Ahmedabad

અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે 50 કરોડથી વધુનું કૌભાંડ: ગેંગના 4 સાગરિતો ઝડપાયા, દુબઈ કનેક્શન ખૂલ્યું

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સાયબર ક્રાઈમે શેરબજારમાં રોકાણના નામે 67.92 લાખની છેતરપિંડી આચરનાર ચાર આરોપીઓને વડોદરા અને અમદાવાદમાંથી ઝડપ્યા છે. આ ગેંગે 'જુલિયસ બેર'ના નામે નકલી એપ્સ બનાવી, SEBIના ફેક સર્ટિફિકેટ દ્વારા ઊંચા વળતરની લાલચ આપી હતી. નાણાં પરત માંગતા ટેક્સના નામે વધુ રકમની માંગણી કરી હતી. આંતરરાષ્ટ્રીય રેકેટના દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધારો સાથે સ્થાનિક નેટવર્ક સંભાળતા આરોપીઓ પાસેથી 30થી વધુ બેંક એકાઉન્ટ કિટ્સ મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે 50 કરોડથી વધુનું કૌભાંડ: ગેંગના 4 સાગરિતો ઝડપાયા, દુબઈ કનેક્શન ખૂલ્યું

Ahmedabad Stock Market Scam: અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે શેરબજારમાં રોકાણના નામે 67.92 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરવાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસની તપાસ દરમિયાન નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર દેશના 15થી વધુ રાજ્યોમાં આ ગેંગ વિરુદ્ધ 80થી વધુ ફરિયાદો અને 50 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

જાણો શું છે સમગ્ર મામલો

પોલીસના જણાવ્યાનુસાર, આરોપીઓએ વોટ્સએપના માધ્યમથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. તેણે પ્રતિષ્ઠિત વિદેશી નાણાકીય સંસ્થા 'જુલિયસ બેર'ના નામે 'JB X One' (JB1) તથા 'ID-QSB' નામની બનાવટી મોબાઈલ એપ્લિકેશન્સમાં રોકાણ કરાવ્યું હતું. રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે સેબી (SEBI)નું ફેક સર્ટિફિકેટ મોકલવામાં આવતું હતું અને દૈનિક 5થી 20 ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી હતી. ફરિયાદીએ જ્યારે પોતાના નાણાં પરત ખેંચવાનો પ્રયાસ કર્યો, ત્યારે 20 ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને 4 ટકા સેસના નામે વધુ રકમની માંગણી કરીને નાણાં અટકાવી દેવાયા હતા.

સાયબર ક્રાઈમ બ્રાંચે ટેકનિકલ અને માનવ વિગત આધારિત તપાસ કરીને વડોદરા અને અમદાવાદમાંથી ચાર આરોપીઓ—ઈસ્તિયાક યુસુફ રિયાવાલા, સોહેબ જોજાવરવાલા, શેહઝાદ અજમેરવાલા અને ઈરફાન શેખની અટકાયત કરી છે. મુખ્ય આરોપી ઈસ્તિયાક પાસેથી વિવિધ બેંકોની 30થી વધુ એકાઉન્ટ કિટ્સ મળી આવી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યા મુજબ, વોટ્સએપ ગ્રૂપમાં 'આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ'ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને એક મહિલા એડમિને ફરિયાદીને વધુ રોકાણ કરવા માટે આકર્ષિત કર્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ કમિશનની લાલચે સામાન્ય લોકોના બેંક ખાતાઓ મેળવી તેની કિટ્સ દુબઈ સ્થિત મુખ્ય સાગરીતોને મોકલતી હતી. દરેક કિટ દીઠ 10થી 15 ટકા કમિશન નક્કી કરવામાં આવ્યું હતું. આરોપી સોહેબ અને ઈસ્તિયાક દુબઈના મુખ્ય સંચાલકો સાથે સીધા સંપર્કમાં રહી સ્થાનિક નેટવર્ક સંભાળતા હતા. હાલ પોલીસ આ આંતરરાષ્ટ્રીય રેકેટ અને તેમાં સામેલ અન્ય લોકો અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.