Ahmedabad

થલતેજમાં 2 મહિનાથી કારમાં આતંક મચાવનાર ઝડપાયો: AMCનો વીજ પોલ સળગાવ્યો, યુવક માનસિક અસ્થિર હોવાનો પરિવારનો દાવો

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના થલતેજમાં આકાશ ઠાકોર નામનો યુવક છેલ્લા 2 મહિનાથી થાર કારમાં બેફામ તોડફોડ કરી રહ્યો છે. તેણે સ્ટ્રીટ લાઇટનો થાંભલો તોડી, આગ ચાંપી અને કચરાનું ડ્રમ પણ સળગાવ્યું હતું. સ્થાનિકોની ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા યુવક માનસિક રીતે બીમાર હોવાનું અને તેની દવા ચાલતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે પરિવારજનોને સમજાવી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

થલતેજમાં 2 મહિનાથી કારમાં આતંક મચાવનાર ઝડપાયો: AMCનો વીજ પોલ સળગાવ્યો, યુવક માનસિક અસ્થિર હોવાનો પરિવારનો દાવો

Ahmedabad Crime News: અમદાવાદના થલતેજ વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી થાર લઈને ફરતા એક યુવકે સ્થાનિક રહીશોની ઊંઘ હરામ કરી દીધી છે. આકાશ ઠાકોર નામનો આ શખસ કાર લઈને નીકળતો હતો અને આસપાસના વિસ્તારોમાં બેફામ તોડફોડ કરી હતી, આ ઉપરાંત રાહદારીઓ સાથે પણ ઘર્ષણ કરતો હતો. તાજેતરમાં જ આ યુવકે એક સોસાયટીની બહાર આવેલી એએમસીની સ્ટ્રીટ લાઇટનો થાંભલો તોડીને તેમાં આગ ચાંપી દીધી હતી. આટલું જ નહીં, તેણે કચરાનું ડ્રમ પણ આ આગમાં નાખીને સળગાવી દીધું હતું, જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે.

સોસાયટીના સભ્યોએ કંટાળીને બોડકદેવ પોલીસમાં અરજી કરી

મળતી માહિતી અનુસાર, આકાશ ઠાકોરનો ડર એટલો બધો છે કે સ્થાનિક લોકો ભયભીત થઈને તેને રોકવાની હિંમત પણ કરી શકતા નહોતા. અગાઉ પણ તેણે સોસાયટીના રહીશોના ઘરે જઈને ગેરવર્તન કર્યું હોવાના અને રસ્તે જતા વાહનચાલકોને ઊભા રાખીને કારણ વગર માથાકૂટ કરી હોવાના બનાવો બન્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આકાશની આ હરકતોમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો. લોકોએ તેના પરિવારજનોને પણ આ બાબતે અનેકવાર ફરિયાદો કરી છે, છતાં તે જાહેરમાં લોકોને ડરાવવાનું અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનું ચાલુ જ રાખતો હોવાથી અંતે સોસાયટીના સભ્યોએ કંટાળીને બોડકદેવ પોલીસમાં અરજી આપી હતી.

આકાશ માનસિક રીતે બીમાર!

સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. બોડકદેવના પીઆઇએ જણાવ્યા અનુસાર, અરજીના આધારે પોલીસની ટીમ આકાશના ઘરે તપાસ અર્થે ગઈ હતી. જોકે, પૂછપરછ દરમિયાન પરિવારજનોએ મેડિકલ કાગળો રજૂ કરીને જણાવ્યું હતું કે આકાશની માનસિક સ્થિતિ સારી નથી. પોલીસ સમક્ષ તેની માનસિક બીમારીની દવા ચાલતી હોવાના પુરાવા પણ આપવામાં આવ્યા હતા. હાલ પોલીસે પરિવારના સભ્યોને સમજાવ્યા છે અને મળેલી અરજીને ધ્યાનમાં રાખીને આગળની તપાસ ચલાવી રહી છે.