અમદાવાદમાં દર્પણ છ રસ્તા નજીક આધેડને માથાફરેલો શખસોએ લાકડીથી માર માર્યો, સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના મેમનગર ફાયર સ્ટેશનથી નવરંગપુરા પોલીસ ચોકી તરફ જતા દર્પણ છ રસ્તા નજીક એક આધેડ વયના સફાઈ કામદાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્રણ જેટલા શખસોએ રસ્તાની વચોવચ વાહનોની અવરજવર અટકાવીને આ આધેડને માર મારવાનું શરૂ કર્યું હતું. આ જાહેરમાં થયેલી મારામારીનો વીડિયો પણ વાઈરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં હુમલાખોરોએ આધેડને કોઈ જ દયા દાખવ્યા વિના ફટકાર્યા હતા. જેમાં એક શખસે આધેડ પર દંડાથી માર માર્યો હતો. જ્યારે અન્ય એક શખસ તેમને જમીન પર પાડીને સતત લાતો મારી રહ્યો હતો. આ અમાનવીય હુમલાના કારણે સફાઈ કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, આસપાસથી પસાર થતા કેટલાક જાગૃત નાગરિકોએ હિંમત દાખવીને વચ્ચે પડી આધેડને હુમલાખોરોથી બચાવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
વાઈરલ વીડિયો અંગે પોલીસની સ્પષ્ટતા
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. બાવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 'પોલીસની એક ટીમ સોલા સિવિલ હોસ્પિટલમાં પીડિતનું નિવેદન લેવા અને ફરિયાદ નોંધવા પહોંચી હતી. પરંતુ, હાલમાં આધેડે તાત્કાલિક ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો છે અને તેઓ પોતાના વકીલ સાથે ચર્ચા કર્યા બાદ જ સત્તાવાર ફરિયાદ દાખલ કરશે.'









