Amreli

અમરેલી જિલ્લામાં ખેડૂતોનાં મોઢેથી બટકું કોળિયો'ય માવઠાંથી ઝૂંટવાયો

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખાંભા ગીર, બગસરા, અમરેલી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવનથી તૈયાર મગફળીનો પાક પલળી ગયો. દોઢ ઇંચ વરસાદથી મગફળી કાળી પડી, જેના ભાવ અડધા થવાની ભીતિ છે. ખેડૂતોએ સરકારી સહાયની માંગ કરી છે. ઉપલેટાના 18 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જે 4 કલાકમાં પૂર્વવત કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી જિલ્લામાં ખેડૂતોનાં મોઢેથી બટકું કોળિયો'ય માવઠાંથી ઝૂંટવાયો

અમરેલી : અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને હાથમાં આવેલો કોળીયો ઝૂટવાઇ ગયો હોવાની પ્રતીતિ થઈ રહી છે. ગઈકાલે ખેતરોમાં તૈયાર મગફળીના પથારા રાખીને માર્કેટિંગ યાર્ડમાં લઈ જવાની તૈયારી કરતા ખેડૂતો માટે ખાંભા ગીર, બગસરા, અમરેલી , કુકાવાવ, બાબરા અને વડિયા પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આફત બનીને આવતાં ખેડૂતોની મુસીબતમાં વધારો થયો છે. ખાંભા ગીરના ગામડાઓ અને વડિયા પંથકમાં ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો હોવાની હૈયાવરાળ ખેડૂતોએ ઠાલવી છે.
ગઈકાલે દોઢેક ઇંચ વરસાદ પડવાને કારણે મગફળીનો પાક બગડી ગયો છે અને માંડવી કાળી પડી ગઈ છે. ગઈકાલે વરસાદમાં મગફળીના પાથરા પલળી ગયા હતા, જેને આજે સવારે ભેગા કરવાની મજૂરી કરવી પડી હતી, જ્યારે પાક ખરાબ થવાને કારણે બજારમાં તેના ભાવ ઓછા મળશે. જેનાથી નબળા ચોમાસામાં ધરતીપુત્રોની ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વાડીમાં પિયત માટે પૂરતું પાણી નથી, માત્ર પીવા પૂરતું જ પાણી ઉપલબ્ધ છે ત્યારે ખેડૂતોની દશા કફોડી બની છે.
અમરેલી જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવા છતાં કુવા અને બોરમાંથી માંડ માંડ પાણી પાઈને તેમણે મગફળીનો પાક બચાવ્યો હતો. પરંતુ ગઈકાલે અચાનક સાંજે વાવાઝોડું અને પોણા બે ઇંચ જેટલો વરસાદ ત્રાટકવાથી ખેતરમાં બધું ખેદાન-મેદાન થઈ ગયું છે. વરસાદ પડવાને કારણે મગફળીના પાથરા અને પશુઓ માટેનો ઘાસચારો (પાલો) સડી ગયો છે. જેનાથી મગફળી કાળી પડી ગઈ છે અને ડેમેજ થવાને કારણે તેના ભાવ અડધા થઈ જશે, ત્યારે ચાર મહિનાની સખત મહેનત અને મુશ્કેલીઓ બાદ પાક તૈયાર કર્યો હતો, ત્યારે કુદરતી આફતના આ સમયે સરકારે રાહત પેકેજ કે સહાયની જાહેરાત કરવી જોઈએ તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે.

  • ઉપલેટા તાલુકાનાં 18 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
    ઉપલેટા : ઉપલેટા તાલુકામાં ગઇકાલે સાંજે અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે સુપેડી, નીલાખા, વાડલા સહિતના જ્યોતિગ્રામ ફીડરોમાં ફોલ્ટ સર્જાતાં ૧૮ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેજ પવનને કારણે ખાખી જાળિયા રોડ પર પીપરનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના કારણે વાડલા જ્યોતિગ્રામના વીજપોલને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે નીલાખા જ્યોતિગ્રામની વીજ લાઇન પર પણ વૃક્ષ પડતાં વીજ પુરવઠો બંધ થયો હતો. આ પરિસ્થિતિમાં વીજતંત્રની ટીમોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. રાત્રિના સમયે જ રીસ્ટોરેશનની સમારકામ શરૂ કરીને ચાર કલાકમાં તમામ જ્યોતિગ્રામ ફીડરનો વીજ પુરવઠો પુનઃકાર્યરત કરવામાં આવ્યો હતો.