અમદાવાદ: કરોડોનો પ્લોટ ટ્રસ્ટને અડધી કિંમતે પધરાવવાની દરખાસ્ત રદ, AMC કરશે જાહેર હરાજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad AMC SG Highway Plot Controversy: અમદાવાદના એસજી હાઇવે પર આવેલી હીરામણિ સ્કૂલના કેમ્પસમાં કોર્પોરેશનની માલિકીનો 2608 ચોરસ મીટરનો પ્લોટ હવે જાહેર હરાજીથી ફાળવવામાં આવશે. જન સહાયક ટ્રસ્ટ દ્વારા આ પ્લોટ પાર્કિંગના હેતુમાંથી ફેરવી શૈક્ષણિક હેતુ માટે માંગણી કરવામાં આવી હતી. પ્લોટની બજાર કિંમત 65 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ હોવા છતાં હરાજી કર્યા વગર જ ફાળવણી કરવાની દરખાસ્ત મૂકાતાં વિવાદ સર્જાયો હતો. આ મુદ્દે સવાલો ઊઠ્યા બાદ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા દરખાસ્ત પરત કરવામાં આવી છે. હવે પ્લોટની કિંમતનું મૂલ્યાંકન કરાવી જાહેર હરાજીથી તેનો નિકાલ કરાશે. મહત્ત્વનું છે કે, પ્લોટનો હેતુફેર કરી શૈક્ષણિક હેતુ માટે કરવામાં આવે તો 50 ટકા કિંમત ચૂકવવાની થાય જેથી કોર્પોરેશનને નુકસાન જાય.
કરોડોની કિંમતનો પ્લોટ ટ્રસ્ટને અડધી કિંમતે પધરાવવાની દરખાસ્ત પરત
આ પ્લોટ કોર્પોરેશનને જમીન કપાતમાં સામાજિક માળખાકીય સુવિધા હેઠળ પાર્કિંગના ઉપયોગ માટે મળ્યો હતો. વર્ષોથી તેનો ઉપયોગ પાર્કિંગ માટે થઈ રહ્યો છે. હીરામણિ સ્કૂલના જન સહાયક ટ્રસ્ટે આ પ્લોટનો ઉપયોગ શૈક્ષણિક હેતુ માટે કરવાની રજૂઆત કરી હતી. આ માટે હાલના પાર્કિંગ હેતુમાં ફેરફાર કરીને શૈક્ષણિક હેતુ માટે ફાળવણી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થઈ હોત તો પ્લોટની બજાર કિંમતની સરખામણીએ અડધી રકમ જ કોર્પોરેશનને મળત અને બાકીની રકમનું નુકસાન થવાની શક્યતા હતી.
મૂલ્યાંકન કમિટી કિંમત નક્કી કર્યા પછી હરાજી કરાશે
ખાસ વાત એ છે કે, આ પ્લોટની બજાર કિંમત 65 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. આવી કિંમતની જમીન માટે જાહેર હરાજીનો માર્ગ અપનાવવાને બદલે ચોક્કસ ટ્રસ્ટને 50 ટકા કિંમતે ફાળવણી કરવાની દરખાસ્ત સામે વિવાદ ઊભો થયો હતો. હવે દરખાસ્ત પરત થતાં મૂલ્યાંકન કમિટી પ્લોટની કિંમત નક્કી કરશે અને ત્યારબાદ જાહેર હરાજી દ્વારા ફાળવણી કરવામાં આવશે.
દરખાસ્તને પરત કરાઈ, આગામી સમયમાં નિર્ણય લેવાશે: ટીપી કમિટી ચેરમેન
ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, 'છારોડી-ઓગણજમાં જન સહાયક ટ્રસ્ટ-હીરામણિ સ્કૂલ દ્વારા 2608 ચોરસ મીટરના કોર્પોરેશનના પ્લોટને હેતુફેર કરી શૈક્ષણિક હેતુ માટે જાહેર હરાજીથી નિકાલ કરવા અંગેની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ દરખાસ્ત હાલમાં પરત ખેંચવામાં આવી છે. આ મામલે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે.'
સંસ્થાએ વાર્ષિક ₹2.44 લાખના ભાડેથી લીધેલી છે આ જગ્યા
હાલ આ જન સહાયક ટ્રસ્ટ દ્વારા કોર્પોરેશન પાસેથી વાર્ષિક 2.44 લાખ રૂપિયાનું ભાડું ચૂકવીને લેવામાં આવ્યો છે. હીરામણિ સ્કૂલના કેમ્પસ વિસ્તારમાં આવેલા આ પ્લોટનો ઉપયોગ પાર્કિંગ માટે થાય છે. હવે શૈક્ષણિક હેતુ માટે હેતુફેર અને ફાળવણીની જૂની દરખાસ્તને બદલે મૂલ્યાંકન બાદ જાહેર હરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.




