Ahmedabad

અમદાવાદના બોપલનો અજબ કિસ્સો, પ્રેમ લગ્ન કરનાર પરિણીતા ધૂણવા લાગી અને 20 સંબંધીઓની કરી ધોલાઈ

By GS Team
25 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના બોપલમાં, પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સોશિયલ મીડિયા પર અન્ય યુવક સાથે સંબંધ બંધાતા સાસરિયાંએ ઘરમાંથી કાઢી મૂકી હતી. સમાધાન બેઠકમાં 2 વર્ષની દીકરી છીનવી લેવાની વાત આવતા પરિણીતાએ ધૂણવાનું નાટક કરી સાસરિયાંના 20 સભ્યોને માર માર્યો. 181 અભયમ ટીમે કાઉન્સિલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના બોપલનો અજબ કિસ્સો, પ્રેમ લગ્ન કરનાર પરિણીતા ધૂણવા લાગી અને 20 સંબંધીઓની કરી ધોલાઈ

Ahmedabad Family Dispute News: અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી પરિણીતાને સોશિયલ મીડિયા પર અન્ય યુવકો સાથે સંપર્ક થયો અને પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ પતિ અને સાસરિયાઓને થતા તેણે 2 વર્ષની બાળકીને પાસે રાખીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરી હતી. આ મામલે પિયર અને સાસરી પક્ષ વચ્ચે સમાધાન બેઠક બોલાવી હતી. આ દરમિયાન પરિણીતાએ અચાનક જ ધૂણવાનું નાટક કરી સાસરી પક્ષના 20 સભ્યો સાથે માર પીટ કરી હતી.

પ્રેમલગ્ન બાદ સાસરીમાં જ્ઞાતિ અંગે થતા ત્રાસ અને સોશિયલ મીડિયા પર અન્ય યુવકના સંપર્કમાં આવવાના વિવાદ વચ્ચે આ હંગામો મચ્યો હતો. સમગ્ર મામલે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ઘટનાસ્થળે પહોંચી બંને પક્ષનું સઘન પરામર્શ કરી સુખદ સમાધાન કરાવ્યું હતું.

જાણો શું છે સમગ્ર મામલો

બોપલ વિસ્તારમાંથી 181 અભયમ હેલ્પલાઇન પર એક મહિલાનો ગભરાયેલા અવાજે ફોન આવ્યો હતો કે, 'મારા ભત્રીજા વહુ અચાનક ધૂણવા લાગ્યા છે અને પરિવારના સભ્યો પર હુમલો કરી માર મારી રહ્યા છે.' માહિતી મળતાં જ અભયમની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી. તે સમયે પરિણીતા સોફા પર બેસીને આંખો મોટી કરી ધૂણી રહી હતી. ટીમે તેને શાંત પાડી અલગ રૂમમાં લઈ જઈ પૂછપરછ કરતાં વિવાદનું અસલ કારણ સામે આવ્યું હતું.

પરિણીતાએ ઉચ્ચ જ્ઞાતિના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસરી પક્ષ દ્વારા તેની જ્ઞાતિ અંગે વારંવાર મહેણાં-ટોણાં મારવામાં આવતા હતા તેમજ પહેરવેશ બાબતે પણ સતત રોકટોક કરવામાં આવતી હતી. આ દરમિયાન પતિ તરફથી પણ પ્રેમ અને સહકાર મળતો બંધ થતાં તે માનસિક રીતે કંટાળી ગઈ હતી. આ દરમિયાન તે ઈન્સ્ટાગ્રામ મારફતે અન્ય એક યુવકના સંપર્કમાં આવી હતી. જેની જાણ થતાં જ સાસરી પક્ષે છેલ્લા 10 દિવસથી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.

પરિણીતાએ ધૂણવાનો ઢોંગ રચ્યો

મામલો થાળે પાડવા માટે સંબંધીના ઘરે બંને પરિવારના સભ્યોની સમાધાન બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક દરમિયાન સાસરી પક્ષના લોકોએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે, 'અમારે હવે આ વહુ જોઈતી નથી' અને સાથે તેની 2 વર્ષની દીકરીને પણ પડાવી લેવાની વાત કરી હતી. દીકરી છીનવાઈ જવાની બીક અને સાસરિયાંના સતત ત્રાસ સામે મિત્રની સલાહ યાદ આવતાં પરિણીતાએ ધૂણવાનો ઢોંગ રચ્યો હતો અને રોકવા આવેલા પરિવારના 20 સભ્યોને માર મારી પોતાનો બદલો લીધો હતો.

અભયમની ટીમે પરિણીતાને સમજાવ્યું હતું કે, ઘરેલુ હિંસા કે, 'બાળકીના હકની લડાઈ માટે જાતે હિંસા આચરવાને બદલે 181 હેલ્પલાઇન, પોલીસ કે કોર્ટનો કાયદેસર સહારો લેવો જોઈએ.' ત્યારબાદ ટીમે પતિ અને સાસરી પક્ષનું પણ કાઉન્સિલિંગ કર્યું હતું. આખરે બંને પક્ષે પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી ન થાય તેવી ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

પરિણીતાની માતાએ ઘરેલુ હિંસાથી આપઘાત કર્યો હતો

કાઉન્સિલિંગ દરમિયાન પરિણીતા ભાંગી પડી હતી. તેણે ઘટસ્ફોટ કર્યો હતો કે, મારી માતાએ પણ સાસરીમાં ઘરેલુ હિંસાથી કંટાળીને ભૂતકાળમાં આપઘાત કર્યો હતો. મેં પ્રેમલગ્ન કર્યા હોવા છતાં સાસરીમાં માતા જેવો જ ત્રાસ ભોગવી રહી હતી.' તેમાંય સમાધાન બેઠકમાં જ્યારે 2 વર્ષની માસૂમ દીકરીને પણ છીનવી લેવાની વાત આવી ત્યારે પરિણીતાએ સંતુલન ગુમાવી બેઠી હતી અને દીકરીને બચાવવા તેમજ સાસરિયાં પાસેથી અન્યાયનો બદલો લેવા ધૂણવાનું નાટક કરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.