Ahmedabad

અમદાવાદ: ગેસ કનેક્શન કપાવાની બીક બતાવી 62 વર્ષીય વેપારી સાથે રૂ.8.26 લાખની ઠગાઈ, બિલ અપડેટના નામે APK ફાઈલ મોકલી નાણાં સેરવી લીધા

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના 62 વર્ષીય વેપારી સંજયભાઈ દવે સાથે ગેસ બિલ અપડેટના નામે રૂ.8.26 લાખની છેતરપિંડી થઈ છે. ગઠિયાઓએ અદાણી ગેસ કનેક્શન કપાઈ જવાની ધમકી આપી, ખોટી APK ફાઈલ અને ગૂગલ ફોર્મ મોકલ્યું. વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન શેરિંગ કરાવી, ક્રેડિટ કાર્ડ અને OTP વિગતો મેળવી 22 ટ્રાન્ઝેક્શન દ્વારા લાખો રૂપિયા સેરવી લીધા. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ગેસ કનેક્શન કપાવાની બીક બતાવી 62 વર્ષીય વેપારી સાથે રૂ.8.26 લાખની ઠગાઈ, બિલ અપડેટના નામે APK ફાઈલ મોકલી નાણાં સેરવી લીધા

Ahmedabad Businessman Gas Bill Update APK File Scam: અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં રહેવાસી અને ઇસ્કોન ચાર રસ્તા પાસે પ્લાસ્ટિકના દાણાનું ટ્રેડિંગનો વેપાર કરતા વેપારીને અદાણી ગેસ કનેક્શન કપાઈ જવાની નોટિસનો ખોટો મેસેજ મોકલી ગઠિયાઓએ રૂ.8.26 લાખની છેતરપિંડી આચરી છે. ગઠિયાઓએ ગેસ બિલ અપડેટ કરવા અને મીટર અનલોક કરવાના બહાને ગૂગલ ફોર્મની લિંક અને એક APK ફાઈલ મોકલી હતી. ત્યારબાદ વોટ્સએપ વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન શેરિંગ કરાવી વેપારીના આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ તથા ઓટીપીની વિગતો મેળવી અલગ-અલગ 22 ટ્રાન્ઝેક્શન મારફતે લાખો રૂપિયા સેરવી લીધા હતા.

ગેસ કનેક્શન કપાવાની બીક બતાવી 62 વર્ષીય વેપારી સાથે રૂ.8.26 લાખની ઓનલાઇન ઠગાઈ

શહેરના થલતેજ ઝાયડસ હોસ્પિટલ રોડ પર આવેલા ત્રિશલા કુટીર બંગ્લોઝમાં રહેતા અને ઇસ્કોન ચાર રસ્તા મોન્ડેલ હાઇટ્સમાં ‘કે.કે.પોલીમર્સ’ નામે ઓફિસ ધરાવતા 62 વર્ષીય સંજયભાઈ દવેના આઈફોન પર ગત 21 સપ્ટેમ્બરે અજાણ્યા નંબર પરથી અદાણી ગેસના નામે મેસેજ આવ્યો હતો. જેમાં પાછલા મહિનાનું બિલ બાકી હોવાથી ગેસ કનેક્શન કાપી નાખવાની નોટિસ અપાઈ હોવાનું જણાવી કસ્ટમર કેર નંબર પર કોલ કરવા જણાવાયું હતું. આ મેસેજ વાંચતા હતા તે દરમિયાન અદાણી ગેસના સિમ્બોલવાળા વોટ્સએપ નંબર પરથી એક મેસેજ આવ્યો હતો, જેમાં ‘Adani Gas Bill Update Side.apk’ ફાઈલ અને ગૂગલ ફોર્મની લિંક મોકલવામાં આવી હતી.

​ત્યારબાદ ગઠિયાએ વોટ્સએપ પર વીડિયો કોલ કરીને સંજયભાઈને જણાવ્યું હતું કે, તમારું મીટર લોક થઈ ગયું છે, જેથી અનલોક કરવા માટે લિંક પર ક્લિક કરી પેમેન્ટ કરવું પડશે. સંજયભાઈએ ચાલુ વીડિયો કોલે લિંક ખોલતાં ઓનલાઇન ફોર્મ ખુલ્યું હતું. જેમાં તેમણે આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ નંબર, વેલિડિટી અને સીવીવી નંબર દાખલ કર્યા હતા. આ દરમિયાન ગઠિયાએ સ્ક્રીન શેરિંગ કરાવી રાખ્યું હતું. થોડીવારમાં કાર્ડમાંથી નાણાં કપાવાના અને ઓટીપીના મેસેજ આવવા લાગતાં સંજયભાઈએ પૂછપરછ કરી હતી. જોકે, ગઠિયાએ ‘તમે ઓનલાઇન સિસ્ટમ સાથે જોડાયેલા છો એટલે અન્ય ગ્રાહકોના મેસેજ આવે છે’ તેવું કહીને તેમને વાતોમાં પરોવી રાખ્યા હતા.

22 ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.8.26 લાખ ટ્રાન્સફર

​ત્યારબાદ આ કાર્ડમાં એપ્રૂવલ નથી આવતું તેમ કહી બીજું કાર્ડ માંગતાં સંજયભાઈએ એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડની વિગતો પણ ફોર્મમાં ભરી દીધી હતી. સતત એક કલાક સુધી કોલ ચાલુ રાખી ગઠિયાઓએ આઈસીઆઈસીઆઈ કાર્ડમાંથી 20 ટ્રાન્ઝેક્શન અને એચડીએફસી કાર્ડમાંથી 2 ટ્રાન્ઝેક્શન મળી કુલ 22 ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ.8.26 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આખરે એચડીએફસી બેંકમાંથી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે ફોન આવતાં સંજયભાઈને છેતરપિંડીનો અહેસાસ થયો હતો અને તેમણે બંને કાર્ડ બ્લોક કરાવ્યા હતા. સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવ્યા બાદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.