ગુજરાત નામના અકસ્માત પ્રદેશના નફ્ફટ નબીરાઓને જિંદગીની કોઈ કિંમત નથી
- અલ્પવિરામ
- આજકાલ એવા નબીરાઓ પણ છે કે એ કાર ચલાવતા હોય ત્યારે સાથે બેઠેલાં માબાપે ચૂપ થઈને બેસવું પડે. કંઈક કહો તો વળી એનું મગજ છટકે અને આડેધડ ચલાવે ને ઉપરાંતમાં કંઈ કંઈ બકવાસ કરે. ઘણાં દંપતીઓ એવા છે કે તેઓ તેમના સંતાનોની કારમાં બેસતા ડરે છે
આધુનિક ટેકનોલોજીએ મનુષ્યની જિંદગી બહુ આસાન બનાવી દીધી છે, પરંતુ આ જ ટેક્નોલોજીમાં રહેલી ક્ષતિઓ અને નાનકડી માનવીય ભૂલ ભયંકર હોનારત સર્જે છે. આજકાલ ગુજરાતીઓનો માર્ગ દુર્ઘટનાનો મૃત્યુ આંક બહુ ઊંચે જઈ રહ્યો છે. રાજ્ય સરકાર આ બધી ઘટનાઓ જોઈને સૂનમૂન બેઠી છે. નવી પેઢીનાં લીલાં માથાં રસ્તાઓ પર નાળિયેરની જેમ વધેરાઈ રહ્યા છે. જેમને નિયોરિચ કહીએ છીએ એવા નૂતન શ્રીમંતોનાં સંતાનો પિતાશ્રીની મોટરકારો બેફામ ચલાવી રહ્યાં છે. ગુજરાતમાં મોટરકારમાં ડ્રાઈવિંગ કરતા અણઘડ બેવકૂફોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે ભૂલ ન હોય તેવા વાહન ચાલકોની જિંદગી પણ ઠેબે ચડે છે. આપણા રાજ્યમાં હાઈવે પર ગમે ત્યાં ટ્રક ઊભા હોય છે. સાંજ પછી તો એ દેખાતા જ નથી. એટલે અકસ્માતોની હારમાળા સર્જાય છે.
અગાઉના એક કિસ્સામાં પાટનગર નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસેથી પસાર થતી એક દોડતી કારમાં એકાએક જ આગ ભડકી ઉઠી હતી. એમાં બે પુત્રીઓ સહિત એક માતા જીવતી સળગી ગઈ. આ બધી એવી દુર્ઘટના છે જેણે દેશમાં ફરી રહેલા કરોડો અસલામત વાહનો તરફ સાવચેતીની ઘંટડી વગાડી છે. અગાઉ ઇથિયોપિયાની બે બોઇંગ દુર્ઘટનાઓથી ડઘાઈ ગયેલા જગતે લીધેલાં વિવિધ સલામતીનાં 'ગ્રાઉન્ડેડ' પગલાં ચર્ચામાં હતાં. અત્યારે તો ભારતમાં માર્ગ દુર્ઘટનાઓ અને ટેકનિકલ ક્ષતિથી સર્જાતી જીવલેણ ઘટનાઓ નવેસરથી વિવાદના વંટોળ સર્જી રહી છે.
અક્ષરધામ નજીકની કારમાં આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારચાલક ઉપન્દ્ર પોતાની એક પુત્રીને લઈ બહાર કૂદવામાં તો કામયાબ નીવડયા, પરંતુ પોતાની પત્ની અને અન્ય બે પુત્રીઓને બહાર લાવી ન શક્યા. ચારે તરફ ઘેરાયેલા ટોળાની વચ્ચે એ ત્રણેય રાખ થઈ ગયાં. દેશમાં જેટલી પણ મોટરકારો ફરે છે તેમાં અગ્નિશમનની કોઈ વ્યવસ્થા નથી.
મોટા ભાગની કારના બધા દરવાજા સિંગલ કમાન્ડ એટલે કે ડ્રાઇવિંગ કરનારથી લોક- ઓપન થાય છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં દર વરસે દોઢ લાખથી વધુ લોકો સડક દુર્ઘટનાઓમાં મોતનો શિકાર બને છે. એમાં અરધાથી વધુ લોકો તો બાઇક, સ્કૂટર, કાર, ટેક્સી અને વાન સંબંધિત અકસ્માતોમાં જિંદગી ગુમાવે છે. ગુજરાતમાં તો ટેન્કર, છકડો અને ટ્રેક્ટર પણ આ આંકડાઓને અભિવૃદ્ધ કરી આપનારા છે.
જો વાહનોમાં એડવાન્સ સેફ્ટી ફિચર્સ હોત તો અનેક લોકોની જિંદગીના દીપ બુઝાઈ ગયા ન હોત. આપણા દેશના રસ્તાઓ પર દોડતા વિવિધ પ્રકારનાં દ્વિચક્રી અને ચતુર્ચક્રી વાહનોમાં સલામતી માટે અનિવાર્ય એવી મહત્ જોગવાઈઓ તો છે જ નહીં. ટેક્નોલોજી છે, પરંતુ જાગૃતિનો અભાવ છે. એમ કહો કે લોકોનું ધ્યાન વાહનનો ઉપયોગ કરવામાં છે, તેઓ જાણતા જ નથી કે તેમની સફર મોતના કૂવાથી જરાય દૂર નથી. ગ્લોબલ ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ઇ.સ. ૨૦૧૪થી ૨૦૨૧ વચ્ચે ભારતમાં બનેલી મોટરકારોના ક્રેશટેસ્ટ દ્વારા બહાર આવેલા રિપોર્ટ હવે જાહેર થયા છે અને એમાં આપણી અનેક મોટરકારોને ઝીરો રેટિંગ મળ્યું છે.
એવી કારમાં સવારી એટલે સ્વયં યમદૂતના ખભે બેસીને ફરવાનું સાહસ! આવું સાહસ દેશમાં નિત્ય લાખો નહીં, કરોડો લોકો કરે છે.૬ દેશના સડક પરિવહન અને રાજમાર્ગ મંંત્રાલયે જાહેર કરેલા અહેવાલમાં ગત વર્ષે દોઢ લાખ લોકોએ રસ્તામાં જ છેલ્લા શ્વાસ લીધા. એટલા અકસ્માતો થયા અને અંદાજે પાંચ લાખ લોકો ઘાયલ થયા. જેમાંના અનેકાનેક લોકોને કાયમી ક્ષતિ કે અપંગતા ભોગવવાની આવી.
આપણા દેશમાં હેલ્મેટની ઉપેક્ષા છે એવી જ સીટબેલ્ટની પણ છે. ચાર રસ્તે ્રટ્રાફિક પોલીસને દૂરથી જોઈને થોડી વાર માટે સીટબેલ્ટ બાંધી લેતા કારચાલકોને આપણે સુજ્ઞા કહીએ કે અજ્ઞા? એ સિવાય પણ આપણે ત્યાં સ્ટાઇલિશ કારચાલકો ક્યાં ઓછા છે? એક્ઝિક્યુટિવ ડ્રાઇવિંગ તો ઠરેલી શ્રીમંતાઈની નિશાની છે, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો રૂપિયો છલકાઈ જાય છે ને કાર ભટકાઈ પણ જાય છે. કાર એક લક્ઝરી છે, જે એના ચાલકમાં પણ કેટલીક ઉપલા સ્તરની અપેક્ષા રાખે છે. રાતોરાત શ્રીમંત થયેલા લોકો કાર અને છકડો એક સમાન રીતે ચલાવે છે અને ગુજરાતના રસ્તાઓ પર તેઓ પોતાની અનોખી અદામાં સહુને દર્શન આપે છે! જે વાસ્તવમાં તો નરી મૂર્ખતાનું પ્રદર્શન પૂરવાર થાય છે.
ભારતમાં ઉત્પાદિત કાર કંપનીઓનું કેટલું ફોક્સ સેફ્ટી પર છે એ ગ્રાહકે કે વાહનચાલકે ચકાસી લેવું જરૂરી છે. કોઈ પણ કાર કંપનીના ક્રેશ ટેસ્ટનો રિપોર્ટ જાણ્યા વિના એવી ચાવી ખિસ્સામાં મૂકવી જોખમી છે. પાંચ વરસના અંતે પણ એનડીએ સરકારનું સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એમ કહે છે કે અમે ભારતીય ઉત્પાદક કંપનીઓ માટે સેફ્ટીનાં નવાં ધારાધોરણો તૈયાર કરી 'રહ્યા' છીએ. એટલે કે કામ હજુ બાકી છે. ભારતીય કાર ગ્રાહકોની માનસિકતા પણ થોડી જવાબદાર તો છે. આપણું ધ્યાન કારની ઓછી કિંમત અને વધુ માઇલેજ પર છે. એટલે ઉત્પાદક કંપનીઓએ અનેક સેફ્ટી ફિચર્સ ઉડાડી દીધા છે. ગ્રાહકનું જ ધ્યાન સેફ્ટી પર ન હોય તો ઉત્પાદકોને શી પડી છે?
વાહનની ગતિશીલતા પણ નિરંકુશ હોય તો કારચાલક પોતાના સહિત બધા સવારોને લઈને સ્વયં મોતના મુખમાં કૂદે છે. સાયરસ મિસ્ત્રીની કાર ખૂબ જ સ્પીડમાં હતી એવી ધારણા છે. કાર એક સગવડ છે, એક વૈભવ છે, સ્વતંત્રતા છે અને અમુક હદે મજાની મોજ પણ છે, પરંતુ એને સમય બચાવવાનું યંત્ર જેઓ માને છે તેમની જિંદગી કાયમ માટે ખોટકાઈ જાય છે.
સ્પીડ અને ચોક્કસ ગણતરી વિનાના ઉતાવળા ઓવરટેકિંગ પણ દુર્ઘટના સર્જે છે. ગુજરાતમાં ઝડપી કાર ચલાવવાની ટેવ ધરાવતા કારચાલકોની સંખ્યા વધુ છે. દેશમાં એવા અનેક પરિવારો છે જેઓ આજે અફસોસ કરે છે કે કાર ન લીધી હોત તો સારું હતું. એવો અફસોસ જેમણે ન કરવો હોય તેમણે સાવધાની અને સંયમથી વર્તવું જરૂરી છે.
ટાટા જૂથના વડા અને જેમણે વરસો સુધી હજુ કોર્પોરેટ જાયન્ટ જહાજનું નેવિગેશન કરવાનું હતું તેવા વિખ્યાત સાયરસ મિસ્ત્રી બે વરસ પહેલા એકાએક જ કાર દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થઈ ગયા. ભારતીય કોર્પોરેટ જગતને લાગેલો એનો આઘાત હજુ આજેય શમ્યો નથી. કોઇ જવાબદાર વ્યક્તિ હોય કે સાવ અભણ હોય, જિંદગી બધાની એક સરખી રીતે મહામૂલી છે. આજકાલ એવા નબીરાઓ પણ છે કે એ કાર ચલાવતા હોય ત્યારે માબાપે ચૂપ થઈને બેસવું પડે.
કંઈક કહો તો વળી એનું મગજ છટકે અને આડેધડ ચલાવે ને ઉપરાંતમાં કંઈ કંઈ બકવાસ કરે. ઘણાં દંપતીઓ એવા છે કે તેઓ તેમનાં સંતાનોની કારમાં બેસતા ડરે છે. એમને ખબર છે કે તેમના સંતાનમાં કાર ચલાવવાની જે શિસ્ત જોઈએ તે નથી. એવી કારમાં બેસવું એના કરતા ચાલીને જવું કે બસમાં બેસવું સારું.