અમરેલી જિલ્લાના મહેસૂલ વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ, કલેક્ટર કચેરી બહાર ધરણા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Revenue Employees Strike: અમરેલી જિલ્લાના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. પોતાની 14 જેટલી વિવિધ માંગણીઓ સાથે સજ્જડ હડતાળ પાડીને કર્મચારીઓ અમરેલી કલેક્ટર કચેરી બહાર ધામા નાખી ધરણા પર બેસી જતાં સમગ્ર જિલ્લાના મહેસૂલી કામગીરીના વહીવટી ચક્રો થંભી ગયા છે.
14 પડતર માંગણીઓ સાથે કલેક્ટર કચેરી બહાર ધરણા
મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી પડતર 14 જેટલા મહત્ત્વના પ્રશ્નો અને માંગણીઓ અંગે તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ ન લાવવામાં આવતાં આખરે કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. અમરેલી કલેક્ટર કચેરીના અંદરના પરિસરમાં મોટી સંખ્યામાં એકત્રિત થઈને કર્મચારીઓએ સરકારી નીતિ-રીતિ સામે વિરોધ નોંધાવી ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે.
હડતાળના કારણે અમરેલી જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ, જનસેવા કેન્દ્રો તેમજ મહેસૂલી શાખાઓમાં કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. વિવિધ સરકારી દાખલા, જમીન-મિલકતને લગતી કામગીરી, આવકના દાખલા, પુરવઠા વિભાગને લગતા કામો તેમજ અન્ય મહેસૂલી પ્રક્રિયાઓ અટકી પડતાં કચેરીઓમાં શૂન્યાવકાશ સર્જાયો છે.
દૂર-દૂરથી આવતા અરજદારો પરેશાન
હડતાળના પહેલા દિવસે જ કચેરીઓએ પોતાના કામકાજ અર્થે પહોંચેલા સામાન્ય નાગરિકો અને અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ગામડાઓમાંથી ભાડાં ખરચીને આવેલા અરજદારોને કામ થયા વિના જ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. આંદોલનકારી કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો તેની માંગણીઓનો સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે તો આ હડતાળ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવામાં આવશે.




