Ahmedabad

30 ઑક્ટોબરથી સાબરમતીથી બે નવી ટ્રેનની શરૂઆત થશે, કાશી વિશ્વનાથ અને બહુચર માતાના દર્શન સરળ બનશે

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવે દ્વારા 30 ઑક્ટોબરથી અમદાવાદથી 2 નવી ટ્રેનો શરૂ થશે. સાબરમતી-વારાણસી એક્સપ્રેસથી ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કનેક્ટિવિટી વધશે. આ ટ્રેન દરરોજ દોડશે. ઉપરાંત, મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમૂ ટ્રેનથી બહુચર માતાના દર્શન સરળ બનશે અને ઉત્તર ગુજરાતના દૈનિક પ્રવાસીઓને લાભ મળશે. આ બંને ટ્રેન ધાર્મિક પ્રવાસન અને વેપારને વેગ આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

30 ઑક્ટોબરથી સાબરમતીથી બે નવી ટ્રેનની શરૂઆત થશે, કાશી વિશ્વનાથ અને બહુચર માતાના દર્શન સરળ બનશે
ફાઈલ તસવીર

Western Railway New Train Routes: 30 ઑક્ટોબરના રોજ અમદાવાદથી બે નવી ટ્રેન શરૂ થવા જઈ રહી છે. સાબરમતી–વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે. આ બંને ટ્રેન શરૂ થવાથી ગુજરાતના પેસેન્જરો માટે ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ ધામ અને મહેસાણા જિલ્લાના બેચરાજી સ્થિત બહુચર માતાના દર્શન માટે રેલવે મુસાફરી વધુ સરળ બનશે. સાબરમતી–વારાણસી એક્સપ્રેસથી ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી વધશે, જ્યારે મેમૂ ટ્રેનથી ઉત્તર ગુજરાતના દૈનિક પેસેન્જરો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને વેપારીઓને લાભ મળશે.

સાબરમતી–વારાણસી એક્સપ્રેસ દરરોજ દોડશે

ટ્રેન નંબર 12205/12206 સાબરમતી–વારાણસી એક્સપ્રેસ દરરોજ દોડશે. સાબરમતીથી ટ્રેન સવારે 5:20 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 6:30 વાગ્યે વારાણસી પહોંચશે. જ્યારે વારાણસીથી ટ્રેન સાંજે 5:30 વાગ્યે ઉપડી બીજા દિવસે રાત્રે 8:15 વાગ્યે સાબરમતી પહોંચશે.

કયા કયા સ્ટોપેજ આવશે?

આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, જયપુર, આગ્રા, ગોવિંદપુરી, પ્રયાગરાજ નજીકના સુબેદારગંજ અને મિર્ઝાપુર સહિતનાં સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનથી કાશી વિશ્વનાથ ધામનાં દર્શને જતા શ્રદ્ધાળુઓ ઉપરાંત વેપારીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય પેસેન્જરોને પણ લાભ મળશે.

મેમૂ ટ્રેનથી બેચરાજી જવું સરળ બનશે

બીજી તરફ મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ સેવા શરૂ થતાં સાબરમતી, ચાંદખેડા, કલોલ, કડી, ભોયાણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા, રણુંજ અને મહેસાણા વચ્ચે રેલવે કનેક્ટિવિટી વધશે. આ ટ્રેનથી બહુચર માતાના દર્શને જતા શ્રદ્ધાળુઓને પણ સુવિધા મળશે. સાથે જ બેચરાજી વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ અને આસપાસના ગામોના લોકોને દૈનિક અવરજવરમાં મદદ મળશે.

મેમૂ ટ્રેનનો સમય

સાબરમતીથી ટ્રેન સવારે 6:40 વાગ્યે ઉપડી 8:05 વાગ્યે બેચરાજી અને 9:45 વાગ્યે મહેસાણા પહોંચશે. પરત ફરતી વખતે મહેસાણાથી સાંજે 4:40 વાગ્યે ઉપડી ટ્રેન 5:49 વાગ્યે બેચરાજી અને રાત્રે 8:30 વાગ્યે સાબરમતી પહોંચશે. બીજી સેવામાં સાબરમતીથી સાંજે 5:05 વાગ્યે ઉપડતી ટ્રેન 6:48 વાગ્યે બેચરાજી અને રાત્રે 8:25 વાગ્યે મહેસાણા પહોંચશે. પરત આવતી ટ્રેન મહેસાણાથી સવારે 7:05 વાગ્યે ઉપડી 7:50 વાગ્યે બેચરાજી અને સવારે 10:20 વાગ્યે સાબરમતી પહોંચશે. અમદાવાદ ડિવિઝનના DRMના જણાવ્યા મુજબ, બંને ટ્રેન સેવાઓથી ધાર્મિક પ્રવાસન, સ્થાનિક વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.