Ahmedabad

અમદાવાદમાં ગરબાઓમાં શી ટીમ એક્ટિવ દેખાઈ, રોમિયોગીરી કરતા તત્ત્વો પર રાખી નજર

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ પોલીસની શી ટીમે નવરાત્રિમાં મહિલા સુરક્ષા માટે અનોખી પહેલ કરી. મહિલા ક્રાઈમ PI અને તેમની ટીમે સરખેજના AC ડોમ ગરબામાં ટ્રેડિશનલ કપડાં પહેરી હાજરી આપી. તેઓ ગરબે ઘૂમ્યા અને CCTV કેમેરા તપાસ્યા. રોમિયોગીરી કરતા તત્ત્વો અને ખાનગી વીડિયો ઉતારતા શખ્સો પર વોચ રાખી. એક યુવકનો મોબાઈલ પણ ચેક કરાયો. 8 ટીમો પશ્ચિમ વિસ્તારના ગરબા સ્થળોએ સતત તહેનાત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ગરબાઓમાં શી ટીમ એક્ટિવ દેખાઈ, રોમિયોગીરી કરતા તત્ત્વો પર રાખી નજર

Ahmedabad Police She Team: નવરાત્રિના તહેવારમાં મહિલાઓની સુરક્ષાની મહત્ત્વની જવાબદારી નિભાવતી શી ટીમના મહિલા ક્રાઈમ પીઆઇ અને તેની ટીમે અમદાવાદના સરખેજના એસી ડોમ ગરબામાં ટ્રેડિશનલ કપડાં પહેરીને હાજરી આપી હતી અને ગરબે રમ્યા હતા. તેમણે માત્ર સર્વેલન્સ રૂમમાં જઈને સીસીટીવી કેમેરા અને સુરક્ષા બંદોબસ્તની ચકાસણી જ કરી હતી. આ ઉપરાંત તેમણે રોમિયોગીરી કરતા તત્ત્વો અને મહિલાઓની કોઈ છેડતી કરે છે કે, ખાનગી વીડિયો ઉતારે છે તેની વોચ પણ રાખી હતી.

પશ્ચિમ વિસ્તારના પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ચેકિંગ

મહત્ત્વનું છે કે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ. જી. હાઈવેને અડીને એસ. પી. રિંગ રોડ સુધી મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટી પ્લોટ, એસી. ડોમ, ક્લબ અને શેરી ગરબાના સ્થળે 8 જેટલી ટીમો ગરબા સ્થળે તપાસ માટે પહોંચી હતી. જે અંતર્ગત મહિલા ક્રાઈમના પીઆઈ પણ તેમની સાથે ટીમ સાથે ટ્રેડિશન ડ્રેસમાં ગરબા રમવા અને તપાસ માટે પહોંચ્યા હતા.

વીડિયો ઉતારતા શખ્સની પૂછપરછ અને વિશેષ વોચ

મહિલા ક્રાઈમ બ્રાંચની ટીમે ડોમમાં આયોજિત ગરબામાં એન્ટ્રી લીધી હતી. જેમાં પહેલાં આખા ડોમ વિસ્તારમાં એક કલાક જેટલા સમય સુધી ફરીને નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ સર્વેલન્સ રૂમમાં જઈને તેમણે એક એક સીસીટીવી ચેક કર્યા હતા. એટલું જ નહીં, એ પછી આખી ટીમ સાથે ગરબે ઘૂમ્યા હતા અને ત્યાં આજુબાજુમાં હાજર અને ગરબે રમતા યુવક પર બાજ નજર રાખી હતી. આ દરમિયાન એક શખ્સ વીડિયો ઉતારતો જોવા મળતા તેનો મોબાઈલ સ્થળ પર ચેક કર્યો હતો. આ યુવકની પૂછપરછ કરતા તે પોતાના જ ગ્રુપની યુવતીઓનો વીડિયો ઉતારતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસના જણાવ્યાનુસાર, નવરાત્રિના તમામ દિવસો દરમિયાન અલગ-અલગ ટીમો રાત્રે 8 વાગ્યાથી લઈને ગરબા પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ ગરબા સ્થળોએ સતત તહેનાત રહેશે. આ દરમિયાન ફિલ્ડમાં રહીને ટીમ એ વાતનું ખાસ ધ્યાન રાખશે કે જો કોઈ રોમિયોગીરી કરતો શખસ નજરે પડે કે પછી કોઈ મહિલાને મદદની જરૂર જણાય તો તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી શકાય. મહિલાઓની સુરક્ષા માટે તેમની ટીમ સમગ્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ફરજ બજાવતી રહેશે.