ધોરણ 12 પાસ નથી તે દર્દીઓનું ડાયાલિસિસ કરે છે! ગુજરાતના સરકારી સેન્ટરોમાં 52% સ્ટાફ બોગસ હોવાનો ધડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Dialysis Program Technician Recruitment Controversy : ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના કિડનીના દર્દીઓ માટે ચાલતા ‘ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ’ હેઠળ હિમોડાયાલિસિસ ટેકનિશિયનોની ભરતી અંગે સવાલો ઊભા થયા છે. કેગના અહેવાલને ટાંકીને કરવામાં આવેલા દાવા અનુસાર, રાજ્યમાં કાર્યરત 662 ટેકનિશિયનોમાંથી 346 ટેકનિશિયનોએ ‘ભારત સેવક સમાજ’ નામની સંસ્થાનાં સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી છે. આ સર્ટિફિકેટની માન્યતા અને ભરતીમાં નક્કી કરાયેલી લાયકાત અંગે તપાસની માગ ઊઠી છે.
662માંથી 346 ટેકનિશિયનોનાં સર્ટિફિકેટ અંગે સવાલ
મળતી વિગતો અનુસાર, અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ હેઠળ ચાલતાં 250થી વધુ ડાયાલિસિસ સેન્ટરોમાં કુલ 662 ટેકનિશિયનો કાર્યરત છે. અહેવાલમાં રજૂ કરાયેલા આંકડા મુજબ, તેમાંથી આશરે 52 ટકા એટલે કે 346 ટેકનિશિયનોએ માન્ય યુનિવર્સિટી અથવા સરકારી બોર્ડને બદલે ‘ભારત સેવક સમાજ’નાં સર્ટિફિકેટ રજૂ કરીને નોકરી મેળવી હોવાનું જણાવાયું છે. આ મામલે મુખ્ય સવાલ એ છે કે ભરતી માટે રજૂ કરાયેલાં સર્ટિફિકેટ સંબંધિત કામગીરી માટે માન્ય લાયકાત તરીકે સ્વીકાર્ય છે કે નહીં. ડાયાલિસિસની પ્રક્રિયામાં દર્દીઓની તબીબી સ્થિતિ પર સતત નજર રાખવી પડતી હોવાથી ટેકનિશિયનોની યોગ્ય તાલીમ અને લાયકાત મહત્ત્વપૂર્ણ છે.
નોકરીના એક વર્ષમાં ધોરણ 12 પાસ કરવાની શરત?
આ મામલે વધુ એક સવાલ આઉટસોર્સિંગ એજન્સીના ઓફર લેટરમાં લખવામાં આવેલી શરતને લઈને ઊભો થયો છે. દાવા મુજબ, ઓફર લેટરમાં ઉમેદવારે નોકરી પર જોડાયાના એક વર્ષની અંદર ધોરણ 12 પાસ કરવાની નોંધ કરવામાં આવી હતી. આ શરતને આધારે ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત કેટલી હતી અને ડાયાલિસિસ ટેકનિશિયન તરીકે નિમણૂક માટે કયા માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા, તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.
ઉચ્ચસ્તરીય તપાસની માગ
આ મામલે ભરતી કરનારી ખાનગી એજન્સીઓની કામગીરી અને આરોગ્ય વિભાગની દેખરેખ સામે પણ સવાલો ઊઠાવવામાં આવ્યા છે. માગ કરવામાં આવી છે કે સરકાર ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરે, તમામ ટેકનિશિયનોનાં શૈક્ષણિક સર્ટિફિકેટ અને વ્યાવસાયિક લાયકાતની ચકાસણી કરાવે તથા નિયમોનો ભંગ થયો હોય તો જવાબદાર એજન્સીઓ સામે પગલાં ભરે.




