અમરેલી: શિકાર માટે મારેલી છલાંગ 'મોતની છલાંગ' બની! ધારીમાં ઇલેક્ટ્રિક TC માંથી કરંટ લાગતાં દીપડાનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Leopard Death: અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં વન્યજીવોના અકાળે મોતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે દલખાણીયા રાઉન્ડના રેવેન્યુ વિસ્તારમાંથી વધુ એક દીપડાના મોતની ઘટના સામે આવી છે. ધારીના દલખાણીયા ગામે વાડી વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલા દીપડાનું ઇલેક્ટ્રિક ટીસી (ટ્રાન્સફોર્મર)માંથી કરંટ લાગવાના કારણે મોત થયું હતું.
શિકારની છલાંગ બની મોતની છલાંગ
મળતી માહિતી મુજબ, દલખાણીયા રેવેન્યુ વિસ્તારમાં આવેલી હસમુખ સોલંકીની વાડીમાં આ બનાવ બન્યો હતો. કેટલાક સ્થાનિકોનું માનવું છે કે, રાત્રિના સમયે ખોરાક અને શિકારની શોધમાં નીકળેલા દીપડાએ શિકાર કરવા માટે છલાંગ મારી હશે, અને તે ઇલેક્ટ્રિક TC પર જઈ પડ્યો હોવાથી ટીસીમાંથી વહેતા ભારે વીજપ્રવાહના સંપર્કમાં આવી જતાં દીપડાને જોરદાર શોક લાગતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.
વનવિભાગે હાથ ધરી પીએમ સહિતની કાર્યવાહી
વાડીમાં વીજ કરંટથી દીપડાના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતાં વનવિભાગનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વનવિભાગના અધિકારીઓ અને ટીમે મૃત દીપડાના કબજો મેળવીને તેને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવશે. ગીર વિસ્તારમાં ખુલ્લા ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરો વન્યજીવો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા હોવાથી સ્થાનિક પર્યાવરણપ્રેમીઓમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




