અમરેલી: મટીરિયલ્સ ટેસ્ટિંગ લેબના પોઝિટિવ રિપોર્ટ માટે ₹21 હજારની લાંચ લેતા GERIના બે અધિકારી ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli ACB: અમરેલીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી હાથ ધરીને ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI)ના બે અધિકારીઓને 21 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. અમરેલી શહેરની મટીરિયલ્સ ટેસ્ટિંગ લેબનો પોઝિટિવ રિપોર્ટ આપવાના બદલે બંને અધિકારીઓએ લાંચની માંગણી કરી હતી. સરકારી સર્કિટ હાઉસ ખાતે ગોઠવાયેલા છટકામાં બંને અધિકારીઓ ઝડપાઈ ગયા હતા.
લેબની સરપ્રાઇઝ વિઝિટ બાદ પોઝિટિવ રિપોર્ટ માટે માંગી હતી લાંચ
મળતી માહિતી અનુસાર, વડોદરા GERIમાં ફરજ બજાવતા અધિકારીઓએ અમરેલી શહેરની મટીરિયલ્સ ટેસ્ટિંગ લેબમાં સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. આ વિઝિટ બાદ લેબનો પોઝિટિવ અને અનુકૂળ રિપોર્ટ તૈયાર કરવા માટે અધિકારીઓએ 21 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જાગૃત ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે અમરેલી ACBમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.
સર્કિટ હાઉસના રૂમ નંબર 11માંથી ઝડપાયા
ફરિયાદના આધારે અમરેલી ACB ની ટીમે રચેલા પ્લાન મુજબ અમરેલી સરકારી સર્કિટ હાઉસના રૂમ નંબર 11 ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પાસેથી 21 હજાર રૂપિયાની લાંચની રકમ સ્વીકારતાની સાથે જ ACBની ટીમે દરોડો પાડી બંને અધિકારીઓને સ્થળ પર જ રંગેહાથ પકડી પાડ્યા હતા. ACB એ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપી
આણંદ ખરેડિયા (સંશોધન અધિકારી (કાર્યપાલક ઈજનેર), GERI, વડોદરા)
જિગર ભુટિયા (સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, GERI, વડોદરા)
લાંચની માંગણી કરી સ્વીકારાયેલી 21 હજાર રૂપિયાની રકમ ACB એ સ્થળ પરથી જ જપ્ત કરીને બંને ભ્રષ્ટ અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર નાબૂદી કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.




