અમદાવાદ: 'તારો પતિ અપંગ છે, હું તને શારીરિક સુખ આપીશ' જેઠની અશ્લીલ માંગણી, પતિના નિધન બાદ મહિલાએ નોંધાવી ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Shaherkotda Police Station Harassment: અમદાવાદના નરોડા રોડ વિસ્તારમાં રહેતી એક 34 વર્ષીય મહિલાના પેરાલિસિસગ્રસ્ત પતિની બીમારીનો લાભ ઉઠાવી તેના જેઠે શારીરિક સંબંધની માંગણી કરી અવારનવાર હેરાનગતિની ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે મહિલાએ જેઠાણીને જાણ કરતા તેણે પણ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો ભાંડી હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી હતી. અગાઉ મહિલા શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી, પરંતુ પતિની સારવાર ચાલતી હોવાથી રૂબરૂ ફરિયાદ કરી શકી ન હતી. ગત 11 સપ્ટેમ્બરના રોજ પતિનું સારવાર દરમિયાન અવસાન થયા બાદ મરણવિધિ પૂર્ણ કર્યા બાદ પીડિત મહિલાએ જેઠ અને જેઠાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
'તારો પતિ અપંગ છે, હું તને શારીરિક સુખ આપીશ…'
પોલીસ ફરિયાદ અનુસાર, નરોડા રોડ વિસ્તારમાં રહેતી મહિલાએ 2016માં લવ મેરેજ કર્યા હતા. જે બાદ તેમને એક દીકરો છે. 34 વર્ષીય મહિલાના પતિ છેલ્લા દોઢેક વર્ષથી પેરાલિસિસની બીમારીના કારણે પથારીવશ હતા. પતિની આ શારીરિક અશક્તિનો લાભ લઈને મહિલાના જેઠે લાંબા સમયથી તેમના પર ખરાબ નજર રાખવાનું શરૂ કર્યું હતું. સપ્ટેમ્બર 2025ના રોજ સવારના સમયે મહિલા ઘરે હાજર હતી ત્યારે જેઠે તેમની પાસે શારીરિક સંબંધ બાંધવાની અશ્લીલ માંગણી કરી હતી.
જેઠે મહિલાને લાલચ આપતા કહ્યું હતું કે, 'તારો પતિ હવે અપંગ થઈ ગયો છે તેથી હું તને શારીરિક સુખ અને પૈસા આપીને ખુશ રાખીશ.' આ ઘટના બાદ પણ જેઠ દ્વારા અવારનવાર ઘરમાં અને ફળિયામાં ગંદા ઈશારા કરીને મહિલાને હેરાન કરવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.
મહિલા પાસે જેઠની શારીરિક સંબંધની માંગણી
મહિલાએ પોતાના જેઠની આ હરકતો અંગે પોતાની જેઠાણીને જાણ કરી ત્યારે જેઠાણી ઉશ્કેરાઈ ગઈ હતી. જેઠાણીએ મહિલાને બિભત્સ ગાળો આપીને ચરિત્રહીન કહી હતી અને ધમકી આપી હતી કે, જો તે આ અંગે કોઈને વાત કરશે કે પોલીસ ફરિયાદ કરશે તો તેના હાથ પગ તોડીને સિવિલ હોસ્પિટલ ભેગી કરી દેશે. આ ધમકીઓ બાદ મહિલાએ પોતાના પતિને જાણ કરી હતી અને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. મહિલાના પતિની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાથી તે સમયે તેઓ રૂબરૂ ફરિયાદ નોંધાવી શક્યા ન હતા. સારવાર દરમિયાન ગત 11 સપ્ટેમ્બરના રોજ તેમના પતિનું અવસાન થતાં, મરણવિધિ પૂર્ણ કર્યા બાદ મહિલાએ પોતાના જેઠ અને જેઠાણી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.




