Ahmedabad

અમદાવાદમાં દિવાળીએ રોશની નહીં થાય! સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય, ગત વર્ષે 118 સ્થળે શણગાર કરાયો હતો

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં દિવાળી દરમિયાન બિનજરૂરી રોશની નહીં કરવાનો મ્યુનિસિપલ સ્થાયી સમિતિએ નિર્ણય લીધો છે. ફક્ત ભદ્રકાળી મંદિર અને સાબરમતીના 6 બ્રિજને જ ધનતેરસથી લાભ પાંચમ સુધી શણગારાશે, જે સાંજે 7 થી 1 વાગ્યા સુધી પ્રકાશિત રહેશે. આથી 92 લાખના ખર્ચ સામે 10% થી ઓછો ખર્ચ થશે. ઉપરાંત, 5 લાખથી વધુ ટર્નઓવર ધરાવતી માવા, મીઠાઈ, ફરસાણની દુકાનોમાં રેપિડ ટેસ્ટિંગ કિટ ફરજિયાત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં દિવાળીએ રોશની નહીં થાય! સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય, ગત વર્ષે 118 સ્થળે શણગાર કરાયો હતો

Ahmedabad News: અમદાવાદ શહેરમાં આ વખતે દિવાળીના તહેવારો દરમિયાન વિવિધ બિલ્ડિંગ, દરવાજા, સર્કલ સહિતના સ્થળોએ બિનજરૂરી રોશની નહીં કરવાનો નિર્ણય મ્યુનિસિપલની સ્થાયી સમિતિમાં લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર આરોગ્યને ધ્યાને લઈને માવા, મીઠાઈ, ફરસાણની વાર્ષિક 5 લાખ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતી દુકાનોમાં રેપિડ ટેસ્ટિંગ કિટ ફરજિયાત રાખવાનો નિર્ણય પણ લેવાયો છે.

માવા, મીઠાઈ, ફરસાણની પાંચ લાખથી વધુ ટર્ન-ઓવર ધરાવતી દુકાનોમાં ટેસ્ટિંગ કિટ ફરજિયાત

અમદાવાદ મ્યુનિસિપલની સ્થાયી સમિતિમાં થયેલા રોશની અંગેના નિર્ણય બાબતે ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું છે કે, 'વીજળીની બચત થાય અને ખોટો બગાડ અટકે તે માટે આ વખતે દિવાળીમાં માત્ર ભદ્રકાળી માતાજીના મંદિર અને સાબરમતી નદી પરના છ બ્રિજને જ લાઈટથી શણગારવાનો નિર્ણય કરાયો છે. ધનતેરસથી લાભ પાંચમ સુધી સાંજે 7થી 1 વાગ્યા સુધી જ રોશનીની લાઈટ ચાલુ રાખવામાં આવશે. ગત વર્ષે દિવાળીની રોશનીમાં 92 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જે ઘટીને આ વખતે 10 ટકાથી પણ ઓછો થાય તેવી ધારણા છે.'

બીજી તરફ જાહેર આરોગ્યને ધ્યાને લઈને શહેરમાં માવા, મીઠાઈ, ફરસાણની પાંચ લાખ રૂપિયાથી વધુનું ટર્ન ઓવર ધરાવતી તમામ દુકાનોમાં રેપિડ ટેસ્ટિંગ કિટ રાખવી ફરજિયાત કરાઈ છે. જેથી લોકો જાતે જ કલર અને સ્ટાર્ચના પ્રમાણ સહિતની ભેળસેળ કે હાનિકારક બાબતો જાણી શકશે. આ નિયમની કડક અમલવારી કરવાની સૂચના પણ ફૂડ વિભાગને આપી છે.

ગત વર્ષનો ખર્ચ 92 લાખ રૂપિયા, 118 સ્થળ સજાવાયા હતા

અમદાવાદ મ્યુનિ.ના સૂત્રોના જણાવ્યાનુસાર, દર વર્ષે દિવાળીમાં 118 જેટલા જાહેર સ્થળોએ રોશની કરવામાં આવે છે. જેમાં સાબરમતી નદી પરના 7 બ્રિજ, 45 રોડ ઓવર બ્રિજ, 7 અંડરપાસ, 46 ટ્રાફિક સર્કલ, 11 હેરિટેજ દરવાજા વગેરે સ્થળોનો સમાવેશ થાય છે. ગત વર્ષે રોશનીનો ખર્ચ 92 લાખ રૂપિયાથી વધારે થયો હતો.

STPના બનાવમાં અધિકારીઓની જવાબદારી પણ નક્કી થશે

સોલાના એસટીપીમાં ગેસની અસર બાદ અંદર પડી જતા બે લોકોના મોત થયા હતા અને બે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં કોન્ટ્રાક્ટરની સાથે અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરાશે. અધિકારીઓની જવાબદારી અને ભૂમિકાની તપાસ હાથ ધરવા સ્થાયી સમિતિએ સૂચના આપી છે.