લાઠીના આંસોદર ગામના દિવ્યાંગ યુવાન તથા ફિલિપાઈન્સની યુવતીએ પ્રભૂતામાં પગલાં માંડયા


ફેસબુક ઉપર થયેલો પ્રેમ પરિણયમાં પરિણમ્યો સુરત ખાતે ધામધૂમથી લગ્નોત્સવ યોજાયો 

 અમરેલી,: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર ગામના મૂળ વતની અને હાલ સુરતમાં રહેતા દિવ્યાંગ યુવકને ફિલિપાઇન્સની યુવતી સાથે ફેસબુકના માધ્યમથી વાતચીત થઇ હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમ પ્રકરણમાં આગળ વધીને યુવક સાથે લગ્ન કરવા માટે યુવતી ફિલિપાઈન્સથી સુરત ખાતે આવી પહોંચી હતી. તેમના લગ્ન સુરત ખાતે યોજાયા હતા અને બંનેએ હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે લગ્નગ્રંથીથી જોડાયા હતા. આજે આ લગ્ન યોજાતા યુવકના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.તેમજ તેમના વતન વાસીઓ પણ ખુશી થઇ ગયા હતા.

મૂળ લાઠી તાલુકાના આંસોદર ગામના વતની અને 10 સુધી અભ્યાસ કરેલ કલ્પેશ કાછડીયા નામનો યુવક હાલ સુરતમાં પાનની કેબિન ચલાવે છે. તે દિવ્યાંગ હોવાને કારણે તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.પોતાના ગામડે પણ તે પાન માવાની કેબિન ચલાવતો હતો. જોકે બાદમાં તે સુરત ખાતે સ્થાઈ થયો હતો. 

તે દિવ્યાંગ હોવાને કારણે તેણે લગ્નના વિચાર આવતા ન હતા અને તેનાથી નાના-ભાઈ બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે. કિસ્મતમાં લગ્ન હોવાને કારણે તેને ફેસબુકએ પોતાના જીવન સાથી સુધી પહોચાડયો હતો. વર્ષ 2017ની સાલમાં રૂબીક નામની ફિલિપાઈન્સની યુવતી સાથે ફેસબુક પર તેની મુલાકત થઈ હતી. ત્યારથી તે ગૂગલ ટ્રાન્સલેટ કરીને ફિલિપાઈન્સની ભાષામાં વાતચીત કરતો. ત્યાર બાદ કલ્પેશેે તેની વાસ્તવિકતા વિડીયોના માધ્યમથી વાતચીત કરી જણાવી હતી. તેમ છતા પણ આ યુવકથી પ્રભાવિત થઈને યુવતી તેની સાથે લગ્ન કરવા માટે સુરત ખાતે પંહોચી ગઈ હતી અને તેના લગ્ન યોજાયા હતા.  આ યુવતીના લગ્ન ઘણા સમય પહેલાં થયા હતા અને તેને એક 7 વર્ષનો દીકરો પણ છે. તેના ભાઈ બહેન પણ છે. જેથી તમામે તેને મંજૂરી આપતા તે લગ્ન માટે ભારત આવી હતી  અને બંન્નેના લગ્ન સુરત ખાતે થયા હતા. સગા  વહાલાઓની હાજરીમાં ધામધૂમપૂર્વક સુરત ખાતે લગ્ન યોજાયા હતા.  કલ્પેશના પરિવારે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરીને ફિલિપાઇન્સની યુવતીને પોતાના પરિવારનો હિસ્સો બનાવી છે.

City News

Sports

RECENT NEWS