રાજ્યભરમાં 'શીતળા સાતમ'ની શ્રદ્ધાભેર ઉજવણી: અમરેલીથી લઈને ધોળકાના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ, ટાઢા ભોજનનો ધરાવાયો ભોગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Amreli Sheetala Satam Celebrated: શ્રાવણ માસના પવિત્ર તહેવારોની શૃંખલા વચ્ચે આજે સમગ્ર ગુજરાતમાં 'શીતળા સાતમ'નો તહેવાર ભારે આસ્થા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવેલા પ્રાચીન શીતળા માતાજીના મંદિરો વહેલી સવારથી જ 'જય શીતળા મા'ના નાદથી ગુંજી ઊઠ્યા હતા.
અમરેલીના ટીંબી ગામે રૂપેણ નદી કિનારે મેળા જેવો માહોલ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા ટીંબી ગામે રૂપેણ નદીના કિનારે સ્થિત અતિ પૌરાણિક શીતળા માતાજીના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં લોકમેળા જેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો.
ધોળકા અને બાવળા પંથકમાં ભક્તિનો માહોલ
બીજી તરફ, ધોળકા અને બાવળા તાલુકામાં પણ શીતળા સાતમનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોળકાના વાઘેશ્વરી માતાના મંદિરના પટાંગણ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ પરંપરાગત વસ્ત્રો પહેરી, સુશોભિત પૂજાની થાળીઓ સાથે માતાજીના ધામે પહોંચી હતી. મહિલાઓએ સમૂહમાં બેસીને શીતળા સાતમની પૌરાણિક વ્રત કથાનું શ્રવણ કર્યું હતું.
ટાઢા ભોજનનો ભોગ અને પ્રાચીન પરંપરા
શાસ્ત્રોક્ત અને લોક માન્યતા મુજબ, આજના દિવસે ઘરે-ઘરે ચૂલો પ્રગટાવવામાં આવતો નથી. બુધવારે રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરાયેલી વાનગીઓ જેવી કે તળેલા બાજરાના વડા, પૂરી, થેપલા અને કાનુડાનો પ્રસાદ આરોગીને કૂળ પરંપરા જાળવવામાં આવી હતી.
મહિલાઓએ શીતળા માતાજીને કંકુ, અક્ષત, પુષ્પ અને ટાઢા ભોજનનો ભોગ ધરાવી, જળ ચઢાવીને પરિવારના સભ્યો અને ખાસ કરીને બાળકોના નિરોગી આરોગ્ય, દીર્ઘાયુ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ધાર્મિક માન્યતા અનુસાર આ વ્રત કરવાથી ગરમી સંબંધિત રોગો દૂર રહે છે અને ઘરમાં આરોગ્યનો વાસ થાય છે.




