચારના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, જેમાં નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ હોવાના આક્ષેપો પણ થાય છે. પરંતુ આવા કિસ્સાઓમાં ગુણવત્તાયુક્ત તપાસ અને કડક કાર્યવાહી કેટલા અંશે થાય છે તે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે.
આ પણ વાંચો: CCTV: સુરતમાં પતિએ પ્રેમિકા સાથે મળીને પત્નીને ઢોર માર માર્યો, પોલીસે ગણતરીના કલાકોમાં પ્રવીણ ગોળકીયાની ધરપકડ કરી
આ સમગ્ર મામલે હવે સ્થાનિક સ્તરે એવા તીખા સવાલો પણ ઉઠી રહ્યા છે કે, કોઈ જાગૃત નાગરિક કે પૂર્વ મહામંત્રી રજૂઆત કરે ત્યારબાદ જ શા માટે તંત્ર કે લોકપ્રતિનિધિઓ જાગે છે? જ્યારે જીરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું, ત્યારે રેલ્વેના જવાબદાર એન્જિનિયરો કે સ્થાનિક નેતાઓએ શા માટે સમયસર નિરીક્ષણ ન કર્યું? જો કામ ચાલતું હતું ત્યારે જ ગુણવત્તા ચકાસવામાં આવી હોત, તો આજે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા વેડફાવાનો વારો ન આવ્યો હોત.









