સાવધાન ઈન્ડિયા : દેશની અનેક હોસ્પિટલોમાં કોરોના વોર્ડનો પુન: પ્રારંભ


- અલ્પવિરામ

- કોરોના ઈતિહાસ નથી, હજુ એ આપણો ગુપ્ત વર્તમાન છે જે ગમે ત્યારે પ્રગટ થઈને સમાજના જાહેર આરોગ્ય પર તરાપ મારી શકે છે

કોરોનાની નવી લહેરને દેશમાં કેટલાક બુદ્ધિજીવીઓ અને ઉત્પાતિયો સ્વભાવ ધરાવનારા લોકો જે રીતે હળવાશથી લઇ રહ્યા છે તે ગંભીર ચિંતાનો વિષય છે. કોરોનાની પહેલી લહેર વખતે વડાપ્રધાને રાષ્ટ્રને કરેલા સંબોધનમાં દરેક રાજ્યને સીધો આદેશ આપેલો કે તે પોતાના નાગરિકો પાસે કડકાઇથી કામ લે અને કેન્દ્રની સૂચનાનો સખત રીતે અમલ કરાવે. પરંતુ મોટાભાગની રાજ્ય સરકારો એવો કડક અમલ કરાવી શકી ન હતી, જેનું પરિણામ બીજી અને ત્રીજી લહેર રૂપે પ્રજાએ ભોગવવાનું આવ્યું. દેશના તમામ શહેરોમાં છેલ્લા પંદરેક દિવસથી કોરોનાના નવા કેસ નોંધાવા લાગ્યા છે. ખુદ રાજય સરકારો પણ હજુ એ તરફ ગંભીર નથી. કેટલાક શહેરોમાં ફરી માસ્ક ફરજિયાત પહેરવાના હુકમો થયા છે, જેનું પાલન તો થતું નથી.

દેશની અનેક હોસ્પિટલોમાં નવેસરથી કોરોના વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. આ એક ખતરનાક સંકેત છે. કોરોના ઈતિહાસ નથી, હજુ એ આપણો ગુપ્ત વર્તમાન છે જે ગમે ત્યારે પ્રગટ થઈને સમાજના જાહેર આરોગ્ય પર તરાપ મારી શકે છે. અત્યારે ઓછી ઈમ્યુનિટી ધરાવતા નાગરિકો એનો શિકાર બની રહ્યા છે. હવે કોરોનાએ તાવ અને શરદી કે ફ્લૂની જેમ પોતાની કાયમી જગ્યા બનાવવાની શરૂઆત કરી છે, જેના વિશે વૈજ્ઞાાનિકો પહેલેથી કહેતા આવ્યા છે. કોરોનાને થોડીવાર બાજુએ રાખો અને વિચારો કે પૂર્ણ આરોગ્ય સભાનતા ધરાવતું જીવન ભારતમાં કેટલા લોકો જીવે છે? પૂર્ણ બેફિકર અને આડેધડ ખાતાપીતા સ્વાદશોખીનોની ટકાવારી આપણા સમાજમાં કેટલી છે? અત્યાર સુધી બધું ચાલ્યું, પરંતુ હવે ખોરાકી પ્રદૂષણ અને હવામાનનું પ્રદૂષણ એટલું વધ્યું છે કે શરીર એ સહન કરી શકે એમ નથી. બેફિકર લોકોને શોધવા એ કોરોના વાયરસનું આંતરિક પ્રોગ્રામિંગ છે.

દેશમાં સામસામાં બે પ્રકારના પ્રવાહો જોવા મળે છે. એક તરફ ઓમિક્રોન પછીના નવા વાયરસના ચોથી લહેરના સંયોગોની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વિના નાગરિકોના ટોળેટોળાં રાજકીય અને સામાજિક આનંદમાં બહાર છલકાવા લાગ્યા છે. દેશના અનેક પ્રવાસન સ્થળોએ સ્થાનિક સત્તાવાળાઓએ પ્રવાસીઓના પ્રવેશ પર જ પ્રતિબંધ ફરમાવ્યો છે છતાં લોકો દૂર દૂર સુધી દોડે છે અને હેરાન થઈને પાછા આવે છે. આવા ભીષણ સંજોગોમાં ગુજરાતી પરિવારો પણ જુદી જુદી સહેલગાહે ઉપડી ગયેલા છે. જાણે કે કોરોના જેવું કંઈ છે જ નહીં. દેશના ટોચનાં શહેરોમાં પણ આવાં દ્રશ્યો જોવા મળે છે. તો બીજી તરફ દક્ષિણ ભારતનાં કેટલાંક ગામડાં અને અમુક શહેરોના ચોક્કસ વિસ્તારો સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરીને એનું પાલન કરવા લાગ્યા છે. ગુજરાતમાં એની શરૂઆત હવે થશે.

કોઈ પણ રીતે કોરોનાને અંકુશમાં લેવા માટે જેઓ સભાન છે તેમને માટે આયુષ્યની રેખા લંબાઈ શકે છે. લોકોને કોરોનાની ઉપેક્ષા કરવાનું શિક્ષણ રાજનેતાઓ આપે છે. તેઓ અવારનવાર પોતાના કાર્યકરોના ટોળાઓ એકત્રિત કરે છે. કોરોનાની બીજી અને અલ્પકાલીન ત્રીજી લહેરમાં એવા હજારો કાર્યકરો પણ માર્યા ગયેલા છે, પરંતુ એનું અલગ આંકડાશાસ્ત્ર જાહેર થયું નથી. કેરળ માટે માત્ર સરકાર પરનો આધાર કોઇ કામનો નથી. ભારતમાં કેરળ ત્રીજી લહેરના સંક્રમણનું નેતૃત્વ કરતું હતું. આજે કેરળમાં રોજના સરેરાશ ત્રણ હજાર કોરોનાના નવા કેસ નોંધાય છે. ગુજરાતમાં હાલ રોજના બસ્સો નવા કેસની એવરેજ છે, જ્યાં સામુદાયિક રીતે એક સમાન વિચારધારા શક્ય છે તેવા વિસ્તારો અને તેવાં ગામડાં નવેસરથી પોતે નક્કી કરેલા સમયગાળા માટે લોકડાઉનનું પાલન કરવા લાગ્યા છે. કેરળના ઘણા ગ્રામવિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રયોગ સફળ નીવડયો છે, કારણ કે કેરળનાં ગામડાં અનેક સરપંચો તો ડોક્ટર કે એન્જિનિયર છે અને છતાં પોતાના બાપદાદાની વારસાગત ખેતીવાડી સંભાળે છે.

આમ પણ કેરળમાં અભણ માણસ શોધવો બહુ મુશ્કેલ છે. ભારતમાં કોરોનાનો પ્રવેશ કેરળથી થયો તો પણ વારંવાર કેરળે કોરોનાના કેસનો આંકડો શૂન્ય પર લાવી દીધેલો છે. અત્યારે ભલે આ રાજ્ય ફરી રોગચાળામાં ફસાઈ ગયું છે, પણ કેરળના અનુભવ પ્રમાણે ગ્રામ વિસ્તારોમાં લોકડાઉન બહુ કીમિયાગર ઉપાય છે. આ એક નવો પ્રવાહ છે, જે દર્શાવે છે કે લોકો હવે પોતાની જાતને ઘરમાં વધુ સલામત માને છે. પરંતુ આવો સમુદાય બધો અને બધે નથી, કારણ કે લોકડાઉન એક લક્ઝુરિયસ જીવનશૈલી છે. એ કંઈ આમજનને પોસાય નહીં. બેઠાંબેઠાં જીવન શી રીતે નભે? હશે એકાદ ટકા લોકો કે જેઓ વરસ બે વરસ રોટલો રળે નહીં તો ચાલે. રોજનું લાવીને રોજ ખાનારા અને મહિને લાવીને રોજ ખાનારા વચ્ચે અંતર બહુ ઓછું છે. એટલે હાથપગ બંધાઈ જાય એ નાના માણસને ન પોસાય. આતંકવાદને કારણે કાશ્મીરે વારંવાર જુદા જ અર્થમાં લોકડાઉન જેવા સન્નાટાનો અનુભવ કર્યો છે.

આપણે જે સ્થિતિમાં થોડાક દિવસો પણ પસાર થતાં ન હતા, એમાં કાશ્મીરીઓએ દાયકાઓ વીતાવ્યા છે. તેઓ કેવી યાતનાઓમાંથી પસાર થયા હશે! તેમનામાંથી બધા જ ભલે નિર્દોષ ન હોય પરંતુ સતત બંધ રહેતી બજારો વચ્ચેનું ભયગ્રસ્ત જનજીવન કેવું હોય! હવે ત્યાં જીવનનો ધબકાર છે. દાલ સરોવરમાં ઓપન એર થિયેટર પણ છે. રાત્રે શિકારામાં બેસીને વિરાટ સ્ક્રીન પર ફિલ્મ માણી શકાય છે. ગુજરાતમાં ચોતરફ ભીડ દેખાય છે. ભીડ જ વાસ્તવમાં કોરોનાને આપવામાં આવતું નિમંત્રણ છે. કોરોના એક રાતોરાત આવી પડેલી આફત છે. લોકો છેલ્લા ત્રણેક વરસથી તેની સાથે કામ પાડી રહ્યા છે, પરંતુ વિવિધ પ્રયાસો કર્યા હોવા છતાં સરકાર કોરોના સંબંધિત શિસ્તના પાઠ પ્રજાને ભણાવી શકી નથી અને એ જ કારણ છે કે સંક્રમણ અને મૃત્યુના આંકડાઓ સતત ઊંચે જતા રહે છે.

ચોથી લહેર એક્સપ્રેસ ગતિએ શરૂ થઈ ગઈ છે. આ પહેલાં થોડા સમય માટે આખા દેશમાં ગભરાટ ફેલાવનાર ઓમિક્રોન એક્સપ્રેસનો સહુને અનુભવ છે. અમેરિકામાં નવા કેસોનો આંકડો લાખોનો થતો જ રહે છે. હવે વૈજ્ઞાાનિકો કહે છે કે ચોથી લહેરમાં હર્ડ ઈમ્યુનિટી શક્ય જ નથી. ભારત જેવો વિરાટ અને અતિશય જનસંખ્યા ધરાવતો દેશ હર્ડ ઈમ્યુનિટીની પ્રતીક્ષા કરી શકે નહીં. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નિરીક્ષણ પ્રમાણે ડેલ્ટા વેરિયન્ટ સામે હર્ડ ઈમ્યુનિટીની શરૂઆત પણ દુનિયાના કેટલાક દેશોમાં ત્રણ વર્ષ પછી થશે. ઉપરાંત બીજી લહેરે સાબિત કર્યું છે કે ભારતીય પ્રજાનું સરેરાશ સ્વાસ્થ્ય પણ એવું નથી કે કોરોના વાયરસનો પ્રતિકાર કરવાની શક્તિ આપોઆપ જ ભારતીય માનવ શરીરોમાં વિકસી જાય. આપણી સફર બહુ લાંબી છે. વૈજ્ઞાાનિકોએ ઓમિક્રોન પછીના નવાં બે વેરિયન્ટની જાહેરાત કરી દીધી છે. એક પછી એક વાયરસની વણઝાર આવતી હોય એવા ભણકારા સંભળાય છે. ચેતતો નર સદા સુખી એ એક જ કહેવત સત્ય તરીકે નજર સામે રાખવાની છે. 

City News

Sports

RECENT NEWS