અમદાવાદ: કારીગર સાથેની તકરારમાં ભંગારના વેપારી પર લાકડાના દંડાથી જીવલેણ હુમલો, 4ની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Vatva Scrap Trader Attack: અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા શ્રીરામ નગર ખાતે ગત 20 ઑક્ટોબરની મોડી રાત્રે કારીગરને હેરાન કરવા બાબતે પૂછપરછ કરતાં ભંગારના વેપારી પર ચાર શખ્સોએ લાકડાના દંડા વડે હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ વેપારીને માથા તેમજ પીઠના ભાગે ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે વટવા પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કારીગર સાથેની તકરારમાં ભંગારના વેપારી પર લાકડાના દંડાથી જીવલેણ હુમલો
પોલીસ ફરિયાદ અનુસાર, વટવા વિસ્તારમાં રહેતા અજીતભાઈ ગૌસ્વામી વટવા જીઆઇડીસીમાં ભંગારનો વેપાર કરે છે. ગત 20 ઑક્ટોબરના રોજ રાત્રિના આશરે અઢી વાગ્યાની આસપાસ તેમનો કારીગર પાર્થ પાણીની બોટલ લેવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં વિશાલ ચંદેશ્વર નામના શખ્સે પાર્થને અટકાવી "તું કેમ અજીત સાથે રહે છે, તારે તેની સાથે રહેવાનું નથી" તેમ કહી તકરાર કરી હતી. કારીગરે આ અંગે વેપારી અજીતભાઈને જાણ કરતાં તેમણે વિશાલને ફોન કરી કારણ પૂછતાં બંને વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી.
4 શખ્સોની ધરપકડ
ફોન પર થયેલી બોલાચાલીની અદાવત રાખી આરોપી વિશાલ, પિયુષ ચુનારા, અભિષેક ઉર્ફે અંડો અને જૈન ચુનારા અજીતભાઈના ઘર પાસે પહોંચી ગયા હતા. ત્યારબાદ આરોપીઓ વટવા સ્થિત એ.બી. સ્કૂલ પાસે આવ્યા હતા અને અજીતભાઈ સાથે ગાળાગાળી કરી હુમલો કર્યો હતો.
હુમલા દરમિયાન આરોપી વિશાલે પોતાની પાસે રહેલા લાકડાના દંડા વડે અજીતભાઈના માથાના ભાગે અને પિયુષે પીઠના ભાગે જોરદાર ફટકો માર્યો હતો. બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક લોકો દોડી આવતાં ચારેય શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત અજીતભાઈને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વટવા પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને દબોચી લીધા હતા.




