વક્ફ ટ્રિબ્યુનલ વક્ફ બોર્ડની વહીવટી સત્તા તેના હાથમાં ના લઈ શકે : ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court Waqf Tribunal Ruling : ગુજરાત હાઈકોર્ટે વક્ફ મિલકતો અને તેના વહીવટ સંબંધિત એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે વક્ફ ટ્રિબ્યુનલનું કાર્ય માત્ર ન્યાયિક વિવાદોનો નિર્ણય કરવા પૂરતું મર્યાદિત છે. ટ્રિબ્યુનલ પાસે વક્ફ બોર્ડની વહીવટી કે નિરીક્ષણાત્મક સત્તાઓનો ઉપયોગ કરવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. સુપ્રીમ કોર્ટના આદેશોનો આધાર આપતાં હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, જો કોઈ વૈધાનિક બોર્ડ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય, તો પણ ટ્રિબ્યુનલ તેની વહીવટી સત્તાઓ પોતાના હાથમાં લઈ શકે નહીં.
પોરબંદર વક્ફ વિવાદ અને હાઈકોર્ટનું વલણ
પોરબંદરની સૂર્યવાડ મેમણ જમાત વક્ફમાં વર્ષ 1996થી ટ્રસ્ટીઓની ચૂંટણી યોજાઈ ન હતી. આ વિવાદમાં જસ્ટિસ મૂલચંદ ત્યાગીએ ટ્રિબ્યુનલના અધિકારક્ષેત્રની મર્યાદા સ્પષ્ટ કરવા સાથે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની લાંબા સમયની નિષ્ક્રિયતા સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી.
હાઇકોર્ટે ફગાવ્યો દાવો
આ કેસમાં વક્ફ ટ્રિબ્યુનલ, ગાંધીનગર દ્વારા ચૂંટણી અધિકારી અંગેના હુકમને રદબાતલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને હાઈકોર્ટે તેની સત્તા બહારનો ગણાવી રદ ઠરાવ્યો છે. હાઈકોર્ટે આ સમગ્ર મામલો ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડને પરત સોંપ્યો છે અને વક્ફ અધિનિયમ, 1995 હેઠળ તમામ ફરિયાદોની કાયદેસર તપાસ કરીને અસરગ્રસ્ત પક્ષકારોને સાંભળ્યા બાદ 3 મહિનામાં કામગીરી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે.
માત્ર 'સારા આશય'ના આધારે સત્તાનો દુરુપયોગ ન થઈ શકે
અગાઉ વક્ફ ટ્રિબ્યુનલે મિલકતો અને દસ્તાવેજોનો ભૌતિક કબ્જો લેવા તેમજ ટ્રસ્ટીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવા જેવા વહીવટી નિર્દેશો આપ્યા હતા. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ટ્રિબ્યુનલના આ આદેશો વક્ફની મિલકતોનું રક્ષણ કરવાના સારા આશયથી જ કેમ ન અપાયા હોય, પણ કાયદા દ્વારા જે સત્તા આપવામાં જ નથી આવી, તેનો ઉપયોગ માત્ર સારા આશયના આધારે કરી શકાય નહીં.




